અમદાવાદ : મોરબી (Morbi) દુર્ઘટના અંગે રાજ્ય સરકારે તાત્કાલિક સીટની રચના કરી તપાસના આદેશો આપ્યા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી બનેલી ચાર જેટલી મોટી દુર્ઘટનાઓમાં સીટની રચના થઈ તેનું શું થયું ? તેવો સવાલ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા તપાસ માટે રચવામાં આવતી સીટ ઉપર કોઈને ભરોસો નથી. જ્યાં સુધી વિરોધ પક્ષના નેતાની સાથે ચર્ચા કરી તેમને વિશ્વાસમાં સીટની રચના કરવામાં આવે તો જ ન્યાયિક તપાસ થઈ શકે બાકી સરકાર દ્વારા બનાવેલી સીટનો કોઇ અર્થ નથી, અને અનેક પ્રશ્નો ઊભા થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સુરતમાં બનેલી તક્ષશિલાની ઘટના, બોટાદની લઠ્ઠાકાંડની ઘટના, પેપર લીક કાંડ ઘટના, અને સચિન જીઆઈડીસીમાં ગેસની ઘટનામાં પણ સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી આ સીટની તપાસનું શું થયું?
સુરત જીઆઈડીસી ગેસ લીકની ધટનામાં ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. શું ડ્રાઈવરે ગેસલીક કર્યો ? જ્યારે મોરબીની ઘટનામાં ટીકીટ આપનાર સહિત સામન્ય લોકોને પડવામાં આવ્યા છે. મોટા જવાબદાર વ્યકિતઓ કોણ છે ? તેની સામે કેમ કોઈ પગલા લેવાતા નથી. ને સામાન્ય નાના માણસને પકડવામાં આવે છે.