અંકલેશ્વર: (Ankleshwar) કોંગ્રેસના દિવંગત વરિષ્ઠ નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલની (Ahmed Patel) દીકરી મુમતાઝ પટેલે (Mumtaz Patel) યોગ્ય સમય અને પ્લેટફોર્મ મળે તો પિતાના પરોપકાર સિવાય બીજા વારસા એવા સક્રિય રાજનીતિમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. હાલમાં કાર્યકારી પ્રમુખ કદીર પીરઝાદાના (Kadir Pirzada) પાટીદારો વિરુદ્ધના નિવેદન પર સ્ટેન્ડ લેતા, મુમતાઝ પટેલે ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસ પક્ષ તમામ સમુદાયો અને ધર્મોમાં વિશ્વાસ ધરાવે છે. તેના નેતૃત્વએ હંમેશા તમામ સમુદાયોનું સન્માન કર્યું છે. નેતૃત્વ એ ભૂલવું જોઈએ નહીં કે પાટીદારો સમાજનો એક ભાગ છે, લોકોને કોંગ્રેસ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ અને આશા છે.
જ્યારે બીજું ટ્વીટ કર્યું હતું કે, હું ભરૂચ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ નિખિલ શાહને મુક્ત કરવાની અપીલ કરું છું, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સામે વિરોધ પ્રદર્શન કરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી. સ્વ. અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટલેને રાજનીતિમાં જોડાવા અંગે મીડિયાએ પૂછેલા સવાલમાં તેમણે જણાવ્યું હતું કે, લોકોએ મારી ટ્વીટનો ઉષ્મા અને આદર સાથે પ્રતિભાવ આપ્યો છે. અને આવો પ્રતિભાવ મને રાજકારણમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. હું સમુદાય અને રાષ્ટ્રીય નિર્માણનો ભાગ બનવા ઈચ્છું છું. મને લાગે છે કે મારો જન્મ તેના માટે થયો છે. હું સક્રિય રાજકારણમાં જોડાવા માટે યોગ્ય સમય અને પ્લેટફોર્મની રાહ જોઈ રહી છું.
જોકે તેમણે રાજકીય પક્ષમાં સીધા જોડાતા પહેલા પોતાના માટે મેદાન બનાવવા માટે સમાન વિચારધારા ધરાવતા લોકો સાથે વાત કરવાનું પણ શરૂ કર્યું છે. પિતા અહેમદ પટેલે પાછળ છોડેલા પરોપકારી વારસાને તે પ્રથમ પ્રાથમિકતા આપવા માંગે છે. હું મહિલાઓ અને યુવાનો સાથે કામ કરવાની ઈચ્છા રાખું છું અને અહીંથી જ હું શરૂઆત કરવા ઈચ્છું છું: મુમતાઝ પટેલ હું મહિલાઓ અને યુવાનો સાથે કામ કરવાની ઈચ્છા રાખું છું અને અહીંથી જ હું શરૂઆત કરવા ઈચ્છું છું. હું મારા હોમ ગ્રાઉન્ડ ભરૂચમાં સમાન વિચારધારાના લોકો સાથે ધીમે ધીમે લોકોની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરી રહી છું, જે આગળ જતાં રાજ્યભરમાં અમારી પાંખો ફેલાવશે. મુમતાઝ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈના માટે પ્રચાર કરવાની તેમની કોઈ યોજના નથી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ જે તે સમયે સ્વ. અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે તેઓ પિતાના સેવા કાર્યોને જ આગળ વધારવામાં કાર્યરત રહેવાનું જણાવી રાજકારણમાં પ્રવેશ અંગે અસ્પષ્ટતા જ વ્યક્ત કરી હતી. જોકે પુત્રી મુમતાઝ પટેલ પિતાના પરોપકારી સમાજ સેવાના વારસા સાથે રાજનીતિના વારસાની કમાન આગામી સમયમાં સંભાળે તેવા ઉજળા સંજોગો દેખાઈ રહ્યા છે.