ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાન સભા સત્રમાં (Assembly Budget session) ફરીવાર વિપક્ષનો હંગામો જોવા મળ્યો હતો. ખેડૂતોને વીજળી (electricity ) આપવાની માંગ સાથે કોંગ્રેસના (Congress) ધારાસભ્યોએ શર્ટ ઉતારી વિધાનસભામાં વિરોધ નોંધાવ્યો હતો. આ અગાઉ ગુજરાત સરકારે ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની જાહેરત કરી હતી અને ત્યાર બાદ મુખ્યમંત્રીએ પણ 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી. પરંતુ આ જાહેર બાદ વીજળી ન મળતી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના સભ્યોએ આજે વિધાનસભા પરિસરમાં નીચે બેસીને દેખાવ કર્યો હતો. વીજળી આપો, વીજળી આપોના સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસના ધારાસભ્યો પરિસરમાં બેસી ગયા હતા જ્યાં ધારાસભ્ય લલિત વસોયા અને વિમલ ચુડાસમાએ શર્ટ કાઢીને વિરોધ કર્યો હતો.
આજે ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને પુરતી વીજળી અપાતી નહીં હોવાના મુદ્દે આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું હતું કે સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે 3265 માગાવોટનો વધારો થયો છે પરંતુ સામાજિક આર્થિક સમિક્ષામાં રાજ્યમાં બે વર્ષમાં માત્ર 240 મેગાવોટનો વધારો થયો હોવાનું જણાવાયું છે. તેથી સરકાર સાચો જવાબ આપતી નથી. સાથે જ તેમણે કટાક્ષ કરતા સરકાર પર આક્ષેપો કર્યા હતા કે જો ક્ષમતા વધી હોય તો વીજળીની શોર્ટેજ કેવી રીતે થઇ, તમે ખેડૂતોને દિવસે વીજળી તો આપી શકતા નથી.
આ અગાઉ પણ 15 માર્ચે કોંગ્રેસે વિધાસસભામાં હોબાળો મચાવ્યો હતો
15 માર્ચે ગુજરાત વિધાનસભામાં ખેડૂતોને વીજળી આપોના સૂત્રો સાથે કોંગ્રેસના (Congress) ધારાસભ્યો ગૃહમાં હંગામો મચાવી વેલમાં ધસી આવ્યા હતા. અધ્યક્ષે ટકોર કરતા કોંગ્રેસના ધારાસભ્યો શાંત થયા હતા. વિપક્ષ દ્વારા ઉઠાવાયેલા બાદ રાજ્ય સરકારે આજથી ખેડૂતોને 8 કલાક વીજળી મળશે તેવી બાંહેધરી આપી હતી. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ દ્વારા સરકારને અલગ અલગ મુદ્દે ઘેરતી રહે છે.
ધારાસભ્ય શૈલેષ પરમારે સરકાર સમક્ષ વીજ ઉત્પાદનના આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે 240 મેગાવોટનો જ વધારો થયો છે, સરકાર ખેડૂતોને દિવસે વીજળી આપી શકતી નથી. જેને લઈને આજે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ખેડૂતોને મળતી વીજળી અંગે મહત્વનું નિવેદન આપ્યુ હતું. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. વધુમાં કૃષિમંત્રીએ કહ્યું કે અમારી આજે ઉર્જામંત્રી સાથે બેઠક મળી હતી જેમાં એવો નિર્ણય લેવાયો હતો કે આજથી જ ખેડૂતોને 8 કલાક વીજળી આપવા બાબતે અમલીકરણ કરવામાં આવશે.
અદાણી પાસેથી મોંઘી વીજળી ખરીદવાના મામલે કોંગ્રેસનો ગૃહમાં સૂત્રોચ્ચાર-હોબાળો
ગાંધીનગર: અસરકારે પોતાના વીજ મથકોની ક્ષમતા વધારવાના બદલે, અદાણી ઉદ્યોગ ગૃહ પાસેથી વીજળી ઊંચા ભાવે ખરીદીને તેને ફાયદો કરાવ્યો છે, તેવા આક્ષેપ સાથે વિપક્ષે બુધવારે ગુજરાત વિધાનસભામાં ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં ‘મોદી – અદાણી ભાઈ ભાઈ’ના સૂત્રો પોકાર્યા હતા. જેના પગલે ટ્રેઝરી બેન્ચ દ્વારા તેની સામે વાંધો લઈને કોંગ્રેના સભ્યો માફી માગે તેવી માંગ કરાઈ હતી. અલબત્ત, અધ્યક્ષ ડૉ નીમાબેન આચાર્યએ એવુ રૂલીંગ આપ્યું હતું કે, આવતીકાલે ગૃહની કાર્યવાહીનો રેકોર્ડ તપાસીને હું નિર્ણય આપીશ.
ભાજપના સિનિયર સભ્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાંધો ઉઠાવ્યો હતો, તે આ રીતે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી શકાય નહીં. ત્યારે કોંગ્રેસના સિનિયર સભ્ય પરેશ ધાનાણીએ વળતો એવો જવાબ આપ્યો હતો કે , મોદી પણ ગુજરાતી છે અને અદાણી પણ ગુજરાતી છે, એટલે બન્ને ગુજરાતી ભાઈઓ છે, તેવુ કહેવામાં કાંઈ ખોટુ નથી. ચુડાસમા તથા સત્તાધારી પાર્ટીના દંડક પંકજ દેસાઈએ એવી માંગ કરી હતી, કે સૂત્રોચ્ચારના મામલે માફી માંગવી જોઈએ. હવે આવતીકાલે અધ્યક્ષ આ મુદ્દે પોતાનો નિર્ણય જાહેર કરશે.
સિનિયર કેબિનેટ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે આ આપણે શેર ખરીદી કરીયે છીયે, તેમ છે. સરકારે અદાણી પાસેથી 25 વર્ષ માટે પ્રતિ યુનિટ દીઠ રૂા.2.89ના ભાવે વીજળી ખરીદી છે. ખાસ કરીને ઈન્ડોનેશિયાથી આવતા કોલસો મેંધો પડતા સરકારે વીજખરીદના કરારમાં ફેર કર્યો હતો. અલબત્ત, દેસાઈએ એવો કોઈ સ્પષ્ટ ખુલાસો કર્યો નહોતો કે સરકારે વીજ ખરીદી કરારમાં સુધારો કર્યા બાદ અદાણી ગ્રુપને કેટલી રકમ વધારાની ચૂંકવી. બીજી તરફ કોંગ્રેસના સભ્યો દ્વારા એવો આક્ષેપ કરાયો હતો કે સરકારે અદાણી ગૃહ પાસેથી 8916 કરોડની વીજળી ખરીદી છે.