ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામોથી કોંગ્રેસનું અભૂતપૂર્વ રીતે ધોવાણ થયું છે. સૌથી જૂનો પક્ષ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી આત્મચિંતન જ કરે છે..! ખાટલે મોટી ખોડ કઈ છે તે હજી શીર્ષ નેતાઓ શોધી શક્યા નથી અથવા જાણે છે છતાં આંખ-કાન બંધ કરી દીધા છે.
માત્ર સત્તાપક્ષ કે તેના નેતાની રોજ ટીકા કર્યા કરવાથી પોતાના પક્ષે રહેલી ખામીઓ અને નબળાઈઓ દૂર થતી નથી. વારંવારના અનુભવો પછી પણ સંગઠનમાં મજબૂતાઈ ન આવે, પોતાની વાત પર પ્રજાને વિશ્વાસ ન પડે અથવા સત્તા પક્ષના બુથ લેવલ સુધીના ઝીણવટભર્યા અને સટીક આયોજન પરથી પણ વર્ષો સુધી કોઈ બોધપાઠ ન લેનાર પક્ષ હારને લાયક જ છે એવું કહી શકાય. નહેરુજી કે ઈન્દિરાજીના સમયમાં જે પક્ષ દેશ પર વટથી રાજ કરતો હતો તેનું દુર્ભાગ્ય તો એ છે કે તે વિરોધ પક્ષમાં બેસવા જેટલી લાયકાત પણ ધરાવતો નથી..!
કેન્દ્રના કેટલાક સિનિયર નેતાઓએ પક્ષના નેતૃત્વ અને નીતિઓ સામે એકી અવાજે જે નારાજગી વ્યક્ત કરી છે તેને ધ્યાનમાં લઈ માતા-પુત્રની જોડી નક્કર આયોજન સાથે સ્થિતિમાં બદલાવ નહીં લાવશે તો પરિસ્થિતિમાં કોઈ સુધારો થવાનો નથી.
સામેના પક્ષની ટીકાઓ કરી પોતાની મર્યાદાઓ ઢાંકવાની વ્યર્થ કોશિશ નિશ્ફળતા અને નિરાશા સિવાય શું આપી શકે ? દરેક ચૂંટણી પછી ભીતર ઝાંખવાની અને જાગવાની માત્ર વાતો કરવાને બદલે કોંગ્રેસ સાચા અર્થમાં જાગી જાય તો કમ સે કમ લોકશાહીમાં જરૂરી એવા મજબૂત વિરોધ પક્ષની ભૂમિકા તો ભજવી શકે.!
સુરત -સુનીલ શાહ ~– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.