નડિયાદ : ખેડા જિલ્લામાં ગતરોજ માતર, મહેમદાવાદ,ખેડા અને વસો તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ બાદ આજે બીજા દિવસે બાકી રહેલ નડિયાદ, ઠાસરા, મહુધા અને ગળતેશ્વર તા.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખોની ચૂંટણી યોજાઈ છે. ભાજપની સત્તા હોય ભાજપે જે રીતે મેન્ડેન્ટ જાહેર કર્યા તે મુજબ જ ચૂંટાયા છે. ઠાસરા, મહુધા તાલુકા પંચાયત બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપને 11 અને કોંગ્રેસને 7 મત મળ્યા છે. તો નડિયાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ બિનહરીફ આવ્યા છે તો ઉપપ્રમુખની પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના સભ્ય પ્રકાશ પરમારે ભાજપના ઉમેદવારને મત આપતાં રાજકીય ગરમાવો આવી ગયો હતો. આ ક્રોસ વોટિંગ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ઠાસરા
ઠાસરા તાલુકા પંચાયતમાં જોઈએ તો, 24 બેઠકો પૈકી 16 ભાજપ પાસે તો 6 કોંગ્રેસ તો 2 અપક્ષ પાસે છે. હાલની હોદ્દેદારોની ચૂંટણીમાં ભાજપે જે મેન્ડેટ આપ્યા છે તે મુજબ જ બીનહરીફ ચૂંટણી થઈ છે. જેમાં પ્રમુખ પદે ચંપાબેન ભૂપતસિંહ ડાભી, ઉપપ્રમુખ પદે ભરતભાઈ બચુભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે સુધાબેન દિનેશભાઈ પરમાર, પક્ષના નેતા તરીકે કૈલાશબેન રાજેશભાઈ ચાવડા અને દંડક તરીકે પારુલબેન મહેશભાઈ પરમારને ચૂંટયા છે.
મહુધા
મહુધા તાલુકા પંચાયતમાં 18 બેઠકો પૈકી ભારતીય જનતા પાર્ટી પાસે 12 જ્યારે કોંગ્રેસ પાસે 6 સભ્યો છે. મહુધા તાલુકા પંચાયતમાં ભાજપે જે મેન્ડેટ આપ્યા છે. તે મુજબ બિનહરીફ ચૂંટણી થઈ છે. જેમાં પ્રમુખ પદે દક્ષાબેન મુકેશભાઈ દરબાર, ઉપપ્રમુખ પદે લક્ષ્મણભાઈ રત્નાભાઇ સોઢા પરમાર, કારોબારી ચેરમેન પદે ઇલાબેન ભૂપતસિંહ ઝાલા, પક્ષના નેતા તરીકે ઉદેસિંહ બુધાભાઈ સોઢા અને દંડક તરીકે મનિષાબેન સંજયકુમાર બારૈયાને ચૂંટાયા છે.
ગળતેશ્વર
ગળતેશ્વર તાલુકા પંચાયતમાં 18 પૈકી 10 ભાજપ જ્યારે 7 કોંગ્રેસ અને એક અપક્ષ સભ્ય છે. ભાજપના મેન્ડેટ મુજબ પ્રમુખ પદે જયંતીભાઈ રણછોડભાઈ પરમાર, ઉપપ્રમુખ પદે કૃતિશકુમાર પી પટેલ, કારોબારી ચેરમેન કિરીટભાઈ અભયસિંહ પરમાર, પક્ષના નેતા તરીકે અમૃતાબેન રાજેન્દ્રભાઈ મકવાણા અને દંડક તરીકે શાંતીબેન શનાભાઇ નાયકને ચૂંટાયા છે. કોંગ્રેસના ઉમેદવાર મેદાને ઉતર્યા હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવાર વિજય બન્યાં નહતાં.
નડિયાદ
નડિયાદ તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી 17 ભારતીય જનતા પાર્ટી પાસે જ્યારે 8 કોંગ્રેસ પાસે અને એક અપક્ષ સભ્ય છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છતાં કોંગ્રેસના ઉમેદવારે ઉપપ્રમુખમાં દાવેદારી નોંધાવી હતી. જોકે, ભાજપમાંથી પ્રમુખ પદે મેઘાબેન અલ્પેશભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે શોભનાબેન નવીનભાઈ સોઢા પરમાર, કારોબારી ચેરમેનમાં નીતાબેન મહેશભાઈ રાઠોડ, પક્ષના નેતા તરીકે પ્રતીક જયંતીલાલ ચૌહાણ અને દંડક તરીકે ઈશ્વરભાઈ રાયસીંગભાઇ પરમારને ચૂંટાયા છે. આ ચૂંટણીમાં પ્રમુખ પદ બિનહરીફ આવ્યા છે. જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના શોભનાબેન સોઢા પરમારને 17 તો કોંગ્રેસના ઉપપ્રમુખ માટે દાવેદારી નોંધાવેલા ઈશ્વરભાઈ સોઢાને 6 મત મળતાં શોભનાબેન ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે.