Surat Main

વરાછાની હીરા પેઢીના ચાર કર્મચારીનું કારસ્તાન : સારી ક્વોલીટીના 4 કરોડના હીરા કાઢી હલકી કક્ષાના મુકી દીધા

સુરત : વરાછામાં (Varacha) આવેલી હીરા પેઢીના (Diamond company) ચાર કર્મચારીઓએ પોતાની પાસે આવતા સારી ક્વોલીટીના હીરામાંથી હલકી કક્ષાના હીરા નાંખીને રૂા. 4 કરોડની ઠગાઇ (Cheating) કરવામાં આવી હતી. હીરા પેઢીના માલિકને શંકા જતા તેઓએ જાતે જ વોચ ગોઠવી હતી અને ચારેય કર્મચારીઓને પકડી પાડ્યા હતા. તેઓ જે વ્યક્તિઓને હીરા વેચતા હતા તેઓની સામે પણ ફરિયાદ કરવામાં આવતા વરાછા પોલીસે કુલ્લે 6 આરોપીઓની સામે ગુનો નોંધ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની અને હાલ શહેરમાં વરાછા રોડ હિરાબતપશીલ સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ ખુંટ (ઉ.વ.૫૧) એ.કે.રોડ ઉમીયાધામ મંદિર પાસે કિરણ બિલ્ડિંગમાં સને-૨૦૧૮થી દસ જેટલા ભાગીદારો સાથે મળી જી.એન.બ્રધર્સ (GN Brothers) નામની હીરાની પેઢી ચલાવે છે. આ કંપની કિરણ જેમ્સમાંથી (Kiran gems) હીરાની રફ લાવી પ્રોસેસની કામગીરી કરીને હીરા પરત જમા કરાવતા હતા. દરમિયાન ઓક્ટોબર મહિનામાં કિરણ જેમ્સના મેનેજરે હીરાનું વજન ઓછું તેમજ બીજી ગુણવત્તાના હીરા પરત આવતા હોવાની ફરિયાદ કરી હતી.

જેમાં વિજય ઉર્ફેï વી.ડી. ધીરુ બદરખીયા, જીગ્નેશ ઉર્ફે કે.કે. માધવ કાકડીયા, ગૌતમ હરી કાછડીયા અને પ્રકાશ ઉર્ફે પી. એસ. ભગવાન સોજીત્રાઓ હલકી ક્વોલીટીના એટલે કે ઓછા વજનના હીરા જમા કરાવતા હતા. આ તમામ રત્નકાલાકારોને જ્યારે હીરા આપવામાં આવતા હતા અને પરત જ્યારે આવતા હતા ત્યારે વજન ખુબ જ ઓછું હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું. હીરામાં વજન ઓછું આવ્યાની ફરિયાદ કરવામાં આવતા શેઠ ઇશ્વરભાઇ ખુંટએ તપાસ કરી હતી.

તપાસ દરમ્યાન ભાગીદાર વિજય બદરખીયા અને જીગ્નેશને માલ પ્રોસેસïની કામગીરી બાદ માલ જમા કરવતા હતા, તેમાં ફેરફાર આવતો હોવાથી શંકા જતા દીવાળી સમયે આપેલા માલમાં ફેરફાર લાગતા વિજય બદરખીયા, જીગ્નેશ, તેમજ કર્મચારી ગૌતમ હરી કાછડીયા અને પ્રકાશ ઉર્ફે પી.એસ. ભગવાન સોજીત્રાને બોલાવી હીરાની ફેરબદલ (બદલો) અંગે પુછપરછ કરવામાં આવી હતી. આ તમામ છેલ્લાં ઘણા સમયથી હીરાનો બદલો મારતા હોવાનું બહાર આવ્યું હતું.

આ ચારેય કર્મચારીઓએ બદલેલો માલ ધીરુ બદરખીયો અને બીપીન ઉર્ફે બટ્ટ તળાવીયાઓને વેચતા હતા, તેઓની પાસેથી હલકી ગુણવત્તાના હીરા લાવીને તેને બદલીને ઓરીજનલ સારી ક્વોલીટીના હીરા લઇ જતા હતા. આ તમામએ ભેગા થઇને કુલ્લે રૂા. 4 કરોડની કિંમતના હીરાનો બદલો માર્યો હતો. જે અંગે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top