નડિયાદ: ખેડા-આણંદ જિલ્લામાં સરકારી વિકાસ કામો કર્યા બાદ કોન્ટ્રાક્ટરને બિલના નાણાં ચૂકવવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. જેના કારણે વિકાસ કામો સમયસર ન થતા લોકોને હલાકી વેઠવી પડે છે. કોન્ટ્રાક્ટરોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખેડા-આણંદ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા ખેડા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે.
ખેડા-આણંદ જિલ્લા કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના કોન્ટ્રાક્ટરોએ રજૂઆત કરી જણાવ્યુ છે કે, કોન્ટ્રાક્ટરના બિલો પાસ કરવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે.
જેમાં પ્રાઇસ એપમાં બિલ અપલોડ થતા નથી, બિન અનુભવી કર્મચારીઓના કારણે બિલ અપલોડ કર્યા બાદ પાસ કરવામાં વધારે સમય થાય છે. જેથી દિવાળી સુધી ઓફલાઈન બિલ પાસ કરવા, સરકારના પરિપત્ર મુજબ ઈજારદારે કરેલ કામોનું આર.ટી. જી.એસ./નેફ્ટથી ચુકવણું કરવા, કોરોના મહામારીમાં ઇજારદારો પર પૈસાનું ભારણ ન પડે તે માટે સરકારે પ્રાઈસ એપ્લિકેશનનો જી.આર. કર્યો હતો, તે મુજબ ઈજારદારોને ચુકવણું કરવા, સરકારી કામોમાં વપરાતા મટીરીયલ્સ, ડીઝલ તેમજ લેબરના ભાવો અવારનવાર વધે છે, તો દરેક કામમાં પ્રાઇસ એરકેલશનનો લાભ આપવા, જિલ્લા કચેરીમાં બિલ રજૂ થયા બાદ દિન – સાતમાં ચુકવણું કરવા, કામ પૂર્ણ થયે ડીલર પાસેથી લીધેલા મટીરીયલ્સ ઉપર સિમેન્ટ અને સ્ટીલના સ્ટાર રેટ ચૂકવવા, ગેરીમાં ટેસ્ટિંગનું ખૂબજ ભારણ હોવાથી મટીરીયલ્સના રિઝલ્ટ સમયસર મળતા નથી, જેના કારણે કામો પૂર્ણ કરવામાં સમયનો વ્યય થાય છે.
ત્યારે ગેરીમાં ટેસ્ટિંગની મર્યાદા 10 લાખથી વધારી 50 લાખની કરવી, રીપેરીંગના વાર્ષિક ભાવોમાં સિવિલ વર્કસ અને ડામરના કામોના ભાવો અલગ અલગ મંગાવવા, જિલ્લા પંચાયત હેઠળ બનતા મકાનોના કામોમાં ફાઇનલ તાંબા પાવતી વગર બિલ ફાઇનલ કરવા તેમજ નોન પ્લાન રોડમાં રોડની સાઈડમાં ખેડૂતો ગટર પાડવા દેતા ન હોઈ વરસાદી પાણીનો નિકાલ ન થતા રસ્તાને ભારે નુકસાન થાય છે. આવા રસ્તાઓને ડિફેક્ટ લાયાબિટીઝમાં સમાવેશ ન કરવા રજૂઆત કરી હતી. આ સંદર્ભે યોગ્ય પગલાં લેવાય તેવી માગ કરાઈ છે.