રાજકોટ : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 નિર્દોષોના મોત થયા છે. આ મામલામાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો કેસ દાખલ કરી સરકારની ઝાટકણી કાઢી છે, ત્યારે હવે કોંગ્રેસે પણ આ મામલામાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. આજે રાજકોટમાં ગેનીબેનની આગેવાનીમાં કોંગ્રેસે રાજકોટ પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે આજે તા. 15 જૂન, 2024ના રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટના બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર ઉપરાંત અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા સહિતના નેતા વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માગ સાથે પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ગેનીબેને આક્ષેપ કર્યો કે ઘટનાને પંદર દિવસથી વધુ વીતી ગયા હોવા છતાં સરકાર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જવાબદાર મોટી માછલીઓને બચાવવાનો ખેલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની દુર્ઘટનાઓ સૌથી વધુ ગુજરાતમાં બને છે. કારણ કે ગુજરાતનું તંત્ર ભ્રષ્ટ્રાચારી છે. આ સાથે કોંગ્રેસે સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલવાની માંગણી કરી છે. તેમ જ ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની તૈયારી દર્શાવી છે.
ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, દુર્ઘટનાનો ભોગ બનેલા પીડિતોના પરિવારજનોને રૂબરૂ મળી તેમની વ્યથા, વેદના સાંભળી છે. દુર્ઘટનાના સાચા જવાબદારો સામે કાર્યવાહીની માંગણી તેઓ કરી રહ્યાં છે. પોલીસ નાના કર્મચારીઓને પકડી વાહવાહી લૂંટવા પ્રયાસ કરે છે, તે ચાલશે નહીં. જ્યાં સુધી પીડીતોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ લડત આપશે.
ચક્કાજામ બાદ પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી, 25મીએ રાજકોટ બંધની ચીમકી
રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકરો પોલીસ કમિશનર કચેરી તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તા પર ચક્કાજામ થઈ ગયો હતો. કોંગ્રેસીઓ એસટી બસ પર ચઢી ગયા હતા. પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. દરમિયાન કોંગ્રેસે 25 જૂને રાજકોટ બંધની ચીમકી ઉચ્ચારી છે.
શું બની હતી ઘટના?
ગઈ તા. 25 મે શનિવારની સાંજે રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા હતા. મૃતદેહ એટલા બળી ગયા હતા કે ડીએનએ ટેસ્ટ કરી ઓળખ કરવી પડી હતી.