ભારત જેવા વિશાળ દેશના અર્થતંત્રને ગતિ આપવાની ક્ષમતા સહકારિતામાં છે, દેશના 130 કરોડ લોકોને એક સાથે રાખીને તમામ લોકો સુધી વિકાસને પહોંચાડવાની પ્રક્રિયા ખૂબ અઘરી છે, પરંતુ ભારત દેશમાં સર્વપક્ષીય, સર્વસમાવેશક જો કોઈ આર્થિક મોડેલ હોઈ શકે તો તે માત્ર ને માત્ર સહકારીતા જ હોઈ શકે, એવું દેશના કેન્દ્રીય સહકાર અને ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે અમદાવાદમાં અમૂલના ત્રણ અલગ-અલગ પ્લાન્ટોન ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું.
રવિવારે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ભાટ પાસે આવેલા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન, અમૂલના પ્લાન્ટમાં દૂધ પાઉડર, બટર પ્લાન્ટ અને પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટનું અમિત શાહે ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ ગુજરાતભરના દૂધ સહકારી ક્ષેત્રની મંડળીઓ સાથે સંકળાયેલી મહિલા સભાસદો અને સહકારી આગેવાનોને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે ગુજરાતમાં આજે સહકારિતા આંદોલનમાં 36 લાખ બહેનો પોતાનું યોગદાન આપી રહી છે.
દુનિયાભરમાં અનેક દેશોમાં અર્થતંત્રના જુદા જુદા મોડલો હોઈ શકે છે, પરંતુ ભારતની 130 કરોડની આટલી મોટી જનસંખ્યા માટે કયું આર્થિક મોડલ હોઈ શકે તે જાણવું ખૂબ અઘરું છે. સહકારિતા એ કોઈ નવો વિચાર નથી. અમૂલ ની વાત કરીએ તો, અમુલ આજે તેના 75 વર્ષ મનાવી રહ્યું છે. સહકારિતામાં દેશના અર્થતંત્રને ગતિ આપવાની ક્ષમતા છે. સાથે સાથે દેશના બધા લોકોને સમૃદ્ધ બનાવવાની ક્ષમતા પણ સહકારિતામાં છે. અમુલ તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.
અમુલ વગર ભારતમાં દૂધની જરૂરિયાત પૂરી કરવી લગભગ અસંભવ છે. આજે અમુલ ગુજરાતની સીમાઓની બહાર દેશના અનેક રાજ્યોમાં પહોંચ્યું છે. આજે આખી દુનિયામાં મહિલા સશક્તિકરણની વાતો થાય છે, પરંતુ હું આ મહિલા સશક્તિકરણની વાતો કરનાર પંડિતોને કહેવા માગું છું કે અમુલ મોડેલ જોઈ લો, હજારો બહેનો એક સાથે મળી કામ કરી રહી છે, અને તેમના ખાતામાં હજારો-લાખો રૂપિયા જમા થાય છે. આ મહિલા સશક્તિકરણ કરવાનો સૌથી સફળ પ્રયોગ છે. અમિત શાહે ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોએ આગળ આવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે આજે દેશ અને દુનિયા હવે પ્રાકૃતિક ખેતી – કુદરતી ખેતી, ઓર્ગેનીક ખેતી તરફ વળી છે, ત્યારે ઓર્ગેનિક ખેતીની દિશામાં ખેડૂતોએ જવું પડશે.
ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવામાં દૂધ સહકારી પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ યોગદાન આપશે : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતુ કે આઝાદી પહેલા ગાંધીજી અને સરદાર સાહેબના માર્ગદર્શનમાં શરૂ થયેલી ગ્રામીણ ક્ષેત્રના દૂધ ઉત્પાદકોની પ્રવૃત્તિ આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં વટવૃક્ષ બની સહકારથી સમૃદ્ધિનું ઉદાહરણ બની છે. આજે અમૂલ વર્લ્ડ બ્રાન્ડ બની છે, અને અબાલ-વૃદ્ધ સૌ કોઇ ‘અમુલ દુધ પીતા હૈ ઇન્ડિયા’થી ભલી ભાંતિ પરિચિત થઈ ગયા છે. પટેલે જણાવ્યું હતુ કે સહકારી દૂધ ઉત્પાદન વેચાણની આ પ્રવૃત્તિ ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવીને પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે છે. ભારતને 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી બનાવવાના વડાપ્રધાનના વિઝનમાં પણ આ દૂધ સહકારી પ્રવૃત્તિઓ ઉત્કૃષ્ટ યોગદાન આપશે