ઘરનો કારોબાર ચલાવવો દરેકને માટે હાલની મોંઘવારીમાં મુશ્કેલ છતાં ઘરના યેનકેન પ્રકારે સમસ્યાને સમજી તેના નિકાલની દિશામાં વિચારી સમસ્યા હલ કરે છે. બાળકોના શિક્ષણ, આરોગ્ય તેમજ જીવનજરૂરી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને હોવા છતાં કુટુંબના દરેક સભ્યોના પેટની આગ ઠારવા બધો જ ભોગ આપવા તૈયાર રહેવું પડે છે. દેશનાં તમામ લોકોના શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને જાનમાલના રક્ષણની જવાબદારી તથા સમસ્યાઓ અંગે લોકશાહીમાં દરેક સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિ તેઓનો અવાજ યોગ્ય સત્તાધારી સમક્ષ રજૂ કરવાની જવાબદારી નિભાવતા હોય છે. લોકશાહીમાં વિરોધ પક્ષ લેવાયેલ નિર્ણય યોગ્ય ન જણાય તો વિરોધ નોંધાવતા હોય છે. હાલમાં શહેરમાં યોજાયેલ સમીટમાં આગામી 2033 માં થનાર વસ્તી વધારાના દરને ધ્યાનમાં લઇ પીવાનાં પાણી, આરોગ્ય, રહેઠાણ તેમજ પાયાની સુવિધા મળી રહે તે માટેનું આયોજન કરવાનો નિર્ણય લેવાયેલ તે સારી બાબત છે. પરંતુ વધતી વસ્તીને ધ્યાનમાં લઈ આવશ્યક ચીજ વસ્તુના ભાવો કઈ રીતે નિયંત્રણમાં રાખી શકાય તે બાબતે પણ આયોજન વિશે વિચારવું જરૂરી છે. ગરીબી, મોંઘવારી, બેકારી, શિક્ષણ, આરોગ્ય અને રોજગારની બાબત તો બધા જ ધર્મ, કોમ, સંપ્રદાયને લગતા છે ત્યારે આ પ્રકારની દરેક સમસ્યાના નિકાલ માટે દરેક નાગરિકે તમામ ભેદભાવ ભૂલીને ભારતીય હોવાની ઓળખ જ પ્રસ્થાપિત કરવી પડશે. માનવી માનવી વચ્ચે કડવાશનાં બીજ વાવે તેવી ગઇ ગુજરી ભૂલી જઈ બધા સાથે મળીને જ સમસ્યાના ઉકેલની દિશામાં વિચારવું પડશે. પહેલાંના સમયમાં ઉકાઈ બંધ અને ભાખરાનાંગલ જેવી અનેક યોજનાઓ આજે આશીર્વાદરૂપ સાબિત થાય છે તે પણ ન ભૂલવું જોઇએ.
સુરત – ચંદ્રકાન્ત રાણા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સમસ્યાઓના ઉકેલની દિશા વિચારીએ
By
Posted on