જમ્મુ-કાશ્મીરના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે પાંચ પાનાના રાજીનામા પત્રની શરૂઆત કોંગ્રેસ સાથે તેમના જોડાણથી કરી હતી. તેમણે કેવી રીતે છેલ્લા ૫૦ વર્ષમાં તમામ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિઃસ્વાર્થ ભાવે પૂરી કરી હતી તે યાદ કર્યું. તેમણે ભૂતકાળ યાદ કરતાં લખ્યું ૧૯૭૫-૭૬માં જમ્મુ-કાશ્મીરમાં કોઈ કોંગ્રેસ સાથે જોડાવા માગતું નહોતું તેવા સમયે પોતે સંજય ગાંધીના કહેવાથી યુથ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે કેવી રીતે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરસિંહા રાવ અને મનમોહન સિંહની સરકારોમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કર્યું.
આ સિવાય આટલા વર્ષોમાં કોંગ્રેસમાં દરેક મહત્વપૂર્ણ જવાબદારીઓ પૂરી કરી. તેમણે પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના કાર્યકાળની પ્રશંસા કરી હતી. કોંગ્રેસને તેમના જીવનના લગભગ ૫૦ વર્ષ સમર્પિત કર્યાની ભૂમિકા બાંધ્યા પછી આઝાદે રાહુલ ગાંધી પર આકરો હુમલો કર્યો હતો. તેમણે લખ્યું દુર્ભાગ્યથી રાજકારણમાં રાહુલ ગાંધીના પ્રવેશથી તમારા દ્વારા સ્થાપિત સંપૂર્ણ કન્સલ્ટેટિવ મિકેનિઝમ ધ્વસ્ત થઈ ગઈ. ખાસ કરીને જાન્યુઆરી ૨૦૧૩માં રાહુલને કોંગ્રેસમાં ઉપાધ્યક્ષ બનાવાયા પછી તેમણે પક્ષને બરબાદ કરી નાંખ્યો.
તેમણે બધા જ વરિષ્ઠ અને અનુભવી નેતાઓને હાંસિયામાં ધકેલી દીધા અને અનુભવહીન ચાપુલસોનું જૂથ પક્ષ ચલાવવા લાગ્યું. તેમણે રાહુલ ગાંધી પર બાળબુદ્ધિ, અપરિપક્વ, જૂથવાદી અને ચાપલૂસોથી ઘેરાયેલા રહેવાનો આક્ષેપ કર્યો હતો. આઝાદે તેમના રાજીનામામાં સોનિયા અને રાહુલ ગાંધી અંગે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમણે લખ્યું, ૨૦૧૪ પછી તમારા અને પછી રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ અપમાનજનક રીતે બે લોકસભા ચૂંટણી હારી છે. ૨૦૧૪થી ૨૦૨૨ વચ્ચે ૪૯ વિધાનસભા ચૂંટણીમાંથી ૩૯માં પક્ષનો પરાજય થયો.
પક્ષ માત્ર ચાર રાજ્યોની ચૂંટણી જીતી શક્યો અને છ રાજ્યોમાં ગઠબંધન મારફત સરકાર બનાવી. દુર્ભાગ્યથી આજે માત્ર બે રાજ્યોમાં કોંગ્રેસની સરકાર છે અને અન્ય બે રાજ્યોમાં જૂનીયર પાર્ટનર તરીકે ગઠબંધન સરકારનો ભાગ છે. હવે ગુલામ નબી આઝાદની વાત કરીએ તો તેમનો આરોપ છે કે, રાહુલ ગાંધી કે સોનિયા ગાંધી કોંગ્રેસ માટે કંઇ કરી શક્યા નથી. તો સૌથી પહેલી વાત તો એ કે, ગુલામનબી આઝાદ છેલ્લા 20 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાંથી લોકસભાનીની કંઇ ચૂંટણી જીત્યા? કોંગ્રેસે જમ્મુ કાશ્મીરમાં કેવું પ્રદર્શન કર્યું?
જ્યારે ગાંધી પરિવાર કંઇ નહીં કરી શક્યું તો કાશ્મીરમાં તમે શું કર્યું? પંજાબ તો કોંગ્રેસે જીત્યું હતું અને કેપ્ટન અમરિન્દરસિંગને મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા છતાં તેઓ સત્તા ટકાવી નહીં શક્યાં? તેવી જ રીતે મધ્યપ્રદેશમાં જ્યોતિર્આદિત્યા સિંધિયાને અને માધવરાવ સિંધિયાને કોંગ્રેસ ઘણુ બધુ આપ્યું છતાં પણ તેમને અસંતોષ હતો. કપિલ સિબ્બલ દિલ્હીમાંથી કેટલી ચૂંટણી જીત્યા તેનો હિસાબ આપતા ન હતા અને કોંગ્રેસ પાસે દેશનો હિસાબ માગતા હતા. લોકો તો કોંગ્રેસને જીતાડીને જ મોકલે છે પરંતુ ધારાસભ્યો અન્યાયના નામે છેડો ફાડીને પક્ષાંતર કરે તેમાં રાહુલ કે સોનિયા ગાંધી શું કરી શકે? કોંગ્રેસના હાલમાં જે દિગ્ગજ નેતાઓ છે તેમાં પોતાના મત વિસ્તારમાં ચૂંટણી જીતી શકે તેવા 10 ટકા પણ માંડ નથી. આ જાણવા છતાં કોંગ્રેસ આવા નેતાઓને સન્માનપૂર્વક રાજ્યસભામાં મોકલતી આવી છે. તેમ છતાં આ દિગ્ગજ નેતાઓ બળાપો કાઢે છે કે અમને કંઇ મળ્યું જ નથી.