Comments

કોંગ્રેસનો બળવો દળી દળીને ઢાંકણીમાં?

કોંગ્રેસ માટે આંતરિક બળવો કંઇ નવાઇની વાત નથી અને દરેક વખતે પક્ષ નવાં સ્વરૂપ અને કેટલીક વાર બદલાયેલા નામ સાથે ફરી જન્મ લેતી આવી છે. પક્ષના પીઢ નેતા ગુલામનબી આઝાદની આગેવાની હેઠળ હજી થોડા વખત પહેલાં જ સુબળવાખોરોએ બળવો પોકાર્યો હતો ત્યારે પક્ષનાં હમદર્દો અને વિરોધીઓ બંનેને લાગ્યું હતું કે પક્ષ હવે ખતમ થઇ જવાનો. કેટલાકને ભારતીય જનતા પક્ષના મોવડીઓનો પણ આમાં દોરીસંચાર લાગ્યો પણ તેનો ઇન્કાર પણ થઇ શકે તેમ નથી. એવું કંઇ થયું નહીં અને પક્ષ હજી એ જ પુરાણી અવઢવ સાથે ‘અડીખમ’ ઊભો છે અને ફરી એક વાર પક્ષના પ્રમુખપદની ચૂંટણી પાછળ ઠેલાઇ છે અને બળવાખોરો સામે કોઇ પગલાં લેવાતાં નથી કારણકે મોવડીમંડળને હાથનાં કર્યાં હૈયે વાગે એવી બીક છે.

બળવાખોરોએ દળી દળીને ઢાંકણીમાં કાઢયું? કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પક્ષના કોવિડ રાહત કાર્ય પર દેખરેખ રાખવા તેર સભ્યોની એક મહત્ત્વની સમિતિની રચના કરી અને તેનું અધ્યક્ષપદ ગુલામનબી આઝાદને સોંપ્યું અને આઝાદે તે સ્વીકાર્યું પણ ખરું! સોનિયાએ ચાર રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસના ધબડકાનાં કારણોની તપાસ માટે બીજી એક સમિતિ રચી તેના સભ્યપદે પંજાબના સંસદસભ્ય અને બળવાખોર મનિષ તિવારીને બેસાડી દીધા. સુબળવાખોરોના નેતા અને ગાંધી પરિવારના વફાદાર મુકુલ વાશ્નિકને કોણ ભૂલી શકે? તે બળવાખોરો સાથે કેમ જોડાયા તે તેઓ જ જાણે, પણ તેમણે તરત જ પલટી મારી અને હવે વિધાનસભાઓની તાજેતરની ચૂંટણીના ધબડકાની તપાસ સમિતિમાં સભ્યપદે જોડાઇ ગયા છે.

હજી નવ મહિના પહેલાં આઝાદે પત્રકારોને આપેલી જુદી જુદી મુલાકાતોમાં બખાળા કાઢયા હતા પણ લાગે છે કે તેમને હવે વાસ્તવિકતા સમજાઇ છે. તે ૧૯૬૦ ના દાયકાના હાંસિયામાં મૂકાઇ ગયેલા મોરારજી દેસાઇ, એસ. નિજલિંગપ્પા અશોક મહેતા વગેરે સહિતના ધુરંધર નેતાઓની જેમ કોંગ્રેસ સિંડીકેટમાં નથી કે વી.પી. સિંહની જેમ માર્ગ કાઢવાની તેમની તાકાત નથી. તેનું પરિણામ નિષ્ફળતામાં કે આંશિક સફળતામાં આવ્યું એ વાત અલગ છે. કોરોનાની મહામારીએ કોંગ્રેસની નેતાગીરી અને આઝાદ સહિતના બળવાખોરોને પલાયન થવાનો માર્ગ આપ્યો છે. તા. ૧૦ મી મે, ૨૦૨૧ ના રોજ મળેલી કોંગ્રેસ કારોબારી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની જ હતી અને ચૂંટણી પાછી ઠેલાઇ અને બળવાખોરો સહિતના તમામ કારોબારી સભ્યો ખાઇ-પી ને છૂટા પડયા. આઝાદ જેવા પીઢ નેતા પણ ચૂં કે ચાં કરી શકયા નહીં. ભલે સોનિયાએ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની પોતાની ખુશી દર્શાવી.

