સંપુર્ણ દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના અજગરી ભરડામાં સમગ્ર દુનિયા છે. જેની સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે. ભારતમાં પણ ગત વર્ષના જાન્યુઆરી માસથી કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે. સુરતમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ માસમાં નોંધાયો હતો. એક વર્ષ કરતા વધુ સમયથી સુરત શહેરનું તંત્ર પણ કોરોના સામે લડત આપી રહ્યું છે. પરંતુ પરિસ્થિતિ થાળે પડવાને બદલે વધુ ને વધુ બગડી રહી છે. પ્રથમ લહેરમાં કોરોનાના કેસો નોંધાવાની ફ્રીકવન્સી પ્રમાણમાં ધીમી હતી. પરંતુ વર્ષ 2021ના માર્ચ માસની શરૂઆતથી કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે. જે વધુ ખતરનાક સાબિત થઈ રહી છે.
અન્ય દેશોમાંથી કોરોનાના નવા ને નવા વેરિએન્ટ દેશમાં એન્ટ્રી કરી રહ્યા છે. જેના કારણે નવા સ્ટ્રેઈનમાં ચેપ ઝડપથી લાગી રહ્યો છે. જેથી સંક્રમણ ફેલાવવાની ઝડપ વધી છે અને વધુને વધુ લોકો કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. બીજી લહેરમાં શહેરમાં હવે પ્રતિદિન 1000થી પણ વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. જેથી કોરોનાનો આંક ખુબ જ ઝડપથી ઉંચે જઈ રહ્યો છે. શહેરમાં પ્રથમ 30,000 કેસ નોંધાતા 9 મહિના થયા હતા અને હવે બીજી લહેરમાં માત્ર 50 જ દિવસમાં 30,000 થી પણ વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. અને જો આવી જ પરિસ્થિતિ રહી તો શહેરમાં ખુબ જ ઝડપથી કોરોનાનો કુલ આંક 1 લાખને પણ પાર કરી જશે.
શહેરમાં 17મી માર્ચે કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. માર્ચ-2020ના અંત સુધીમાં શહેરમાં માત્ર 8 જ કેસ હતાં. ઝડપી લોકડાઉન લાગુ કરાયું હોવા છતાં પણ સંક્રમણની ચેઈન આગળ વધી જ રહી હતી પરંતુ ખુબ જ ઓછા કેસ નોંધાતા હતા. શહેરમાં એપ્રિલ માસમાં કુલ 622 કેસ નોંઘાયા હતાં. લોકડાઉન સુધી શહેરમાં માત્ર 2227 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. પરંતુ પહેલી જૂનથી શહેરમાં અનલોક-1 લાગુ થતાં જ સંક્રમણ વધવાની શરૂઆત થઈ હતી. પરંતુ લોકોમાં પણ ડરનો માહોલ હોય, લોકો સાવચેતી રાખી રહ્યા હતાં.
શહેરમાં માર્ચથી લઈ નવેમ્બર માસ સુધીમાં 33,907 એટલે કે, પ્રથમ 30,000 કેસ નોંધાયા હતાં. પરંતુ આ કોરોનાની બીજી લહેરમાં સંક્રમણની ગતિ તેજ છે. માર્ચ-2021થી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 28 મી ફેબ્રુઆરી-2021 ના દિવસે શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 40,673 હતો. માત્ર 50 જ દિવસમાં આ આંક સીધો 71,744 પર પહોંચી ચૂક્યો છે. એટલે કે, છેલ્લા 50 જ દિવસમાં શહેરમાં 30,000થી વધુ પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે.
પ્રથમ લહેરમાં નોંધાયેલા 30 હજાર કેસ
મહિનો કેસની
(2020) સંખ્યા
માર્ચ 8
એપ્રિલ 622
મે 1597
જુન 4713
જુલાઈ 6263
ઓગસ્ટ 5489
સપ્ટેમ્બર 5037
ઓક્ટોબર 4819
નવેમ્બર 5359
કુલ 33,899
છેલ્લા 50 દિવસમાં જ નોંધાયા 30,000 કેસ
શહેરમાં 28મી ફેબ્રુઆરીએ શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 40,673 હતી. બીજી લહેરમાં સંક્રમણ વધતા પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો હતો. પ્રતિદિન 200, ત્યારબાદ 500 અને હવે તો પ્રતિદિન 1000થી પણ વધુ 1500 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. શહેરમાં છેલ્લે 20મી એપ્રિલે કુલ કેસની સંખ્યા 71,744 પર પહોંચી ચૂકી છે. એટલે કે, 1 માર્ચથી 20 એપ્રિલ સુધીમાં જ શહેરમાં કુલ 31,071 પોઝિટિવ દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે.