પારડી: પારડી હાઈવે પર સુરતથી મુંબઈ તરફના ટ્રેક પર એક કન્ટેનર ચાલકે, સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર ખાડીના પુલ પર લટકી ગયું હતું અને કેબિનમાંથી ક્લિનર ફંગોળાઈને 80 ફૂટ નીચે પટકાતાં તેનું મોત નીપજ્યું હતું.
- પારડી હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ઉછળીને પુલ પર લટક્યું, ક્લિનર ખાડીમાં પટકાતાં મોત
- ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં વિચિત્ર અકસ્માત, ક્લિનર કેબિનમાંથી ફંગોળાઈને 80 ફૂટ નીચે ખાડીમાં પડ્યો
પારડી હાઇવે નંબર 48 પરથી બુધવારની રાત્રે સુરતથી મુંબઈ તરફના ટ્રેક પર કન્ટેનર જઈ રહ્યું હતું. ત્યારે વિરામ હોટલ ક્રોસ કર્યા બાદ નજીકમાં જ કન્ટેનર ચાલકે રોહિત ખાડીના પુલ પાસે કાબુ ગુમાવતા, કન્ટેનર હાઇવેના બે બ્રિજના વચ્ચેના ડિવાઇડર પર ચઢી ગયું હતું અને ખાડીમાં લટકી ગયું હતું. કન્ટેનર ખાડીમાં ખાબકતા માંડ-માંડ બચ્યું હતું, પરંતુ કન્ટેનરનો કેબિનનો ભાગ બંને પુલની વચ્ચેના ભાગે અધ્ધર લટક્યો હતો.
આ દરમિયાન કન્ટેનરમાં સવાર ક્લિનર કેબિનમાંથી ખાડીમાં 70થી 80 ફૂટ નીચે પટકાયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં ક્લિનરને 108 મારફતે પારડી CHC હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ચાલક કેબિનમાંથી સહી સલામત બહાર નીકળ્યો હતો. અકસ્માતને પગલે પારડી હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. પારડી પોલીસ દોડી આવી હતી અને હાઇવે પેટ્રોલિંગ કરતી વાન સાથે મળી ટ્રાફિકજામને નિયંત્રિત કર્યો હતો.