Business

કોરોનાની બીજી લહેરની અસર અર્થતંત્ર ઉપર વધુ વિઘાતક થવાની શકયતા વધારે

દેશમાં કોરોનાની બીજી લહેરનો હાહાકાર હવે શહેરોમાં પીક ઉપર આવી ગયો જણાય છે. પરંતુ વધુ ખરાબ અને બદતર હાલત હવે ગામડાઓની થઇ રહી છે. દિલ્હી, મુંબઇ, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં જરૂરથી કોરોના સંક્રમણ ધીમુ પડયં છે. નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે પરંતુ ગામડાઓના બદતર બની રહેલ હાલ જોતાં શહેરોના આંકડા આભાસી લાગે છે કારણ કે દેશના અર્થતંત્રની રીકવરીને જેટલી ખરાબમાં ખરાબ અસર શહેરોમાં વકરેલ કોરોનાની બીજી લહેરની થાય છે. તનાથી અનેકગણી વધુ વિધાતક અસર ગામડાંઓમાં થઇ રહેલ પ્રસારની જોવા મળશે. દેશની અને ગુજરાતની વાત કરીએ તો 14મે શુક્રવારે નવા દર્દીઓની સંખ્યા અનુક્રમે 343144 અને 10000 જેટલી હતી. જ્યારે સાજા થયેલની સંખ્યા 345000 અને 15365ની હતી. નવા મૃત્યુ દેશમાં 4000 અને ગુજરાતમાં 104 થયા હતા. રીકવરી રેટ દેશમાં 83.50 ટકા અને ગુજરાતમાં 82.82 ટકા છે.

વેકસીનેશન 13 મે સુધીમાં દેશમાં 17.92 કરોડને અપાયું છે. 13 મેના રોજ 20.27 લાખ લોકોને વેકસીન અપાઇ હતી. દેશમાં 13.87 કરોડ લોકોને પહેલો ડોઝ અને 4.05 કરોડ લોકોને બંને ડોઝ અપાઇ ગયા છે. વડાપ્રધાને પણ જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેર હવે ગામડાંમાં ઝડપભેર ફેલાઇ રહ્યો છે એટલે ખેડૂતો સહિત ગ્રામીણ પ્રજાએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે. બચાવ માટે માસ્ક જરૂર પહેરે. સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરે. ગામડાઓની હાલત વધુ દયનીય અને બદતર એટલા માટે બની રહી છે કે ત્યાં આરોગ્ય કેન્દોર પુરતા પ્રમાણમાં નથી, જ્યા આરોગ્ય કેન્દ્રો છે ત્યાં ડોકટર કે પેરા મેડિકલ સ્ટાફ નથી. લોકોને કોરોનાના લક્ષણ તાવ, ખાંસી, ઉધરસ વગેરે જણાય-દેખાય તો શું ઇલાજ કરવો તેની ખબર નથી અને તે અંગે કોઇ માર્ગદર્શન આપનારૂં નથી અને આના કારણે મૃત્યુ વધી ગયા છે. જેનો એક બોલતો પુરાવો યુપી અને બિહારમાં ગંગા નદીમાંથી મળી આવેલ અસંખ્ય તરતી લાશ-મૃતદેહો છે.

બની શકે કે પુરતા સ્મશાન ગૃહો ના હોય, કોઇને ખંધો આપનાર ના હોય, ઘરોમાંથી લીધી જ લાશનો આવી રીતે નિકાલ કરી દેવાયો હોય, મરી જનાર દર્દીનું કોઇ સ્વજન, સગુવ્હાલું ન પણ હોય વગેરે અનેક કારણો હોઇ શકે. પરંતુ આ બધાય પરિબળોની લાંબે ગાળે વિધાતક અસર ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્ર ઉપર તો પડશે જ પણ અનેકગણી નવી સામાજિક સમ્સાયઓ ઉભી થશે. ઘરનો મોભી મરી ગયો હશે તો કુટુંબનો માળો વિખરાઇ જશે, જેના કારણે નાના બાળકો માટે વૃદ્ધ માતા-પિતા માટે અનાથ આશ્રમો અને વૃદ્ધાશ્રમો વધારવા પડશે. આના કારણે સામાજિક બોજો વધશે અને શ્રમિક વર્ગની વસતિમાં ઘટાડો થશે.

