કોરોના કેસોમાં વધારો થતાં માસ્ક વિના ફરતા લોકો સાથે ઠેર ઠેર પોલીસનું ઘર્ષણ

વડોદરા: કોરોનાના કહેરને કાબુમાં લેવા સજ્જ પોલીસ તંત્ર કડક હાથે ડામ લેવા માસ્ક વિના ફરતા નાગરિકોને વાહનચાલકોને તોતિંગ દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાતા ઠેરઠેર ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ચૂંટણી સમયે કે રાજકિય નેતાઓની હાજરીમાં માસ્ક ભલે ના પહેરાય ત્યારે નીચી મૂંડીએ ફરજ બજાવતા પોલીસ તંત્ર હવે રહી રહીને પાછુ એકશનમાં આવી રહયું હોય તેમ જાહેરમાર્ગો પર ઠેરઠેર સઘન ચેકિંગ હાથ ધરાશે. કરોડો રૂપિયા દંડપેટે ઉઘરાવી ચૂકેલી પોલીસ હવે વધુ આકરા પગલા ભરવાની તૈયારી કરી ચુકયું છે.

લાખો માસ્ક વહેંચીને પ્રજાને જાગૃત કર્યા બાદ હવે કાયદાકીય કોરડો વીંઝીને 1000 હજાર રૂિપયાનો દંડ વસુલવાની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી હોવાથી શહેરવાસીઓની ફરજીયાત માસ્ક પહેરવાની ફરજ પડાશે અથવા દંડ ચૂકવવાની તૈયારી રાખવી પડશે.

શહેરવાસીઓમાં કાનૂની અને તબીબ વિશ્લેષકોનું તો ચોખ્ખુ કહેવું છે કે માસ્ક ના પહેર્યો હોય તો આતંકવાદી નથી બની જવાતું. આટલી મોંઘવારી અને લોકડાઉન જેવી પરિસ્થિતિમાં જંગી દંડ ફટકારતા તંત્રએ દંડની નજીવી રકમ કરીને નાગરિકોને જાગૃત કરવા જોઈએ તેના બદલે સરકાર પોતાની તિજોરી ભરવા માટે જ માતબર દંડ ઠોકી બેસાડયો છે.

કેટલાકે તો એમ પણ જણાવ્યું હતું કે, ચૂંટણી અને િશવજીની સવારી વખતે પોલીસે કેટલો દંડ વસૂલાત કર્યો ? શું ત્યારે કોરોના હતો જ નહીં ? હજારોના ટોળા થયા હતા ત્યરે સંક્રમણ કયાં ગયું હતું ? શહેરીજનોના ખોબેખોબે મત મેળવતી ભાજપ સરકારે હવે નિર્દોષોને લુંટવાનું તરકટ ઘડી કાઢયું હોય તેમ દંડ ઉઘરાવીને તંત્ર સરકારને વહાલા થવાની પેરવી કરશે ?

પોલીસના ઉચ્ચ અિધકારીઓ તો ખૂદ રાજકિય નેતાઓ માસ્ક વિના ટોળામાં ફરતા હતા ને સુરક્ષા અને સલામતી પૂરી પાડવા દોડધામ મચાવતા હતા ત્યારે પણ અનેક મોટા નેતાઓ, સ્થાિનક કાર્યકરોને કોરોના હોવાના અહેવાલ સાંપડી ચૂકયા હતા છતાં હજારો નિર્દોષ નાગરિકો વચ્ચે ખુલ્લેઆમ ફરતા હતા ત્યારે કોરોના સંક્રમણ થતું ન હતું અને ચૂંટણીઓ જતા જ સત્તા મળી એટલે કોરોના અને સંક્રમણ આવ્યું ? તે પણ માસ્ક નહીં પહેરવાના બહાને?

391 કોરોના સંક્રમિત : એક મોત

કોરોનાં પોઝિટિવના રવિવારે વધુ 391 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 29,932 ઉપર પહોંચ્યો છે.જ્યારે રવિવારે પાલિકા દ્વારા જારી કરેલ યાદી મુજબ કોરોનાં ને કારણે એક મરણ નોંધાતા મોંતની સંખ્યા 254 પર પહોંચી હતી.

