સંતરામપુર : આણંદ – ખેડા જિલ્લાની જીવાદોરી નહેરમાં આ વરસે ઉનાળાની શરૂઆતમાં જ પાણી છોડવા બાબતે ખેડૂતોને સિંચાઇ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. માત્ર પરિએજ અને કનેવાલ તળાવ ભરીને આ પાણી સૌરાષ્ટ્રના લોકો માટે પીવા પહોંચાડવાનું આયોજન ચાલી રહ્યું છે. પરંતુ ડેમમાં દિવસે દિવસે જળસ્તર ઘટી રહ્યું છે. હવે તેની ન્યુનતમ પાણીની સપાટીથી 24 ફુટ જ દુર છે. જો ન્યુનતમ સપાટી સુધી પાણી પહોંચી જશે તો નહેરમાં પાણી લેવું મુશ્કેલ બનશે. કડાણા ડેમમાં રવિવારના રોજ પાણીની સપાટી 397 ફુટ પર પહોંચી છે. કડાણા ડેમમાં હાલ પાણીની સંગ્રહશક્તિ જથ્થો પચ્ચાસ ટકા જોવા મળી રહ્યો છે. કડાણા ડેમમાંથી હાઈડ્રો પાવર પ્રોજેક્ટમાં વીજ ઉત્પાદન થાય તે માટે 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
જે માત્ર એક વીજ યુનિટ વિજળી પેદા કરવાનું કામ કરી રહ્યું છે. આ સ્થિતિમાં ભયજનક બાબત એ છે કે, ડેમમાં પાણીની આવક 400 ક્યુસેક જ છે. બીજી તરફ સિંચાઇ માટે કડાણા ડાબા કાંઠાની નહેરમાં 310 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જમણા કાંઠાની નહેરમાં 50 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે સુજલામ સુફલામ કેનાલમાં 150 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે દાહોદ પાઇપ લાઇન માટે 180 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. આમ આવક સામે જાવક વધુ છે. કડાણા ડેમની મહત્તમ સપાટી 419 ફુટ છે. જ્યારે ન્યુનતમ સપાટી 373 ફુટ છે. હાલ 397 ફુટ પર પાણી પહોંચ્યું છે. આમને આમ પાણી ઘટતું રહ્યું તો ચોમાસા પહેલા જ પાણીની કટોકટી ઊભી થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે.