શહેરમાં શનિવારે સાંજે આરોગ્ય વિભાગ પાસેથી મળેલા અપડેટ મુજબ સુરત શહેરમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. પાલ વિસ્તારની 61 વર્ષીય મહિલાનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. નક્ષત્ર પ્લેટીનમ, રાજ કોર્નક પાસે, પાલનપોર કેનાલ ખાતે રહેતા રજનીબેન મનોહરલાલ લીલાની ને 3 એપ્રિલના રોજ મિશન હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. આ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોઈ તે લોકલ ટ્રાન્સમીશનનો કેસ છે જેને કારણે તંત્ર વધુ એલર્ટ થયું છે.
શહેરમાં છેલ્લા 48 કલાકમાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયો ન હતો. પરંતુ શનિવારે સુરતમાં વધુ એક પોઝિટીવ કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસની સંખ્યા 11 પર પહોંચી છે. કોરોનાથી સુરતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ સાથેજ શહેરમાં કુલ કોરોના શંકાસ્પદ કેસની સંખ્યા 187 થઈ છે. જ્યારે કોરોના નેગેટીવ લોકોની સંખ્યા 171 પર પહોચી છે. 5 લોકોના રિપોર્ટ હજી પેન્ડીંગ છે. શનિવારે સવારે 7 લોકોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા જ્યારે 19 નવા શંકાસ્પદ કેસ દાખલ થયા હતાં.
સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના પોઝિટીવ આવતા દર્દીઓના નામ અને વિસ્તારની માહિતી આપવાનું શરૂ કરાયું છે. જેને કારણે આ વિસ્તારમાં રહેતા લોકો સાવચેત રહી શકે. પોઝિટીવ લોકોનાં સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો પણ પોતાની જાતને હોમ ક્વોરેન્ટાઈન કરી શકે તે માટે એસએમસી દ્વારા આ પહેલા કરવામાં આવી છે.