છેલ્લા દોઢ-બે મહિનાથી દેશના મોટા ભાગના રાજ્યોમાં આંશિક લોકડાઉન ચાલી રહ્યું છે. આ તો કહેવાનનું જ આંશિક લોકડાઉન છે પરંતુ તેની અસર તો પુરા લોકડાઉન જેવી જ છે. નાના મોટા ઉદ્યોગોને બે બાજુ માર પડી રહ્યો છે. એકબાજુ શ્રમિકો વતન ભાગી રહ્યા છે એટલે કારખાના ધંધા-વેપાર-વાણિજ્ય ઠપ્પ થઇ ગયેલ છે અને લોકોને ખાવા પીવાના ફાફા પડી રહ્યા છે એટલે માંગમાં ઘટાડો થયો છએ. આમ સપ્લાય-ડિમાન્ડ ચેઇન તૂટી ગઇ છે જેની માઠી અસર દેખાવવાની ચાલુ થઇ છે અને આવતા મહિનાઓમાં વધારે દેખાશે.

ટુરિઝમ ઉદ્યોગ, એવીએશન ઉદ્યોગ, હોટલ ઉદ્યોગ વગેરે અનેક ક્ષેત્રો-સર્વિસ સેકટર સહિત બધા જ મંદીના ભરડામાં આવી ગયા છે. વર્ક ફ્રોમ હોમનો વધુ પ્રસાર થઇ રહ્યો છે. રિયાલીટી સેકટર સીમેન્ટ-સ્ટીલના ભઆવ વધારા અને બીજી બાજું લોકોની ઘટેલ માંગનો સામનો કરી રહેલ છે. એક અંદાજ પ્રમાણે કોવિડના કારણે અત્યાર સુધીમાં થયેલ કુલ મૃત્યુમાં 40 ટકા મૃત્યુ બીજી લહેરના કારણે ભારતમાં થયા છે. ગઇસાલના આજ સમયગાળા માટે દેશની અને આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ભારતનો જીડીપી ગ્રોથ રેટ પ્રથમ ત્રણ માસમાં તળિયે પહોંચાવ અને નેગેટિવ આવવા અંદાજ મુક્યો હતો. પરંતુ કોઇપણ સંસ્થાએ જીડીપી ગ્રોથ રેટ 23-24 ટકા સુધી ગગડી જશે તેવો અંદાજ મુક્યો ન્હોતો.

કહેવાનો મતલબ એટલો જ છે કે હાલ પણ પરિસ્થિતિ સંજોગો આવા જ છે અને પ્રથમ ત્રણ માસનો ગ્રોથ રેટ ખુબ જ નિરાશાજનક દેખાવ કરે તો નવાઇ લગાડશો નહિં. હાલ ઓટો ઉદ્યોગમાં પણ તેજીના વળતા પાણી છે. જેની માઠી અસર તેની ઉપર નભતા એન્સીલરી ઉદ્યોગને થશે. તો બીજી બાજું ડિલર્સ પાસે 15થી 20 દિવસના સ્ટોકની ઇન્વેન્ટરીના સ્ટોકનું લેવલ વધીને 45થી 50 દિવસ સુધીનું પહોંચી ગયું છે. આમાં ગામાડના વધેલ કોરોનાના ફેલાવાની અસર સ્પષ્ટ દેખાય છે. બીજી બાજું શુક્રવારે 14મી મેના રોજ અક્ષય તૃતિયા ગઇ અને લોકડાઉનના કારણે જવેલર્સને મોટા પાયે ધંધાકીય નુકશાન થયું.

