મિત્રો, મથાળું વાંચીને કંઇક અજબ લાગ્યું ને?! હા, મેં જયારે કોઇ વ્યકિતને કહેતા સાંભળી કે ‘I am a content writer’ ત્યારે મને પણ મનમાં અનેક પ્રશ્નો થયા. એમની સાથે ચર્ચા કરી. વ્યકિત સુરતમાં રહે છે, સ્કોટલેન્ડમાં કોઇક માટે content article લખે છે. વ્યવસાયે ઓર્ગેનિક ફાર્મર છે. એમ.પી. ઇન્દોરમાં 1000 પૂરા 1000 પ્લાન્ટનું ફાર્મ ધરાવે છે. અન્ય કિસ્સામાં કેબીસીમાં એક છોકરીએ પોતાની પ્રોફાઇલ content writer તરીકે ગણાવી. તો ચાલો આજે એના વિષે થોડું રસપ્રદ જાણીએ. કાલે તમે પણ કન્ટેન્ટ રાઇટર બની શકો છો.
ટેકનોલોજીના યુગમાં ઇ-માર્કેટીંગ વિષે તો ઘણું સાંભળ્યું છે, અનુભવ્યું છે અને એમાં દરરોજ નવી ક્ષિતિજો ઉમેરાતી જાય છે. ત્યારે વેબ સામગ્રીનું આયોજન, લેખન અને સંપાદન કરવાની પ્રક્રિયા એક આગવું મહત્ત્વ ધરાવે છે. સામગ્રી લેખક એવી વ્યકિત છે જે વેબસાઇટસ માટે સંબંધિત, આકર્ષક લેખિત સામગ્રી ઉત્પન્ન કરવામાં નિષ્ણાત હોય છે. દરેક વેબસાઇટ ચોક્કસ પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવતી હોય છે. પ્રેક્ષકો સુધી પહોંચવામાં, સારી રીતે લખેલી, માહિતીપ્રદ અને સામાન્ય રીતે ઉચ્ચ-ગુણવત્તાવાળી સામગ્રીની જરૂર પડતી હોય છે. જેથી ડિજિટલ માર્કેટીંગના હેતુઓ બર થાય.
સામગ્રી લેખનનાં વિવિધ ફોર્મેટમાં નીચે મુજબનાનો સમાવેશ કરી શકાય.
- વીડિયો સ્ક્રીપ્ટો:
- ઇમેલ ન્યૂઝ લેટર્સ
- મુખ્ય વકતવ્ય
- સોશ્યલ મીડિયા પોસ્ટ્સ
- પોડકાસ્ટ શીર્ષકો
- સફેદ કાગળો
- વેબ પેજની નકલો
- લેન્ડિંગ પૃષ્ઠો જેવા અનેક ફોર્મેટમાં સામગ્રી લેખનની જરૂર પડે છે.
ટૂંકમાં તમે જે કંઇ પણ ઉત્પાદન કરો છો, તેને લોકો સુધી લઇ જવા પ્રકાશિત કરવું પડે છે તો તે માટે અસરકારક લેખન સામગ્રીની જરૂર પડે છે. જેતે સંસ્થાને, બ્લોગ પોસ્ટ કરવા માટે, વેબસાઇટ કોપીરાઇટીંગ, વિવિધ સોશ્યલ મીડિયા પોસ્ટીંગ માટે, ટેક્નિકલ લેખન માટે, વપરાશકર્તા માટે માર્ગદર્શિકા કે ઇબુકસ માટે સામગ્રીની જરૂર પડે. આ બધા માટે અલગ અલગ એકસપર્ટની મદદ લઇ શકાય છે. કેમ કે જે વ્યકિત વીડિયો સ્ક્રીપ્ટમાં માહિર હોય તે કદાચ ટેક્નિકલ લેખનમાં માહિર ન પણ હોય. વિવિધ જૂથના લોકો માટે અલગ અલગ લેખન અસરકારક હોય છે જેમ કે બાળકો કાર્ટૂન દ્વારા તો યુવા ફેશન ફંડા દ્વારા માટે જેતે ગ્રાહકના જૂથને ધ્યાનમાં રાખીને મલ્ટી ડિસીપ્લીનરી ટીમની જરૂરિયાત નક્કી કરાય છે.
આવાં કાર્યો ઓનલાઇન તથા ઓફલાઇન પણ મળી જાય છે. ઓનલાઇન કાર્યમાં ટેકિસ્ટંગ,ઇન્સ્ટન્ટ મેસેજીંગ, ઇમેલીંગ, બ્લોગિંગ, ટ્વિટીંગ, સોશ્યલ મીડિયા પર ટિપ્પણીઓ પોસ્ટ કરવાનો સમાવેશ થાય છે.
હવે પ્રશ્ન થાય કે કોણ ‘સામગ્રી લેખક’ થઇ શકે? શું એને માટે મસમોટી ડિગ્રીઓની જરૂર પડે? કઇ ઉંમરની વ્યકિત આવું કાર્ય કરી શકે? શું એને વ્યવસાય તરીકે અપનાવી શકાય? કેટલો પગાર મળે? કે કેટલા રૂપિયા કમાઈ શકાય?