વડોદરા શહેરમાં વિતેલા 24 કલાકમાં 5,489 સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાં 391 પોઝિટિવ અને 5,098 નેગેટિવ આવ્યા હતા.શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 2,497 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.જેમાં 2,218 દર્દીઓની હાલત સ્થિર છે.જ્યારે 279 દર્દીઓની હાલત ગંભીર છે.

જેમાં ઓક્સિજન ઉપર 174 અને 105 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.આ ઉપરાંત કોરોનાં પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા કુલ 7,236 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે.શહેરમાં સરકારી  અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 199 વ્યક્તિઓને રજા અપાઈ છે.

આ સાથે કુલ ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 27,181 ઉપર પહોંચી હતી.રવિવારે લેવામાં આવેલ સેમ્પલમાં બાપોદ, પાણીગેટ, જ્યુબિલીબાગ, કિશનવાડી, રામદેવ નગર, હરણી રોડ, વારસિયા, કારેલીબાગ, વીઆઇપી રોડ, નવાપુરા, સમા, કોઠી, શિયાબાગ, સંવાદ, એકતાનગર, કપુરાઈ, યમુના મિલ, માણેજા, વાઘોડિયા રોડ, દંતેશ્વર, તરસાલી, ગોત્રી, ગોરવા, સુભાનપુરા અને દિવાળીપુરામાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી કંઝટ,કુરણ,હંળોદ, પાદરા,ડભોઇ,સાવલી અર્બન,નંદેસરી, ઈંટોલા,પદમલા,કોયલી અને પોર માંથી કોરોનાં ના દર્દીઓ મળી આવ્યા હતા.

કોરોના મહામારીને પગલે ખાદીના વેચાણમાં 2.15 કરોડનો ઘટાડો

વડોદરાના રાવપુરા િવસ્તારના આવેલ ખાદીની બનાવટોનું વેચાણ કરતા ખાદીગ્રામોદ્યોગ વેચાણ કેન્દ્ર દ્વારા મહામારીના સમયમાં મહિલાઓને રોજગારી આપવા માસ્ક બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત ગાંધી જયંતિ નિમિત્તે એક માસ કરતા વધુ સમય સુધી ખાદી પર વળતર આપવામાં આવ્યું હતું. તેમ છતાંય ગત વર્ષના વેચાણમાં આ વર્ષે લગભગ 2.15 કરોડ રૂિપયાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળેલ છે.

ગત વર્ષ કરતા આ વર્ષ દરમિયાન 40 ટકા ઘટાડો નોંધાયો હતો.ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. ખાદી ગ્રામોદ્યોગના વેચાણમાં 7.50 કરોડની આવક થઈ હતી જે આવક કોરોના મહામારીને પગલે 5.35 કરોડ રૂિપયાનું વેચાણ ઘટયું હતું. ત્યારે આગામી વર્ષે કોરોના મુકત વાાવરણ થાય અને કેન્દ્રની આવક વધે તેમ જણાવ્યું હતું.

તરસાલીના રેસિડેન્સીમાં કોવિડ હોસ્પિટલ શરૂ થતાં રહીશોનો વિરોધ

શહેરના તરસાલી રેસિડેન્ટ્સ વિસ્તારમાં આવેલા શ્રી રામ રેસિડેન્સીમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવી રોષ વ્યકત કર્યો હતો.જોકે રેસિડેન્સીના રહીશોનો રોષ પારખી ગયેલા હોસ્પિટલના ડોકટરે દર્દીઓને અન્યત્ર ભરતી કરી કોવિડ હોસ્પિટલ બંધ કરવાનું કહેતાં મામલો થાળે પડ્યો હતો.