અત્યાર સુધી ફુલગુલાબી તેજીમાં રહેલ શેરબજારમાં પણ હવે ઇન્વેસ્ટરો-ખેલાડીઓ-બ્રોકરો અને મોટા ઓપરેટરોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. જે અર્થતંત્રમાં નબળાઇ દર્શાવે છે. બીજી બાજું સોના-ચાંદીમાં બેતરફી વધઘટ વચ્ચે પણ ભાવ ધીમી પણ મક્કમ ગતિએ સુધરવાના સંકેત જાણકારો જણાવે છે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે બીજી લહેરની અસર અર્થતંત્ર ઉપર મર્યાદિત રહેશે અને જલદીથી અંકુશમાં આવી જશે તેવી માન્યતા ખોટી ઠરશે તેવા સંકેતો મળી રહ્યા છે. ડોકટરો-નર્સો-પેરા મેડિકલ સ્ટાફને ગામડાંઓમાં દોડાવવો પડે અ ગંભીર દર્દીઓને જનજકીના નગર, શહેરની આરોગ્ય કેન્દ્ર કે ખાનગી-સરકારી હોસ્પિટલમાં પણ મોટા પાયે લઇ આવવા પડે તેવા સંજોગો સર્જાય તેવી સ્થિતિ સર્જાશે. આ બધીય વિકટ સંજોગોનો ઉપાય વિચારવો પડશે. જો નુકશાન ઓછઉં સહન કરવું હશે તો. એક સર્વે પ્રમાણે ગઇસાલ સામાન્ય નાગરિકને ઓછામાં ઓછું રૂ. 15000નું નુકશાન આવકમાં થયું છે તો તેના આધારે આ વર્ષે સરકારને કમસેકમ ત્રણ માસ માટે પબ્લીક ફુડ સીસ્ટમ માટે રજિસ્ટર્ડ થયેલ કુંટુંબો માટે માસિક રૂ. 5000ની સહાય તાત્કાલિક ધોરણે જાહેર કરવા વિનંતી કરાઇ છે. આના કારણે સરકાર ઉપર રૂ. 3.1 લાખ કરોડનો બોજો પડે જે તેના વાર્ષિક ખર્ચના 10 ટકા થવા જાય છે.

આ અંદાજ ઉપરથી ધંધા, વેપાર, વાણિજ્ય ઉદ્યોગોને થનાર નુકશાનનો પણ કયાસ કાઢી શકાય. ઉપર જણાવ્યું તેમ હાલ પણ વૈશ્વિક અને દેશી રેટિંગ એજન્સીઓ ભારતનો 2021-22ના જીડીપી વિકાસ દર અંગે ખુબ આશાવાદી છે અને અગાઉ 12 ટકા સુધીના દરનો અંદાજ મુકતા હતા તે હવે ઘટાડતા રહીને 7થી 8 ટકા સુધી આવી ગયા છે. જે ગઇસાલની જેમ જ ખુબ ઉંચો છે. હાલ રોજના 4 લાખથી વધુ નવા દર્દીઓ આવી રહ્યા છએ અને 4000થી વધુ મૃત્યુઆંક છે. મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, કર્ણાટકા, ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યોઆમાં સપડાયેલા છે જ્યાં કહેવાતા આંશિક લોકડાઉન છે પરંતુ અસર સંપુર્ણ લોકડાનની થઇ રહેલ છે. આમાં સારો પોઇન્ટ એક એજ છે કે આ વખતે કેન્દ્ર સરાકેર રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યો નથી. જોકે, આંશિક લોકડાઉનની માઠી અસરો એપ્રિલ માસના આંકડાઓમાં જોવા મળે છે. નવા વ્હીકલ્સ રજિસ્ટ્રેશન નવ માસની સપાટી સુધી ઘટી ગયેલ છે. મોલ્સ, રિટેઇલ દુકાનો, નોકરીના સ્થળોએ હાજરીમાં ઘટાડો નોંધપાત્ર જોવા મળી રહ્યો છે. પાવર જનરેશન ઘટી રહ્યું છે. ફયુઅલના વપરાશની માંગ 10 ટકા ઘટી છે. એપ્રિલ માસમાં 70 લાખ લોકોએ રોજગારી ગુમાવી છે. આંશિક લોકડાઉનના કારણે નુકશાન મોટું થાય છે, પરંતુ તેનો અંદાજ મુકવો કઠિન છે.

