National

રાહુલ ગાંધીની સજા મામલે વિપક્ષો થયા એકજૂથ, કોંગ્રેસે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો

નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) માનહાનિ કેસમાં (Defamation cases) સુરતની કોર્ટે (Surat Court) દોષિત ઠેરવીને બે વર્ષની સજા સંભળાવી છે. જેના કારણે કોંગ્રેસ તેમજ વિપક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ ચુકાદા સામે કોંગ્રેસે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે રાહુલ ગાંધીને માત્ર હેરાન કરવામાં આવી રહ્યા છે. આના વિરોધમાં કોંગ્રેસ અને વિપક્ષોએ એકજૂથ થઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું છે. જેને લઈને તમામ વિપક્ષો એકજૂથ થઈ સરકાર સામે સ્ટ્રેટેજી ઘડશે. આ પહેલા તેઓ કૂચ કરશે અને પાર્લામેન્ટમાં મિટિંગ કરશે. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને ગુરુવારે રાત્રે મિટિંગ મળી હતી, જેમાં 50 સાંસદો, કોંગ્રેસ સ્ટેરિંગ કમિટિના સભ્યો, દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા.

કોંગ્રેસે માનહાની કેસમાં સુરતની કોર્ટ દ્વારા રાહુલ ગાંધીની બે વર્ષની જેલની સજા અંગે કાનૂની લડત ચલાવવા ઉપરાંત વિરોધ પક્ષોને એક સાથે લાવવા અને તેને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવા માટે જાહેરમાં જવાનું નક્કી કર્યું છે. રાહુલ ગાંધીની સજાના વિરોધમાં કોંગ્રેસે પણ અન્ય પક્ષો સાથે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે તેમજ બીજી તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ કોર્ટના નિર્ણય પછી તરત જ જન આંદોલનની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે આ કેસને માત્ર કાયદાકીય રીતે જ નહીં પરંતુ રાજકીય રીતે પણ લડશે.

આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે 23 માર્ચ તેમના નિવાસસ્થાને પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે શુક્રવારે સવારે 11.30 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે વિજય ચોકમાં જઈશું. અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે. સવારે 10 વાગ્યે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સાથે બેઠક કરશે. સોમવારે દિલ્હી અને વિવિધ રાજ્યોમાં દેખાવો કરવામાં આવશે.

મોદી સરકાર પર આરોપ
તેમણે કહ્યું, “મોદી સરકાર વેર અને ઉત્પીડનની રાજનીતિ કરી રહી છે. ગુરુવારે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં લગભગ 50 સાંસદો હાજર હતા.” જયરામ રમેશે કહ્યું, “આ માત્ર કાનૂની મુદ્દો નથી, તે એક ગંભીર રાજકીય મુદ્દો છે જે લોકશાહી સાથે જોડાયેલો છે. મોદી સરકાર દ્વારા ધમકીઓ અને હેરાનગતિની રાજનીતિનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. અમે કાયદાકીય રીતે તેની સામે લડીશું. આ પણ એક રાજકીય હરીફાઈ છે, અમે તેનાથી ડરવાના નથી. તે જ સમયે, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી અદાણી મુદ્દે બોલ્યા હતા, તેથી સરકાર રાહુલ ગાંધીને ચૂપ કરવા માટે દરેક સંભવિત માર્ગ શોધી રહી છે, પરંતુ રાહુલ ગાંધી કે કોંગ્રેસ પાર્ટી ચૂપ રહેશે નહીં.

કોંગ્રેસ નિર્ણયને પડકારવા તૈયાર છે
આ દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટીના નેતાઓએ ચર્ચા કરી હતી કે સુરત કોર્ટના નિર્ણયને પડકારવા અને ઉચ્ચ અદાલતમાંથી સ્ટે આપવા માટે તાત્કાલિક ઉપાયાત્મક પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે આ આદેશને પડકારતી અરજી તૈયાર કરવામાં આવી રહી છે અને તેને જિલ્લા અને સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવશે.

વિપક્ષી પાર્ટીઓનું પણ સમર્થન, કેજરીવાલે શું કહ્યું?
આ મામલે કોંગ્રેસને વિપક્ષી પાર્ટીઓનું સમર્થન પણ મળ્યું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, બિન-ભાજપ નેતાઓ અને પક્ષો પર કાર્યવાહી કરીને તેમને ખતમ કરવાનું ષડયંત્ર છે. કોંગ્રેસ સાથે અમારો મતભેદ છે, પરંતુ રાહુલ ગાંધીને આ રીતે માનહાનિના કેસમાં ફસાવી યોગ્ય નથી. પ્રશ્નો પૂછવાનું કામ જનતા અને વિપક્ષનું છે. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ પરંતુ નિર્ણય સાથે અસંમત છીએ.

CM સ્ટાલિને શું કહ્યું?
તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને કહ્યું કે તેમણે ‘ભાઈ’ રાહુલ ગાંધી સાથે વાત કરી. તેમણે ભાજપ પર લોકતાંત્રિક અધિકારોનું દમન કરવાનો આરોપ લગાવ્યો. એક ટ્વીટમાં સ્ટાલિને કહ્યું, “તે ખૂબ જ નિંદનીય અને અભૂતપૂર્વ છે કે રાહુલ ગાંધી જેવા નેતાને એવી ટિપ્પણી માટે દોષી ઠેરવવામાં આવે છે જે તેમણે પોતે કહ્યું હતું કે તે નિંદા કરવા માટે નથી.”

અખિલેશ યાદવે ભાજપ પર નિશાન સાધ્યું
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યું કે, દેશની બદનામી, જનતાની બદનામી, સૌહાર્દની બદનામી, બંધારણની બદનામી, અર્થવ્યવસ્થાની બદનામી. ભાજપ પર ન જાણે કેટલા પ્રકારના માનહાનિના કેસ કરવા જોઈએ. કોઈપણ કારણ વગર વિપક્ષને મુકદ્દમામાં ફસાવીને પોતાનું રાજકીય ભવિષ્ય સુરક્ષિત કરનાર ભાજપ વિપક્ષની શક્તિથી ડરી ગયો.

Most Popular

To Top