સુરત: સુરત શહેરમાં હાલમાં ચૂંટણી પંચના આદેશથી ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા પરવત પાટીયા વિસ્તારમાં બીએલઓની ભાજપના બેનર હેઠળ મીટિંગ કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના અસલમય સાયકલવાળા દ્વારા કલેકટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારધીને રજૂઆત કરી તપાસની માંગણી કરવામાં આવી છે.
- કોંગ્રેસના અસલમ સાયકલવાલાએ કલેક્ટર અને ચૂંટણી પંચને નિષ્પક્ષ તપાસની માંગ સાથે રજૂઆત કરી
- લઘુમતી સમાજના BLOને મીટિંગમાંથી બાકાત રાખવામાં આવતા ત્રણ કલાક કામગીરી અટક્યાનો પણ આક્ષેપ
સાયકલવાળા દ્વારા કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આજે સવારે 10થી બપોરે 1 વાગ્યા સુધી પરવત પાટીયાના મહેશ્વરી લકઝરીયા હોલ ખાતે ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા યોજાયેલી બેઠકમાં માત્ર 149 બુથોના BLOને હાજર રહેવા ફરજીયાત આદેશ કરાયા હતા. જ્યારે લઘુમતી સમાજના BLOને મીટિંગમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા (SIR) દરમિયાન BLOને તેમના વહીવટી વડા મારફતે આ મીટિંગમાં ફરજીયાત હાજર રહેવા મૌખિક કે લેખિત આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે BLOની કામગીરી ત્રણ કલાક સુધી અટકી રહી હતી.
લિંબાયત વિસ્તારમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના મતદારોની મોટી સંખ્યા છે. ઘણા મતદારોના નામ અન્ય વિધાનસભા ક્ષેત્રોમાં પણ નોંધાયેલા છે. એવા સંજોગોમાં ધારાસભ્ય દ્વારા યોજાયેલી આ મીટિંગમાં BLO પર રાજકીય દબાણ લાવી મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિ થવાની શક્યતા છે.
બીએલઓ દ્વારા પુરતી તપાસ નહીં કરાતી હોવાની ફરિયાદથી આ સંકલન મીટિંગ કરાઈ હતી: સંગીતાપાટીલ
કોંગ્રેસના અસલમ સાયકલવાળા દ્વારા કરાયેલા આક્ષેપો અંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં બીએલઓ દ્વારા પુરતી તપાસ કરવામાં આવતી નહીં હોવાની ફરિયાદો મને મળી હતી.
જો પુરતી તપાસ નહીં થાય તો નામો કેન્સલ થઈ જાય તેમ હોવાથી સોસા.ના પ્રમુખો સાથે સંકલન કરી શકાય તે માટે આ મીટિંગ બોલાવવામાં આવી હતી. વધુને વધુ મતદારોની યોગ્ય રીતે નોંધણી થાય તેમાં સહકાર આપવા માટે આ મીટિંગ બોલાવાય હતી. તેમાં કોઈ જ રાજકીય ઈરાદો નહોતો.