ગુજરાત કોગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું કામ મારી પ્રાથમિકતા રહેશે. કોગ્રેસનું સંગઠન, બુથ લેવલ સુધીનું માળખુ મજબુત બનાવીને ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો સાથે મળીને આગામી સમયમાં લડાઈ લડશે, કોગ્રેસ રસ્તા પર ઉતરશે. ભાજપ શાસનની નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ ઉજાગર કરશે અને 2022માં ગુજરાતમાં સરકાર બનાવશે, તેવો આશાવાદ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ વ્યક્ત કર્યો હતો.
રઘુ શર્માએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી સિદ્ધાંતો અને વિચારધારાની લડાઈ લડી રહી છે. આઝાદીના આંદોલન થી લઇ અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટી અનેક ચઢાવ-ઉતાર જોયા છે. ક્યારેક સત્તામાં રહ્યા તો ક્યારેક સત્તાની બહાર રહીને પણ સિદ્ધાંતોની લડાઈ લડી રહ્યા છે. હાર અને જીત થતી રહેતી હોય છે. ગુજરાત પ્રભારી તરીકે મને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે ગુજરાત કોગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું કામ મારી પ્રાથમિકતા રહેશે. કોગ્રેસનું સંગઠન, બુથ લેવલ સુધીનું માળખુ મજબુત બનાવીને ગુજરાત કોંગ્રેસના તમામ આગેવાનો કાર્યકરો સાથે મળીને આગામી સમયમાં લડાઈ લડશે, કોગ્રેસ રસ્તા પર ઉતરશે અને ભાજપ શાસનની નિષ્ફળતાઓ પ્રજા સમક્ષ ઉજાગર કરશે અને 2022માં ગુજરાતમાં સરકાર બનાવશે.
રઘુ શર્માએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોરોનાના સમયગાળામાં ભાજપ સરકાર પ્રજાને આરોગ્યલક્ષી સેવાઓ સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે. છેલ્લા ચાર વર્ષમાં ભાજપની વર્તમાન સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. જેને પગલે મુખ્યમંત્રી સહિત આખેઆખા પ્રધાનમંડળને બદલી નાખવામાં આવ્યું છે, એ જ બતાવે છે કે છેલ્લા ચાર વર્ષના શાસનમાં ભાજપ સરકાર નિષ્ફળ રહી છે.
શર્માએ વધુમાં કહ્યું હતું કે ભાજપની ચિંતા ચૂંટણી જીતવાની છે. ભાજપને પ્રજાની કોઈ જ પડી નથી. ચૂંટણીને એક વર્ષ બાકી હોય ત્યારે આખે આખી સરકાર બદલી નાખવી એનો મતલબ શું છે. રઘુ શર્મા આજે વિમાનીમથકે થી સીધા જ લાલ દરવાજા ખાતે આવેલા ભદ્રકાળી માતાના મંદિરે દર્શને પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ગાંધી આશ્રમ ખાતે ગયા હતા અને કોગ્રેસ ભવન ખાતે કોંગ્રેસના ધારાસભ્યો પદાધિકારીઓ સાથે બેઠકોનો દોર યોજ્યો હતો. રધુ શર્માના નજીકના વતૃળોમાંથી મળતી માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસના માળખામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. નવા યુવા ચહેરોને મોટી જવાબદારી સોપવામાં આવશે.