Columns

‘‘નિરંતર પ્રક્રિયા’’ એજ શુભ ફળ મેળવવાની ચાવી છે!

આશ્રમમાં એક થોડો ભણવામાં નબળો શિષ્ય હતો.તેને ગુરુજી જે શીખવે તે સમજવામાં અને અભ્યાસ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી.ન જલ્દી તેને કંઈ સમજાતું અને ન કંઈ યાદ રહેતું.એવું ન હતું કે તે પ્રયત્ન કરતો ન હતો. તે પ્રયત્ન કરતો, પણ બહુ સમજણ ન પડતાં નાસીપાસ થઇ પ્રયત્ન છોડી દેતો.તેને કંઈ આવડતું ન હોવાથી બીજા શિષ્યો તેની મજાક કરતા.લગભગ રોજ તે આશ્રમ છોડીને ભાગી જવાનું વિચારતો.
એક દિવસ ગુરુજીએ એકદમ સહેલો પાઠ શીખવાડ્યો અને બધાને તરત યાદ કરી મોઢે બોલવા કહ્યું.બધા શિષ્યો થોડી વારમાં કડકડાટ પાઠ બોલી ગયા.પેલા શિષ્યને પાઠ યાદ કરતાં વાર લાગી અને બરાબર યાદ રહ્યો નહિ. બધા તેની મજાક કરતા હસવા લાગ્યા.શિષ્ય ત્યાંથી ઊઠીને ચાલ્યો ગયો અને એક ઝાડ નીચે બેસી રડવા લાગ્યો.થોડી વાર બાદ કૈંક વિચારી તે ગુરુજી પાસે ગયો અને કહેવા લાગ્યો, ‘ગુરુજી, મને લાગે છે કે હું અભ્યાસ કરવાને લાયક નથી. હું આ આશ્રમ છોડી જવા માંગું છું. મને આજ્ઞા આપો.’

ગુરુજી માત્ર એટલું બોલ્યા, ‘કાલે વહેલી સવારે મને મંદિરમાં શિવપૂજા માટે મળજે, સાથે પૂજા કરીશું, પછી વાત કરીશું.’ બીજે દિવસે સવારે શિષ્ય વહેલો મંદિરમાં પહોંચી ગયો.ગુરુજીએ તેને મંદિર સાફ કરવા કહ્યું અને પછી પૂજા શરૂ કરી.પૂજા શરૂ કરતાં ગુરુજીએ શિવલિંગ પર પાણી ચઢાવ્યું અને થોડું પાણી શિવલિંગ પરની જલધારીમાં નાખ્યું.પછી શિષ્યને પાણી ચઢાવવા કહ્યું.શિષ્યે પણ ગુરુજીએ કર્યું હતું તેમ શિવલિંગ પર પાણી ચઢાવ્યું અને થોડું જલધારીમાં નાખ્યું.જલધારીમાંથી સતત એક પાણીની ધાર શિવલિંગ પર પડી રહી હતી અને નિરંતર ચાલુ રહેતી આ પ્રક્રિયાને કારણે શિવલિંગ પર જે જગ્યાએ પાણીની ધાર પડી રહી હતી ત્યાં એક નિશાન પડી ગયું હતું.

ગુરુજીએ આ નિશાન તરફ નિર્દેશ કરતાં શિષ્યને કહ્યું, ‘વત્સ, આ જો આ શિવલિંગ પર આ નિશાન કઈ રીતે પડ્યું હશે?’ શિષ્યે તરત કહ્યું, ‘ગુરુજી આ તો જલધારીમાંથી સતત પડી રહેલા પાણીને કારણે પડ્યું છે.’ ગુરુજી બોલ્યા, ‘એકદમ બરાબર વાત છે વત્સ, જો એકદમ સાવ પાતળા દોર જેવી પાણીની સેર આ નિશાન કરી શકે છે કારણ કે તે સતત નિરંતર એક જ સ્થાન પર પડે છે.વત્સ, કોઈ પણ કાર્ય નિરંતર સતત સંપૂર્ણ નિષ્ઠાથી કરીએ તો આપણને તેનું શુભ ફળ મળે જ છે અને શિક્ષા મેળવવી, અભ્યાસ કરવો એ જીવનભર ચાલતી પ્રક્રિયા છે. આશ્રમમાં છોડી જવાથી તું અભ્યાસમાંથી મુક્ત થઈ નહિ શકે, કારણ કે જીવનભર આપણે શીખતા જ રહેવું પડે છે.એટલે જો તેના કરતાં આ જલધારીની જેમ સતત મહેનત કરીશ…સતત વધુ ધ્યાન દઈ અભ્યાસ કરીશ તો તું જીવનમાં સફળતાના ઊંચા નિશાન પાર પાડી શકીશ.’ ગુરુજીની સમજાવટથી શિષ્યની સમજબારી ખૂલી. તે સતત વધુ મહેનત સાથે અભ્યાસ કરવા લાગ્યો અને અભ્યાસમાં અવ્વલ રહેવા લાગ્યો.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top