આથી ડિમાન્ડ, સપ્લાય, ઉત્પાદન, નિકાસ, આયાત વગેરે અંગે ખુબજ અનિશ્ચિત વાતાવરણ ઉભું થયેલ છે. ટૂંકમાં 2019-20ના પ્રથમ કવાર્ટરમાં જે જીડીપી નોંધાયો હતો, તેનાથી 2021-22ના પ્રથમ કવાર્ટરનો જીડીપી ઘણો નીચો રહેવાનું જાણકારો અંદાજ મુકે છે. દેશ-વિદેશોમાં પ્રર્વતમાન અનેક રાજકીય, લશ્કરી, મેડિકલ વિષયક અનિશ્ચિતતાઓ નવા જોખમી કોરોના વાયરસ વેરીએન્ટસનો પ્રસાર, વેકસીન પ્રોગ્રામ સામેના અવરોધો, બેકાબુ મોંઘવારી, ફુગાવાજન્ય પરિબળોના દબાણ અને વધતી બેરોજગારી જોતાં 2021-22ના આખાય વર્ષના જીડીપીનો અંદાજ મુકવો ખુબજ મુશ્કેલ છે. આમ છતાં, 2021-22ના વર્ષનો જીડીપી વૃદ્ધિદર છ ટકા આસપાસ આવશે તો પણ તે આશ્ચર્યજનક લાગશે. હાલના કઠિન સંજોગોનો એકમાત્ર સચોટ ઉપાય વેકસીન પ્રોગ્રામને વધુમાં વધુ ઝડપી બનાવવાનો જ રહેશે. ત્યાં સુધી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જ એક માત્ર વેકસીન જેવું સચોટ હથિયાર છે.

અત્યાર સુધી વેકસીન ઉત્પાદન, વહેંચણી અને ઇન્જેકશન આપવામાં બેલેન્સ નથી જળવાયું તે એક આ દેશની કમનસીબી છે. જો આ ઝડપી બનાવાયું હોત તો બીજા વેવમાં જે ભયંકર ખુવારી વેઠવી પડી હોત તે વેઠવાનો દિવસ આવ્યો ના હોત. ગઇસાલ ફિઝિકલ ડેફિસીટમાં જંગી વધારો નોંધાઇ ચુકયો છે અને નાણાંકીય લિકવીડીટીમાં પણ અઢળક વધારો કરાઇ ચુકયો છે ત્યારે ચાલુ વર્ષે તેમાં આવો વધારો શક્ય નથી અને ફુગાવો, મોંઘવારી વધુ બેકાબુ બની શકે છે. ઉપરાંત રાજ્યો અને કેન્દ્રના દેવામાં મોટો વધારો થઇ શકે છે. અગાઉ કોઇને બીજી લહેરમાં ચાર લાખ દર્દી થવાનો ભય જોવા મળ્યો નહોતો તે એક હકીકત છે. હવે, વેકસીન દેશી-વિદેશી આપવાનો પ્રોગ્રામ પુરજોશમાં ચાલુ થઇ રહ્યો છે. પરંતુ દેશમાં તેના પુરતા કલીનીકલ ટ્રાયલ કર્યા વગર અપાશે તો ભવિષ્યમાં તેની મોટાપાયે આડઅસરો જોવા મળી શકે છે.

Most Popular

To Top