વડોદરા શહેરના તરસાલી ખાતે શ્રી રામ રેસિડેન્સીમાં છેલ્લા 2 મહિનાથી દેવ હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે.પરંતુ છેલ્લા 15 દિવસના સમયગાળામાં ત્યાં કોવિડ સેન્ટર પણ ઉભું કરાયું છે.રેસિડેન્સી જગ્યા માં આમ આ પ્રકારે કોવિડ સેન્ટર ઉભું કરતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા. ઉગ્ર વિરોધ કર્યો હતો.સ્થાનિકોએ જણાવ્યું હતું કે રેસિડેન્સ્યલ જગ્યામાં કોવિડ સેન્ટર ઉભું થતા જ રેસિડેન્સીમાં કોરોનાં સંક્રમિત લોકોની સંખ્યા વધી છે.આ હોસ્પિટલમાં કોરોનાં ની સારવાર લઈ રહેલા દર્દીઓ તથા તેઓના પરિવારજનો રેસિડેન્સીમાં જ્યાં ત્યાં ફરે છે.અને જેના કારણે રેસિડેન્સીમાં રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આથી વધુ હોસ્પિટલના કચરાને જ્યાં ત્યાં ફેંકી દેવાય છે.જેને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ કર્યો હતો.

તાત્કાલિક ધોરણે કોવિડ સેન્ટર બંધ કરાવવા માંગ કરી હતી.જોકે વિરોધ દરમિયાન સ્થાનિક રહીશો અને હોસ્પિટલના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાતા માહોલ ગરમાયો હતો. ડોકટર સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે સ્થાનિકોના વિરોધને લઈને આ કોવિડ સેન્ટર બંધ કરવામાં આવશે અને જેટલા પણ દર્દીઓ છે તેઓને અહીંથી શિફ્ટ કરી દેવામાં આવશે.

વડોદરાના તમામ સ્થળો પર રસીકરણની કામગીરી બંધ રહી

વડોદરા શહેરમાં કોરોનાની રસી ખૂટી પડતા રવિવારે રસીકરણની પ્રક્રિયા સંપૂર્ણ પણે ખોરવાઈ હતી. મહાનગર પાલિકાના રસીકરણ કેન્દ્રો પર રવિવારના રોજ રસીકરણ અભિયાન મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જેને પગલે  અસંખ્ય નાગરિકો રસી લેવાથી  વંચિત રહ્યા હતા. શનિવારે વડોદરા ની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું હતુંકે રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો સ્ટોક છે. અને બીજે જ દિવસે રસી ન હોવાને કારણે હજારો લોકો રસી લેવાથી વંચિત રહ્યાં હતાં.

વડોદરા શહેરમાં કોરોના સંક્રમણનો આંક ત્રીસ હજારને આરે પહોંચ્યો છે આવતી કાલે ત્રીસ હજાર ને પાર કરશે . રોજેરોજ કોરોનાના 300થી વધુ પોઝિટિવ કેસ બહાર આવી રહ્યાં છે. તંત્રના તમામ આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટિંગ તેમજ રસીકરણ માટે લોકોની લાંબી કતારો  જોવા મળી રહી છે. 

આ પરિસ્થિતિ જોતા રાજ્ય સરકાર  વધુ  રસીકરણ  કરવા પર ભાર મૂકી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અનિવાર્ય બન્યુ છે.  સરકાર દ્વારા અપાયેલા લક્ષ્યાંકને પૂરું કરવાના ચક્કરમાં વડોદરાના વહીવટી તંત્રએ સ્વૈચ્છિક સંગઠનોની મદદથી આડેધડ કેમ્પનું આયોજન કરતા રજિસ્ટ્રેશન વધી ગયું હતું.