હકીકત એ છે કે બળવાખોરોને કોંગ્રેસમાંથી જ ઝાઝો ટેકો નથી; ભલે ભારતીય જનતા પક્ષની છાવણીમાં આનંદ ફેલાઇ ગયો હોય. બળવાખોરોમાં પણ તડા પડી ગયા હતા એટલે તેઓ ભાગવાના રસ્તા શોધતા હતા. કોરોનાએ તેમને મદદ કરી અને આઝાદે પણ તલવાર ઉગામી હતી તે નીચી કરી દીધી છે. જૂન ૨૦૨૧ માં ચૂંટણી કરવાની કોંગ્રેસ કારોબારીની તૈયારી બળવાખોરોને નહીં ફાવે કારણકે તેમને કોરોના કાળમાં પોતાના ઉમેદવારના પ્રચાર માટે આખા દેશમાં ભમવાનું પાલવે તેમ નથી. સોનિયાએ બાજી મારી લીધી અને તેમનો હાથ ઉપર રહ્યો. કોંગ્રેસનો બળવો હજી પૂરો થયો નથી પણ તેનાથી ભારતીય જનતા પક્ષને ‘કોંગ્રેસ મુકત ભારત’ની ઝુંબેશને થોડો ટેકો મળ્યો છે પણ તેનાથી કોંગ્રેસની નેતાગીરીએ આત્મસંતોષ માની અનિર્ણાયકતાના બંદી બની રહેવાનું જરૂરી નથી.

કોંગ્રેસે આ ઘટના પ્રવાહને અવસર માની સૌ પ્રથમ તો સંગઠનની ચૂંટણી સૌથી પહેલી અનુકૂળતાએ યોજવી જોઇએ અને સ્થાપિતહિતોને કેન્દ્ર તેમજ રાજય સ્તરે પારખી તેમને કોરાણે મૂકી નવી પેઢીને તક આપવી જોઇએ અને જૂના જોગીઓને ગુરુપદે બેસાડવા જોઇએ અને જે નહીં માને તેમને ઘેર બેસાડી દેવા જોઇએ – ચૂંટણી હોય કે નહીં. ખાસ કરીને જૂના જોગીઓને સત્તા / જવાબદારી જોઇતી હતી પણ ઉત્તરદાયિત્વથી ભાગતા હતા. કારણ કે કોણે શું કામગીરી કરી તે માપવાની કોઇ પધ્ધતિ જ ન હતી. દરેકને લાગે કે મારા વગર ચાલવાનું નથી અને તેને પરિણામે બળવો થયો અને પક્ષની ‘જૈસે થે’ વૃત્તિએ કેટલાકની દાદાગીરી વધારી દીધી અને નવા નેતા પેદા જ નહીં થવા દીધા. હવે તો કોંગ્રેસ માટે કંઇક કરી બતાવો યા ખતમ થઇ જાવ’ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આઝાદ આણિ મંડળીનો આશય ગમે તે હોય, પણ તેમણે પક્ષને વીજળીનો આંચકો આપી જગાડયો છે. અત્યારે સંધિની પરિસ્થિતિ છે તેનો અર્થ એ નથી કે તેમને જવા દેવામાં આવે, નહીં તો તેઓ બમણા જોશથી ભવિષ્યમાં ત્રાટકશે. બળવાખોરોને ફાંસીએ નહીં ચડાવાય તો કંઇ નહીં, પણ તેઓ બીજી વાર આવું કરતાં પહેલાં સો વાર વિચાર કરશે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top