ગાંધીનગર : રાજયમાં છેલ્લા વીસ દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે તે રાહતના સમાચાર છે. દરમિયાન આજે રવિવારે રાજયમાં કોરોનાના ૨૪૪ કેસો નોંધાયા છે. જયારે રાજયમાં ૩૫૫ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી હતી. જયારે રાજયમાં કોરોનાના કુલ કેસો વઘીને ૨.૬૩ લાખ સુધી પહોંચી ગયા છે.
આજે રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજયમાં નવા કોરોનાના ૨૪૪ કેસો નોંધાયા છે.જેમાં મનપા વિસ્તારમાં ૧૯૧ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૩ કેસો નોંધાયા છે. ખાસ કરીને વડોદરા મનપામાં ૬૪, અમદાવાદ મનપામાં ૫૩, રાજકોટ મનપામાં ૩૫, સુરત મનપામાં ૩૦, ગાંધીનગ મનપામાં ૪, જામનગર મનપામાં ૪ અને જુનાગઢ મનપામાં ૧ એમ કુલ ૧૯૧ કેસો નોંધાયા છે.
આજે રાજયમાં 555 કેન્દ્રો પરથી ૧૩,૬૨૫ વ્યકિત્તઓને રસી આપવા સાથે રાજયમાં અત્યાર સુધીમાં ૫,૫૫,૧૭૯ લોકોને રસી આપવામાં આવી છે. રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ ૯૭.૪૩ ટકા થયો છે.રાજયમાં અત્યાર સુધીમાં ૨,૫૬,૬૭૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં રાજયમાં ૨૩૭૯ દર્દીઓ સારવાર હેઠળ છે.
જે પૈકી ૨૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે, ઉપરાંત ૨૩૫૫ દર્દીઓની સ્થિતિ સ્થિર છે.આજે સારવાર દરમ્યાન અમદાવાદ મનપામાં એક દર્દીએ દમ તોડયો હતો. જયારે અત્યાર સુધીમાં રાજયમાં ૪૩૯૫ દર્દીઓનું કોરોનાના કારણે મૃત્યુ થયુ છે.