નડિયાદ: ખેડા તાલુકાના અડાસર ગામની શાળામાં એક વિદેશી નાગરીક સહિત કુલ છ વ્યક્તિઓ દ્વારા બાળકોને ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપી, બ્રેઈન વોશ કરાતું હોવા અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામની અટકાયત કરી હતી. જોકે, તપાસમાં ધર્માંતરણ જેવું કંઈ બહાર આવ્યું ન હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
દક્ષિણ કોરીયાના નાગરીક સહિત કુલ છ અજાણ્યાં વ્યક્તિઓએ ખેડા તાલુકાના કઠવાડા તાબે અડાસર ગામમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં રવિવારના રજાના દિવસે ગામના બાળકોને ભેગાં કરી, ખ્રિસ્તી ધર્મનું જ્ઞાન આપી, ધર્માંતરણ માટે બાળકોનું બ્રેઈન વોશ કરી રહ્યાં હોવા અંગેની જાણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને થઈ હતી.
જેથી વી.એચ.પીના કાર્યકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને ગામમાં ધર્માંતરણનું ષડયંત્ર ચાલતું હોવા અંગેની જાણ ખેડા જિલ્લા પોલીસને કરી હતી. જેથી ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, સ્થાનિક ગુના શોધક શાખા તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થળ પરથી એક દક્ષિણ કોરીયન નાગરીક તેમજ અમદાવાદના પાંચ મળી કુલ છ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમની પાસેથી ખ્રિસ્તી ધર્મના પવિત્ર ગ્રંથ બાઈબલ સહિતનું સાહિત્ય તેમજ બાળકોને આપવા માટેનો નાસ્તો તેમજ સ્ટેશનરીનો સામાન મળી આવ્યો હતો. જેથી પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી હતી. જોકે, પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આ કિસ્સામાં ધર્માંતરણ જેવું કંઈ બહાર આવ્યું ન હતું.
એક ઘરમાંથી ચાવી લઈ શાળામાં પ્રવેશ કર્યો
અડાસર પ્રાથમિક શાળા શરૂ થતાં પહેલાં સફાઈ કર્મી આવી જતાં હોય છે. તો વળી શાળા છુટ્યાં બાદ ક્યારેક આંગણવાડીનો સામાન આવતો હોય છે. તેવા સમયે સ્ટાફને તકલીપ ન પડે તે માટે ગામમાં જ આવેલ એક ઘરમાં શાળા કેમ્પસની ચાવી મુકી રાખવામાં આવે છે. જ્યાંથી સફાઈકર્મી તેમજ અન્ય કામઅર્થે આવતાં લોકો ચાવી લઈને શાળામાં પ્રવેશ કરે છે. આ ટોળકીએ પણ તે ઘરમાંથી જ ચાવી લઈને શાળામાં પ્રવેશ કર્યો હતો.