કોરોના મહામારીથી માંડ માંડ બહાર નીકળ્યા બાદ વૈશ્વિક અર્થતંત્ર પર હવે વર્ષ 2023માં આર્થિક મંદીની સુનામી આવશે, તેવી વર્લ્ડ બેન્કે ચેતવણી આપી છે. આ આર્થિક મંદીની પાછળ મોંઘવારીને ડામવા માટે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેન્ક દ્વારા વ્યાજદરમાં આક્રમક વૃદ્ધિ જવાબદાર છે. વિશ્વભરના વિકસીત દેશો દ્વારા મોંઘવારી દરને કાબુમાં લેવા માટે વ્યાજદરમાં સતત વધારો કરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં ફેડરલ રિઝર્વ દ્વારા ફેડરેટમાં 75 બેસીસ પોઇન્ટનો વધારો કરવાના લીધે ડોલરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો અને કરન્સી બજારમાં અફરાતફરી જોવા મળી હતી. સ્થાનિક ચલણ રૂપિયાનું સેન્ટીમેન્ટ નબળું પડ્યું હતું.
જે બે દિવસમાં દોઢ રૂપિયો જેટલો તૂટયો હતો. ગત શુક્રવારે રૂપિયો તૂટીને 81ની ઉપર બોલાયા બાદ રિઝર્વ બેન્ક સક્રિય થઇ હતી અને રૂપિયાને ટકાવી રાખવા માટે જરૂરી પગલાં લીધા હતા, જેના લીધે છેલ્લે રૂપિયો 81ની નીચે ઉતરીને બંધ રહ્યો હતો, પરંતુ હજુય કરન્સી બજારમાં સેન્ટીમેન્ટ નબળું હોવાથી રૂપિયો વધુ નબળો પડે તેવી સંભાવના છે, અને રૂપિયો તૂટીને 82ની સપાટી કુદાવે તેવી શકયતા દેખાઇ રહી છે. બીજી તરફ, રૂપિયામાં ભારે ઘટાડા છતં રિઝર્વ બેન્કે બજારમાં નોંધપાત્ર પ્રમાણમાં ડોલર ઠાલવી દીધા હતા, તેના લીધે ટ્રેડરો ચિંતાતુર થઇ ગયા હતા, જેથી રૂપિયાની ચાલ રિઝર્વ બેન્કના હસ્તક્ષેપની ભાવિ વ્યૂહરચના ઉપર નજર રાખી રહ્યા છે. પરંતુ જો આ સ્થિતિ ચાલુ રહેશે તો રૂપિયો તૂટીને 82ની સપાટીને સ્પર્શી શકે છે અને નવી ઐતિહાસિક સપાટી જોવા મળશે.
મહામારી દરમ્યાન લોકડાઉનના લીધે બેફામ ગતિએ વધી રહેલા મોંઘવારી દરથી સમગ્ર વિશ્વ ત્રાહિમામ પોકારી ઉઠયું છે, જેમાં અમેરિકા, ઇગ્લેન્ડ, ભારત અને યુરોપિયન દેશો સહિત દુનિયાભરની મધ્યસ્થ બેન્કો વ્યાજદરમાં આક્રમક વધારો કરી રહી છે અને તેની સીધી પ્રતિકુળ અસર આર્થિક વિકાસ દર પર થઇ રહી છે. છેલ્લા પાંચ દાયકામાં સૌથી ઝડપી વ્યાજ વૃદ્ધિથી આર્થિક મંદીનું જોખમ તોળાઇ રહ્યું છે.દુનિયાના ત્રણ સૌથી મોટા અર્થતંત્રોના વિકાસ દરમાં ઝડપી ઘટાડો આવ્યો છે. જેમાં અમેરિકા, ચીન અને યુરોપિયન દેશો સામેલ છે. વર્લ્ડ બેન્કે તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, વ્યાજદરમાં વૃદ્ધિથી વૈશ્વિક અર્થતંત્રને માર પડી રહ્યો છે અને આગામી વર્ષે તે મંદીમાં પરિણમી કરી શકે છે.
આ મંદી 2008ની સાલમાં લેહમેન બ્રધર્સ કરતાં પણ ગંભીર સ્વરૂપ સર્જી શકે છે. આમ, વર્ષ 1970ની મંદી બાદથી પછી થયેલી રિકવરી બાદ ગ્લોબલ ઇકોનોમીમાં સૌથી ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં મધ્યસ્થ બેન્કોને મોંઘવારી દરને નીચે લાવવા માટે વ્યાજદરમાં બે ટકાની વૃદ્ધિ કરવા સુચન કર્યુ છે, વ્યાજદરમાં આ વધારો ચાલુ વર્ષના સરેરાશ બે ટકા ઉપરાંતનો હશે, પરંતુ તેની અસર વૈશ્વિક વિકાસ દર ઉપર થશે.ફાઇનાન્સીયલ માર્કેટ પહેલાથી જ દબાણમાં છે, ત્યારે વર્ષ 2023 ગ્લોબલ જીડીપી ગ્રોથ અડધો ટકો ઘટી શકે છે, જે નજીકના ભવિષ્યમાં રીકવરી આવે તેવી શક્યતા દેખાતી નથી. જે ચિંતા સર્જી રહ્યા છે.
કરન્સી બજારમાં અમેરિકન ડોલરની સરખામણીએ સ્થાનિક ચલણમાં 2022માં અત્યાર સુધીમાં 8.5 ટકા ઘટયો છે, વર્તમાન વર્ષમાં અત્યાર સુધીમાં 16 ટકાથી વધુ ઉંચકાયેલો હતો. પરંતુ અમેરિકાના વધતા જતાં વ્યાજદરથી રૂપિયો વધુને વધુ નબળો પડી રહ્યો છે, જેને ટકાવી રાખવા માટે રિઝર્વ બેન્કના અથાગ પ્રયાસ જોવા મળી રહ્યા છે, રિઝર્વ બેન્કનો વિદેશી ચલણનો અનામત ભંડાર પણ વેચી રહ્યા છે, જે બે વર્ષની નીચે સરકી ગયો છે અને 550 અબજ ડોલરનો રહ્યો છે, પરંતુ રિઝર્વ બેન્ક રૂપિયાને તૂટતો અટકાવી શકયા નથી. જેથી રૂપિયો વધુ તૂટશે તો રિઝર્વ બેન્ક પણ તેને બચાવી શકશે નહિં.