નડિયાદ: નડિયાદ નગરમાં બાંધકામો સંદર્ભે તંત્રની ઢીલી નીતિના કારણે ગેરકાયદસર બાંધકામોની હારમાળા સર્જાઈ રહી છે. શહેરના મંજીપુરા રોડ પર રીમાન્ડ હોમની બહાર ખાનગી રાહે 10 જેટલી દુકાનો રાતોરાત તાણી બાંધવામાં આવી છે. આ સમગ્ર મામલે નગરપાલિકા પ્રશાસન પાસે કોઈ જાણકારી ન હોવાનું માલુમ પડ્યુ છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ અંગેની તપાસ કરી બાંધકામ બંધ કરાવી થયેલા બાંધકામ સામે કાર્યવાહી થાય તેવી માગ પ્રબળ બની છે.
નડિયાદના સંત અન્ના ચોકડીથી મંજીપુરા રોડ પર માંડ 100 મીટરના અંતરે રોડનો અડોઅડ બાળ રીમાન્ડ હોમ માટે જગ્યા ફાળવાયેલી છે. જે-તે સમયે સરકાર દ્વારા ખેડા જિલ્લા બાળ સંરક્ષણ મંડળ સંસ્થાને બાળ રીમાન્ડ અને સુધારાના હેતુસર આ જગ્યા ફાળવવામાં આવી હતી. કોરોનાકાળ વખતે સંસ્થા દ્વારા આર્થિક રીતે પહોંચી ન વળાતુ હોવાનું કારણ દર્શાવી બાળકોને યોગ્ય સ્થળોએ પહોંચાડી દેવાયા હતા અને થોડા સમય માટે આ રીમાન્ડ હોમને ખંભાતી તાળા લગાવી દેવાયા હતા. જો કે, કોરોનાકાળ દરમિયાન જ સ્થાનિક તંત્રની જાણ બહાર અને સંસ્થાની નિમાયેલી મૂળ કમિટીની જાણ બહાર વ્યવસાયિક હેતુસર અહીંયા દુકાનોનું બાંધકામ શરૂ કરી દેવાયુ હતુ.
સંસ્થા દ્વારા કોઈ કાયદેસરના કરાર વિના જ ખાનગી વ્યક્તિને જગ્યા પર બાંધકામ કરવા મૌખિક જાણ કરાઈ હતી. ત્યારે તે સમયે વિવાદ સર્જાતા છેલ્લા એકાદ વર્ષ સુધી બાંધકામ બંધ રહ્યુ હતુ. ત્યારબાદ છેલ્લા બે માસમાં રાતોરાત અહીંયા રીમાન્ડ હોમની બંને સાઈડમાં દુકાનોના સ્લોટ પાડી દઈ ચણતર અને તમામ કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. ત્યારે રીમાન્ડ હોમની મૂળ કમિટિમાં તો જિલ્લા કલેક્ટર પોતે જ સભ્ય છે. જ્યારે શહેરના અનેક અગ્રણીઓ પણ આ કમિટીમાં શામેલ હોવાનું સૂત્રોએ જણાવ્યુ છે. આવા સમયે કઈ રીતે આ બાંધકામની મંજૂરી અપાઈ? તેમજ બાંધકામની મંજૂરી આપી શકાય ખરી? તે સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે પ્રશાસન દ્વારા ન્યાયિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરાય તેવી માગ પ્રબળ બની છે.
રોડથી ચોક્કસ અંતર પણ છોડાયુ નથી
સરકારી ધારાધોરણ મુજબ કોઈ પણ જાહેર વ્યવસાયિક બાંધકામ કરવા માટે રોડથી ચોક્કસ અંતર છોડવુ જરૂરી હોય છે. ત્યારે રીમાન્ડ હોમની બહાર બનાવાયેલી દુકાનો તો રોડને અડોઅડ બનાવી દેવાઈ છે. જેથી કોઈ પણ પ્રકારના માર્જિનને ધ્યાને લેવાયુ ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. તો વળી, આ તરફ રીમાન્ડ હોમની બાજુમાં જ તળાવ આવેલુ છે. આ તળાવમાં પણ થોડા અંશે પુરણ કરી તેનો દુકાનોના બાંધકામમાં ઉપયોગ કરી લેવાયો છે.