અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ (AICC)અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના આદેશ અનુસાર “વોટ ચોર ગાદી છોડ” મુદ્દે વિશાળ ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરસતા વરસાદમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરાછાના માનગઢ ચોક ખાતે સરદાર પ્રતિમની સામે સવારે 11.30 થી 1 કલાક સુધી કોંગ્રેસના નેતાઓએ નારેબાજી કરી હતી. જેમાં ભાજપ સરકાર સામે દેખાવો યોજવામાં આવ્યાં હતાં.
લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા રાહુલ ગાંધી દ્વારા ચુંટણી પંચ વિરૂદ્ધ વોટ ચોર અભિયાન શરૂ કરવામાં આવ્યા બાદ દેશભરમાં ભારે ચર્ચાનો દૌર શરૂ થયો છે. લોકસભાની ચુંટણી દરમિયાન ચુંટણી પંચની સંદિગ્ધ ભૂમિકાને પગલે એક જ વિધાનસભા બેઠક પર એક લાખથી વધુ બોગસ મતદારોનો વધારો થયો હોવાના રાહુલ ગાંધીનાં આક્ષેપને પગલે રાજકારણમાં પણ હોબાળો મચી જવા પામ્યો છે. જેને પગલે આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પણ વરાછામાં વોટ ચોર ગાદી છોડનાં સૂત્રોચ્ચાર સાથે ધરણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
લોકસભાની ચુંટણી દરમિયાન મોટા પાયે બોગસ વોટિંગનાં આક્ષેપ સાથે થોડા સમય પૂર્વે જ રાહુલ ગાંધી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરીને ચુંટણી પંચની સંદિગ્ધ ભૂમિકા અંગે ચિતાર રજુ કર્યો હતો. ચુંટણી પંચની રહેમનજર હેઠળ ભારતીય જનતા પાર્ટીને લાભ કરાવવા માટે મોટા પાયે બોગસ વોટિંગ સહિતનાં આક્ષેપોને પગલે નાછૂટકે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર મુદે લુલો બચાવ કરવામાં આવ્યો હતો.
અલબત્ત, આ સમગ્ર પ્રકરણને કારણે રાજકારણમાં ગરમાટો આવ્યો છે અને બિહારમાં આગામી વિધાનસભાની ચુંટણીને પગલે રાહુલ ગાંધી દ્વારા ઠેરઠેર આ સંદર્ભે રોડ શો અને જાહેર સભાઓ પણ કરવામાં આવી રહી છે. વોટ ચોર ગાદી છોડના નારા સાથે રાહુલ ગાંધીના સમર્થનમાં આજે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો-કાર્યકર દ્વારા વરાછા ખાતે માનગઢ ચોક ખાતે ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.