Comments

કોંગ્રેસ પોતાનું રાજકીય અસ્તિત્વ સાબિત કરે!

ભારતના રાજકીય ફલક પર કોંગ્રેસ પોતે માને છે તેના કરતાં પણ તેનું વજૂદ વધારે ઘસાઈ રહ્યું છે. આપણે શાસિત રાજ્યોની સંખ્યા અને વિધાનસભા કે લોકસભામાં જીતેલી બેઠકોને આધારે રાજકીય પક્ષોનું અસ્તિત્વ અને મહત્ત્વ સ્વીકારવાના ગણિતને માનતા નથી. દેશની લોકસભાની ચૂંટણીમાં 30%થી વધારે મત મેળવતી પાર્ટીનું પ્રજાના આંતર પ્રવાહોમાં અસ્તિત્વ છે જ. કોંગ્રેસ પોતે પોતાની શક્તિ સમજે કે ન સમજે, ભારતીય જનતા પાર્ટી તો સમજે જ છે. માટે જ લોક સભામાં માત્ર પચાસ બેઠકોની આજુબાજુ આવી ગયેલી પાર્ટી કે ઘણાં રાજ્યોમાં ત્રીજા નંબરે ચાલતી પાર્ટી હોવા છતાં ભાજપ હંમેશા રાજકીય પ્રહારો કોંગ્રેસ પર જ કરે છે.

Congress's Absent Support for Muslims, Political Prisoners Could Cost India

ભારતીય જનતા પાર્ટી રાજ્યસ્તરે કામ કરે છે. હાલ સત્તામાં છે માટે તેની સ્વીકૃતિ પણ વધારે છે. પણ સાથે સાથે તે જાણે છે કે થોડી ચૂક થઈ તો રાષ્ટ્રિય સ્તરે સામનો કરે તેવી એક માત્ર પાર્ટી કોંગ્રેસ જ છે. મમતા બેનર્જી માત્ર બંગાળમાં છે. શિવસેના માત્ર મહારાષ્ટ્રમાં છે. કેજરીવાલ દિલ્હીમાં છે અને પંજાબ તથા ગુજરાતમાં તે કોંગ્રેસના સ્થાને બીજો નંબર લેવા પ્રયાસ કરે છે. દક્ષિણના કોઈ પ્રાદેશિક પક્ષો ઉત્તરમાં જવા જ નથી માંગતા, માટે જ ભલે કોંગ્રેસ સતત હારે, તેની બેઠકો ઘટતી જાય, પણ રાષ્ટ્રિય સ્પર્ધા તો કોંગ્રેસ જ પૂરી પાડે! વળી, રાજકીય ઈતિહાસના અનુભવમાં જોવા મળે છે કે ભાજપ માત્ર બે સીટ સાથે લોકસભામાં પ્રતિનિધિત્વ કરતું હતું.

અનેક રાજ્યોમાં તે સત્તામાં આવશે કે કેમ તે પણ ઘણાને શંકા હતી. પણ આજે! શ્રી નરેન્દ્ર મોદી જેવા લડાયક નેતાએ તમામ રાજકીય ગણિતો બદલી નાખ્યાં. સો ટકા ભાજપની વર્તમાન સફળતામાં શ્રી નરેન્દ્ર મોદીનું રાજકીય નેતૃત્વ જવાબદાર છે જ, પણ તેની રાષ્ટ્રિય કક્ષાએ ભૂમિ તો જનસંઘ વખતથી તૈયાર હતી. પ્રજાના અંતર પ્રવાહોમાં ભાજપ જીવતો હતો. નરેન્દ્ર મોદીના આવવાથી તે વોટમાં પરિવર્તિત થયું અને ભાજપ સત્તામાં આવી. કોંગ્રેસમાં જે દિવસે રાષ્ટ્રિય ફલક પર લડાયક બની શકે તેવો નેતા ચાલશે ત્યારે કોંગ્રેસ ફરી સત્તાના આંકડા બદલશે! એવું નથી કે પ્રજામાં અસંતોષ નથી. મુદ્દો છે એ અસંતોષને જાહેર જીવનમાં સતત જાગતો રાખવો પડે! કોંગ્રેસે સત્તામાં હતી ત્યારે તો ભૂલો કરી જ છે, પણ વિપક્ષમાં છે ત્યારે પણ ભૂલો દોહરાવ્યા જ કરે છે. ‘‘કોગ્રેસ દરેક વાતનો વિરોધ કરે છે’’ ‘‘કોગ્રેસ વિકાસકાર્યોમાં રોડાં નાખે છે’’ ‘‘કોંગ્રેસ અમને કામ કરવા દેતી નથી’’ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પર સતત પ્રહાર કરે છે. ક્યારેક તો કોંગ્રેસના નેતાઓને નવાઈ લાગતી હશે કે ‘‘હેં! આપણે આટલો વિરોધ ક્યારે કર્યો?’’

સત્તાનાં તમામ સમીકરણો ભાજપની તરફેણમાં હોવા છતાં તે ચૂંટણીમાં જીત મેળવવા માટે જે આયોજન કરે છે. જે રીતે મુદ્દાઓ ઊભા કરે છે એના દસમા ભાગની સક્રિયતા પણ કોંગ્રેસ ઊભી કરી શકતી નથી. આજે ભારતીય ચૂંટણીને ઈજારાયુક્ત હરીફાઈનું બજાર બનાવી માર્કેટીંગ મેનેજમેન્ટના નામે રૂપિયા પડાવનાર કાલ્પનિક વ્યૂહરચનાકારો પણ કોંગ્રેસને પડકારી રહ્યો છે. કોંગ્રેસે આ ચેલેન્જ ઉપાડવી જોઈએ અથવા રાષ્ટ્રિય પક્ષ તરીકે પ્રજાને રાષ્ટ્રિય વિકલ્પ પૂરા પાડવાના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. આજે હકીકત એ છે કે કોંગ્રેસની તરફેણ કરનારા સામાન્ય નાગરિકો અને ભાજપનો વિરોધ કરનારા કર્મશીલોને ભાજપ કરતાં કોંગ્રેસની નિષ્ક્રિયતા પર વધારે ગુસ્સો આવે છે.

વિપક્ષનું પદ એ રાષ્ટ્રિય જવાબદારી છે અને આ પદ ન સંભાળી શકો તો અનેક નાના નાના પક્ષો, નેતા વગરનાં આંદોલનો, વિચારધારા વગરના વ્યક્તિલક્ષી પક્ષો મોટા થવા લાગે! કોંગ્રેસ હંમેશા ફરિયાદ કરે છે કે ‘આપ’ એ ભાજપ જ વોટ તોડવા ઉતારે છે. ઓવૈસીની પાર્ટીને ભાજપ જ મોટી કરે છે. જ્યાં વજૂદ જ નથી એવાં રાજ્યોમાં સપા, બસપા પણ ઉમેદવાર ઉભા રાખે છે તેમાં પાછલા બારણે ભાજપનો જ હાથ હોય છે! કોંગ્રેસ આ ફરિયાદ કરે છે ત્ચારે એટલું જ કહેવાનું મન થાય છે કે આ બધા જ નાના નાના પક્ષો ઊભા કેમ થયા! જો બધું જ ભાજપ જ કરે છે તો કોંગ્રેસ શું કરે છે?   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top