સુરત : સુરતમાં (Surat) ચાલી રહેલા ચાઇલ્ડ ટ્રાફિકિંગનો (ChildTrafiking) શંકાસ્પદ મામલો ઉત્તરપ્રદેશના બારાબંકીમાં સામે આવ્યો છે. અહીં અવધ એક્સપ્રેસમાંથી (AwadhExpress) છ થી દશ વર્ષની છ બાળકીઓને શંકાસ્પદ હાલતમાં છોડાવવામાં આવી હતી. આ બાળકીઓને સુરત લાવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હાલમાં ત્યાંની પોલીસે તમામ બાળકીઓનો કબજો બાળ કલ્યાણ સમિતિને સોંપ્યો છે અને કોર્ટના આદેશ પ્રમાણે આ તમામ બાળકીઓને લખનૌ બાળગૃહમાં મોકલી આપવામાં આવી છે.
- બિહારના સમસ્તીપુરાથી બાળકીઓને સુરતમાં લાવવામાં આવી રહી હોવાનો ચોંકાવનારો ખુલાસો
- અવધ એક્સપ્રેસમાં 6થી 10 વર્ષની 6 બાળકીઓને શંકાસ્પદ હાલતમાં છોડાવાઈ
- બારાબંકી સ્ટેશન પર પોલીસે ટ્રેનમાંથી તમામ બાળકીઓને છોડાવી, તેમની સાથેના પુરુષોને અટકાયતમાં લીધા
અવધ એક્સપ્રેસમાં એક ડબ્બામાં છ જેટલી નાની બાળકીઓ બે પુરુષ સાથે મુસાફરી કરી રહી હતી અને આ બાળકીઓ રડતી ત્યારે આ પુરુષો તેમને ચૂપ કરાવી દેતા હતા જેથી એક જાગૃત મુસાફરને શંકા જતા તેણે પોલીસને જાણ કરી દીધી હતી અને બારાબંકી સ્ટેશન ઉપર પોલીસે ટ્રેનમાંથી આ તમામ બાળકીઓને છોડાવી તેમની સાથેના પુરુષોને અટકાયતમાં લીધા હતાં. બિહારના સમસ્તીપુરથી ગુજરાતના સુરતમાં લાવવામાં આવી રહેલી આ બાળકીઓ પૈકી એક બાળકી સાથે તેના પિતા પણ હતા અને બાળકીના પરિવારજનો પણ બારાબંકી પહોંચ્યા હોવાની જાણકારી બહાર આવી છે.
બાળકીની સાથેના બે પુરુષ અને બાળકીઓના નિવેદનો વચ્ચે અસમાનતા જોવા મળતાં આ મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. બાળકી સાથે પકડાયેલા બંને પુરુષોએ જણાવ્યું હતું કે તેઓ આ બાળકીઓને સુરતમાં આવેલી એક મદરેસામાં દીની તાલિમ આપવા માટે લઇ જઇ રહ્યાં છે. આ મદરેસામાં રહેવા અને જમવાની વ્યવસ્થા છે. જો કે, પોલીસની તપાસ હજી પ્રાથમિક તબક્કામાં છે અને આરોપીઓ સામે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
એક વાત એવી પણ સામે આવી છે કે, અત્યાર સુધીમાં દીની તાલિમના નામે 100 જેટલી બાળકીઓને પહેલા પણ સુરતમાં લાવવામાં આવી છે. એટલે આ બાળકીઓની દીની તાલિમની વાત તપાસમાં સત્ય સાબિત થાય તો ઠીક છે પરંતુ જે રીતે આરોપીઓ જવાબ આપી રહ્યાં છે તેનાથી ચાઇલ્ડ ટ્રાફિકિંગનો મોટો મામલો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. પોલીસે જ્યારે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરી ત્યારે તેમણે આ બાળકીઓ સાળાની તેમજ કાકાની હોવાની જણાવ્યું હતું પરંતુ જ્યારે તેમના સાળાના કે કાકાના નામ પૂછવામાં આવ્યા ત્યારે તેઓ નામ આપી શક્યા નથી.