સુરત: 9 જુન 2020ના રોજ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ અને બીસીઆઇએસના મહાનિર્દેશક રાકેશ અસ્થાના દ્વારા સુરતના કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ માટે સીઆઇએસએફના 360 જવાનોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું હતું. આ મંજૂરીને એક વર્ષથી વધુ સમય થવા છતાં એરપોર્ટ ઓથોરિટી સીઆઇએસએફના જવાનો માટે રહેઠાણ અને એરપોર્ટ પર સુરક્ષાની વ્યવસ્થા કરી શકયું નથી.
સીઆઇએસએફના ડીપ્લોઇમેન્ટને લઇ ગૃહ મંત્રાલય દ્વારા સતત ત્રણ વાર પત્ર લખાવામાં આવ્યા પછી 26 જુલાઇ 2021ના રોજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સીઆઇએસએફના હેડકવાર્ટરને પત્ર લખી સુરત એરપોર્ટથી સાત ફલાઇટની અવર-જવર હોવાનું કારણ આપી 360ને બદલે 260 સીઆઇએસએફના જવાનો મોકલવા જણાવ્યું છે.
કેન્દ્રના ગૃહ મંત્રાલયે સુરત એરપોર્ટની સુરક્ષા માટે ત્રણ શિફટમાં 360નું મહેંકમ ફાળવ્યું હતું. પરંતુ એરપોર્ટ ઓથોરિટીએ બે શિફટમાં 260નું મહેંકમ ફાળવવા વિધિવત પત્ર લખી દીધો છે. તેને લીધે સુરતને મંજુર મહેંકમ કરતા 100 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ઓછો મળશે. જો કે એરપોર્ટ ઓથોરિટીએ પત્ર લખ્યો ત્યારે સાત ફલાઇટ ઓપરેટ થતી હતી અને મહેકમ સુરત એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા પીક પર હતી ત્યારે 42 ફલાઇટ અવર-જવર કરતી હતી તેને ધ્યાને રાખી કરવામાં આવ્યું હતું.
રાજકોટ અને ભાવનગર જેવા એરપોર્ટ પર બે ત્રણ ફલાઇટ માટે 200 થી 250 સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત
સુરત એરપોર્ટ પર કોરોનાની બીજી લહેર પછી એક પછી એક એરલાઇન્સની ફલાઇટ આવી રહી છે. સપ્ટેમ્બર સુધીમાં સુરત એરપોર્ટથી 27 ફલાઇટ ઓપરેટ થશે તેની સામે દીવ એરપોર્ટ પર એક માત્ર ફલાઇટ ચાલતી હોવા છતાં 50 સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત છે જયારે રાજકોટ અને ભાવનગર એરપોર્ટ પર રોજ બે ફલાઇટ ચાલી રહી છે તેમને પણ 200 થી 250 સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત આપવામાં આવ્યો છે.
તે ગણતરીએ સુરત એરપોર્ટને સંપૂર્ણ મંજૂર મહેકમ મળવું જોઇએ પરંતુ એરપોર્ટ ઓથોરિટીના વેસ્ટર્ન રીજીયનમાં ચાલતા દાવપેચને લઇ સુરતના મંજુર મહેંકમ માંથી 100 જેટલા સીઆઇએસએફના જવાનો ઓછા કરવાનો ખેલ ચાલી રહ્યો છે. એકવાર કાગળ પર સુરતમાં એકસેસ બતાવવામાં આવેલો 100 સીઆઇએસએફ જવાનોનો બંદોબસ્ત બીજા એરપોર્ટને ફાળવી દેવામાં આવશે તો ફરી નવું મહેકમ મેળવવું ખુબ મુશ્કેલ બનશે. આ મામલે સુરતના સાંસદોને પણ રજૂઆત કરવામાં આવી છે.