ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યના મોટા ભાગના જિલ્લા, શહેર, તાલુકા, ગામડા અને ફળિયામાં દારૂ પીવાય છે. દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર જ છે તે સર્વવિદિત છે. રાજ્યમાં દારૂબંધી જ એક મોટો ધંધો બની ગયો છે. ઠેરઠેર બૂટલેગરોએ દેશી વિદેશી દારૂના અડ્ડા ખોલી રાખ્યા છે. જ્યાં જાહેરમાં દારૂ વેચાતો અને પીવાતો હોય છે. સુરત જિલ્લામાં આવા 538 બુટલેગરો છે જેઓ ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે. કોંગ્રેસના નેતાએ આ 538 બુટેલગરોની યાદી જાહેર કરી છે.
કોંગ્રેસના નેતા દર્શન નાયક દ્વારા સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બુટલેગરોની નામ, વિસ્તાર અને તેમની સામે નોંધાયેલા ગુનાઓની સંખ્યા સાથેની એક વિસ્તૃત યાદી તૈયાર કરવામાં આવી છે, જેને તેમણે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી ઈમેલ કરી છે.
દર્શન નાયકે RTI રપી બુટલેગરો અંગેની માહિતી મેળવી છે. સુરત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 538 સક્રિય બુટલેગરોની યાદી સામે આવી છે. યાદીમાં કામરેજ વિસ્તારમાં સૌથી વધુ 92 બુટલેગરો સક્રિય હોવાનું જણાયું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં પ્રોહિબિશન કાયદાનો ભંગ મોટા પાયે થઈ રહ્યો છે.
દર્શન નાયકે પોતાની રજૂઆતમાં કહ્યું કે, સુરત જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તાડી સહિતના નશાયુક્ત પદાર્થોના ઉત્પાદન, વેચાણ અને હેરફેર સામે તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી બંધ કરવા જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, સંલગ્ન બુટલેગરો સામે તાત્કાલિક પાસા અને તડીપાર સહિતની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે, ગેરકાયદેસર દારૂ અને તાડીના અડ્ડાઓ પર નિયમિત રેડ પાડવામાં આવે તથા દારૂ અને તાડીનાં હેરફેર કરતા વાહનો સામે રજીસ્ટ્રેશન રદ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આશ્વાસન પોલીસ તંત્ર પર વિશ્વાસ મૂકવા માટેનું એક મજબૂત પગલું હતું. જોકે, કોંગ્રેસ નેતા દર્શન નાયકની રજૂઆત સ્પષ્ટપણે દર્શાવે છે કે, ગેરકાયદેસર દારૂ, ગાંજો, ડ્રગ્સ અને તાડીનું ઉત્પાદન, વેચાણ તેમજ હેરફેર રોકવામાં પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સફળ નથી. કાયદામાં વર્ષ 2017માં સુધારો કરીને નશાબંધીના ગુના માટે 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ કરાઈ હોવા છતાં, જમીની સ્તરે પરિસ્થિતિ બદલાઈ નથી.
ક્યાં કેટલાં અડ્ડા આવેલા છે..?
સુરત જિલ્લામાં 538 બુટલેગરો છે તે પૈકી સૌથી વધુ કામરેજમાં 92 ત્યાર બાદ કડોદરામાં 71, પલસાણામાં 70, કોસંબામાં 67, બારડોલી ટાઉનમાં 46, બારડોલી રૂરલમાં 31, મહુવામાં 29, માંડવીમાં 21, માંગરોળમાં 19, ઓલપાડમાં 17, કીમમાં 10, ઉમરપાડામાં 8 અને ઝંખવાવમાં 7 દારૂના અડ્ડા આવેલા છે.