વડોદરા : અસહ્ય મોંઘવારીના વધતા જતા વ્યાપ વચ્ચે પીસાઈ રહેલી જનતા વધુને વધુ મોંઘવારીના ખપ્પરમાં હોમાવા પામી છે.ત્યારે મોંઘવારીના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા દાંડિયાબજાર અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે મોંઘવારી રૂપી રાક્ષસના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વિરોધપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પ્રવક્તા અમિત ઘોટીકર, ઓબીસી પ્રમુખ રાજેશ પટની, મહામંત્રી રાજેશ બાદશાહ, વિક્રમ શાહ સાહિગ 50 જેટલા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોએ દાંડિયાબજાર અકોટા બ્રિજ ચારરસ્તા પાસે મોંઘવારી અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
સાથે શહેર યુવા કોંગ્રેસના મિતેષ ઠાકોર, દેવાંગ ઠાકોર, ચિરાગ શાહ અને ફાલ્ગુન ભાઈ દ્વારા મોંઘવારીના પૂતળાનું દહન કર્યું હતું. જેને લઈ પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. તાજેતરમાં દૂધમાં લિટરે 2 રૂપિયાના ભાવવધારાથી પ્રજાને કળ વળી નથી.ત્યાં જ ઓઇલ કંપનીઓએ રાંધણ ગેસના સબસિડી વિનાના સિલિન્ડરમાં 25.50 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. એ જ રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ 7 રૂપિયાનો વધારો કરાયો છે.
મોટા ભાગના રાજ્યોમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવ 900 રૂપિયાને વટાવી ગયા છે. આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં રાંધણ ગેસના સિલિન્ડરમાં 240 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ આ વર્ષે અત્યાર સુધીમાં 31 રૂપિયા વધારો થયો છે.દેશના ઘણાં રાજ્યોમાં પેટ્રોલના ભાવ સો રૂપિયાને વટાવી ગયા છે.એ ઉપરાંત રોજબરોજની જીવનપયોગી ચીજવસ્તુઓના ભાવ પણ આભને આંબી રહ્યાં છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 6 મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ જે બેફામ રીતે વધી રહ્યાં છે.એનાથી પ્રજાની કમ્મર ભાંગી ગઇ છે.
પરંતુ મોદી સરકાર એ તરફ સાવ બેધ્યાન છે.કોરોના વાઇરસ ત્રાટક્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.ખાસ કરીને આર્થિક મુસીબતોનો પાર નથી. એવામાં અસહ્ય મોંઘવારી પડતાને માથે પાટા સમાન છે.મોંઘવારીનો માર સહન કરતો મધ્યમવર્ગ અને નિમ્ન વર્ગનો મોટો ભાગ સબસિડી વગરના ગેસ સિલિન્ડરો વપરાશમાં લે છે. ડીઝલ મોંઘુ થવાના કારણે માલસામાનનું પરિવહન મોંઘું થાય છે અને પરિણામે રોજબરોજના ઉપયોગની તમામ ચીજવસ્તુઓ મોંઘી થઇ જાય છે. પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વધેલા ભાવને લઇને લોકોમાં નિરાશાનો માહોલ છે. કોરોના મહામારીના આ દોરમાં લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે.ત્યારે રાંધણ ગેસ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ભડકાએ લોકોની હાલાકીમાં ભારે વધારો કર્યો છે.કોરોનાકાળમાં લાખો લોકોએ રોજગાર ગુમાવ્યો છે.