મિત્રો, આમાં ઉંમરનો કોઇ બાધ નથી. રક્ષિકા જૈન જેણે 10 વર્ષની ઉંમરે પોતાનો પ્રથમ બ્લોગ લખ્યો હતો અને યુટયુબ ચેનલ પણ. આમ જે કોઇ વ્યકિતમાં કંઇક લખવાની, કંઇક પ્રકાશિત કરવાની ઉત્તેજના છે તે સૌ કોઇ ‘કન્ટેન્ટ રાઇટર’ બની શકે છે. અમિત અગરવાલ જેને ભારતનો પ્રથમ બ્લોગર તરીકે નવાજવામાં આવે છે તેણે 2004માં કાયમી નોકરી છોડી પ્રોફેશનલ બ્લોગર બનવાનું નક્કી કર્યું અને એ એમાં સફળ થયો.
વ્યાવસાયિક કુશળતા માટે professional skills અને જ્ઞાન માટે સ્નાતક- અનુસ્નાતક કક્ષાએ જર્નાલિઝમના વિવિધ અભ્યાસક્રમો, હયુમેનીટીઝના, આર્ટસના અભ્યાસક્રમો શીખવા જોઇએ. અહીં ટ્રેન્ડ બદલાય છે. પહેલાં આર્ટસમાં પ્રવેશ લેવાનું તેઓ જ પસંદ કરતા જેઓનું ટીચીંગ લાઇનમાં શિક્ષક બનવાનું ધ્યેય હોય. હવે આ ક્ષેત્રે પણ કંઇ કેટલી ક્ષિતિજો ઊઘડી રહી છે.
જેતે ક્ષેત્રે શિક્ષણ પૂર્ણ કરી, લખવાની કુશળતા વિકસાવી જેતે ક્ષેત્રે content writer બની શકાય. જેટલો તમારો વધુ અનુભવ એટલા જ વધુ સારા content writer અને એટલી વધુ કમાણી. કઇ કુશળતાઓ હોવી જરૂરી? તમે મુખ્ય લેખનની પ્રેકટિસના જાણકાર હોવા જોઈએ. મનમોહક વાર્તા કહેનારા, સોશ્યલ મીડિયાના સેવી, સામગ્રીમાં સમજશકિત પ્રકટ કરનારા, એક સારા સંશોધક સાથે જ સારા રિવ્યુઅર, વર્તમાનને જાણનારા અને પરિવર્તન માટે ઓપન માઇન્ડ જેવી કુશળતાઓ હોવી જરૂરી.
કઇ રીતે શરૂઆત કરી શકો?
પ્રથમ સ્ટેજ પર તમે વિવિધ જરૂરી કુશળતાનું જ્ઞાન મેળવી લીધું છે સાથે જ એને વિકસાવવાનાં પગલાંઓ ભરો છો. SEO, HTML, CSSમાં કૌશલ્ય વિકસાવવામાં ફ્રી તેમ જ પેઇડ કોર્સિસ કરવા જરૂરી બને છે. જેથી એમાં નિપુણતા વધી શકે, તમે ટીપ્સ અને યુકિતઓના માહિતગાર બની શકો. હવે તમને બધું આવડે છે પણ લોકોને ખબર કેવી રીતે પડશે કે તમે નિપુણ છો? તો કુશળતાને પ્રસારિત કરવા- એક અસરકારક પોર્ટફોલિયો બનાવવાની જરૂર છે. જે તમારો બાયોડેટા છે. જે વાંચવાથી લોકોને તમારી કુશળતાનો પરિચય મળે છે, તમારા કાર્યનો સાર મેળવે છે.
નવા નિશાળિયા માટે સૌ પ્રથમ તમારી રૂચિના વિષય પર રાઇટઅપ્સ બનાવો. જેમાં સમુદાય, કલબ, તમારા પ્રકાશનનો એક ભાગ હોય, વિવાદાસ્પદ વિષયનું વિચ્છેદન કરતો નિબંધ, કોઇ જગ્યાનું રસપ્રદ વર્ણન પણ લખી શકો. ઓનલાઇન એજન્સી, જેમ કે કોપીફાઇ માટે સાઇન અપ કરો, કેમ કે લેખનકામ, ફ્રીલાન્સનાં ધોરણો ઓફર કરવામાં આવે છે. જો કોઇ સાથે ઇન-હાઉસ લેખક હશો તો બીજી અન્ય કંપનીઓ સાથે પણ વર્ક કરી શકાશે. શાળાના લેવલે ધો. 12 પછી વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા પર કમાન્ડ મેળવી આગળ જતા જેતે ક્ષેત્રના અભ્યાસ પછી પોતાના બ્લોગ બનાવવાનું શરૂ કરી શકે છે. તો મિત્રો તમે તૈયાર છો ને ‘content writer’ની કરિયર માટે?
‘writing is the painting of the voice.’