નવી દિલ્હી: સોમવારે ફરી સંસદમાં (Parliament) હંગામો થયો હતો. અદાણી ગ્રુપ (Adani Group) મામલે વિપક્ષ દ્વારા સંસદમાં ભારે હંગામો મચાવવામાં આવ્યો હતો. જેના કારણે લોકસભા (Loksabha) અને રાજ્યસભા (Rajaysabha) ગૃહની કાર્યવાહી બપોર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે, કોંગ્રેસ (Congress) દેશભરમાં વિરોધ પ્રદર્શન (Protest) કરી રહી છે. વિપક્ષનું કહેવું છે કે અદાણી સિવાયનો કોઈ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે નહીં.
અદાણી-હિંડનબર્ગ કેસને લઈને કોંગ્રેસ આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કામદારોએ દેશભરમાં એલઆઈસી અને એસબીઆઈની ઓફિસો સામે એકઠા થઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ વિપક્ષી સાંસદો સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે એકઠા થયા છે. અગાઉ સંસદમાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ચેમ્બરમાં, વિરોધ પક્ષો અદાણી-હિંડનબર્ગ અને અન્ય મુદ્દાઓ પર વ્યૂહરચના બનાવવા માટે તેમને મળ્યા હતા. જ્યાં કોંગ્રેસ, DMK, NCP, BRS, JD(U), SP, CPM, CPI, કેરળ કોંગ્રેસ (જોસ મણિ), JMM, RLD, RSP, AAP, IUML, RJD અને શિવસેના સામેલ હતા.
અદાણી કેસ પર કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) તપાસ ઈચ્છીએ છીએ, સરકાર બધું છુપાવવા માંગે છે. સરકારના રહસ્યનો પર્દાફાશ થયો છે. સંસદમાં ભારે હોબાળો થતા લોકસભા અને રાજ્યસભના ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે.
ચેન્નઈમાં પ્રદર્શન
કોંગ્રેસ અદાણી સ્ટોક ક્રેશ મામલે ચેન્નાઈમાં એલઆઈસી ઓફિસની બહાર વિરોધ કરી રહી છે. આ સાથે જ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા એસબીઆઈ કાર્યલયની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
સપાના સાંસદ રામગોપાલ યાદવે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે અદાણીના એસબીઆઈ અને એલઆઈસી દ્વારા ખરીદાયેલા શેરની તપાસ જેપીસી દ્વારા થવી જોઈએ. આ પૈસા શા માટે, કઈ શરતો પર આપવામાં આવ્યા? આ અંગે તપાસ થવી જરૂરી છે. તેમના પર કોનું દબાણ હતું? જ્યાં સુધી જેપીસી દ્વારા તપાસ નહીં થાય ત્યાં સુધી ખબર નહીં પડે, તેથી તપાસ થવી જોઈએ.
બેઠક બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “અમે જે નોટિસ (267) આપી છે તેના પર ચર્ચા થવી જોઈએ કારણ કે તે રાષ્ટ્રપતિના સંબોધનથી અલગ વિષય છે. અમે ઈચ્છીએ છીએ કે પહેલા તેની ચર્ચા કરવામાં આવે.” અમે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ સમગ્ર દેશમાં જે ગડબડ થઈ રહી છે તેના પર પીએમએ જવાબ આપવો જોઈએ.