જેના પગલે રસી ખૂટી પડી હતી.  ઘણાં કેમ્પોમાં માણસો તો હતા પરંતુ રસી નહોતી તેવી સ્થિતી સર્જાઇ હતી.  ત્યારે વડોદરા શહેરના તમામ સ્થળો પર  રસીકરણ રદ કરવામાં આવગુ હતું. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ લક્ષ્યાંક ને પૂરો કરવા માટે કેટલીક સંસ્થાઓની મદદથી રવિવારના રોજ આડેધડ કેમ્પનું આયોજન કરી દેવામાં આવ્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં નાગરીકોએ નોંધણી કરાવી દેતા તંત્રને પોતાની પાસે રસીનો પૂરતો સ્ટોક ન હોવાનું ભાન થયું હતું. જેના કારણે તાત્કાલિક ધોરણે રસીકરણ પ્રક્રિયા મોકૂફ રાખવાની ફરજ પડી હતી.

ઓક્સિજન, ઇન્જેક્શન અને દવાઓનો પૂરતો પુરવઠો મળી રહેશે : ઔષધ કમિશનર

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ,રાજ્યના ખોરાક અને ઔષધ કમિશ્નર ડો.હેમંત કોશિયાને વડોદરાની મુલાકાત લેવા અને કોવિડની સારવાર માટે જરૂરી ઓકસીજન,દવાઓ, ઇંજેક્શન અને સાધન સામગ્રીનો પુરવઠો અવિરત મળતો રહે તેની સમીક્ષા કરવા અનુરોધ કર્યો હતો.

તેના અનુસંધાને આજે સયાજી હોસ્પિટલમાં તેમની સાથે અને ઓકસીજનના સ્થાનિક ઉત્પાદકો અને પુરવઠાકારો સાથે સંયુક્ત બેઠક યોજાઈ જેમાં આગામી દિવસોમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં માંગ વધે તો પણ પૂર્ણ પુરવઠો જાળવી રાખવાનું વિગતવાર આયોજન બેઠકમાં કરવામાં આવ્યું હતું.ડો.કોશિયાએ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં રેમડેસિવિર અને અન્ય દવાઓ, તબીબી સાધન સામગ્રીની સરળ ઉપલબ્ધિ અંગે બેઠકમાં આશ્વસ્ત કર્યા હતા.

SSGમાં પથારીઓની ક્ષમતા વધારાઈ

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લઈને,ટીમ સયાજી સાથે કોવિડ સારવારની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે અહી પથારી ની ક્ષમતા વધારવામાં આવતા,હાલમાં 500 જેટલાં દર્દીઓ દાખલ હોવા છતાં 100 જેટલાં બેડ અને 45 જેટલાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે. દર્દીઓને શ્રેષ્ઠ સેવાઓ મળતી રહે તે માટે તમામ નોડલ અધિકારીઓ,સેક્શન અધિકારીઓ અને આખી ટીમ સયાજી રાત દિવસ નિષ્ઠા સાથે કામ કરી રહી છે.

સયાજી હોસ્પિટલમાં ફાયરવાન તૈનાત

સર સયાજી હોસ્પિટલમાં આવેલ કોિવડ સેન્ટરની બહાર કોર્પોરેશન દ્વારા હોસ્પિટલમાં 24 કલાકથી રોજેરોજ એસી મશીનથી લઈ વેન્ટિલેટરના મશિનમાં આગ ના લાગે તે માટે સેફટીનું ધ્યાન રાખી કોર્પોરેશન દ્વારા ફાયરની વેન હોસ્પિટલના કંપાઉન્ડમાં મુકવામાં આવી હતી.

ગોત્રી કોવિડ OPDમાં 11 પથારીનું ટ્રાયેજ

ગોત્રી હોસ્પિટલ ખાતે કોવિડ વિભાગ ઓપીડીમાં દર્દીઓની સુવિધા સુધારણા માટે ઓકસીજન સહિત 11 પથારીઓ નું ટ્રાયેજ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે. ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આજે બેઠક યોજીને વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે તમામ અધિકારીઓ પાસે થી વિગતવાર પ્રતિભાવો મેળવી ઉકેલ આણ્યો હતો.હાલમાં અહી 100 બેડ અને 50 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. ડો.રાવે ટીમ ગોત્રીની દર્દીઓને શ્રેષ્ઠ સેવા આપવાની કટિબદ્ધતા ને બિરદાવી છે.

Related Posts