અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ (Election) નજીક આવી રહી છે, તેમ તમામ રાજકીય પાર્ટીઓ ચૂંટણીના એક્શન મોડમાં (Action Mode) આવી ગઈ છે. કોંગ્રેસ (Congress) પણ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇ પોતાની રણનીતિના ભાગરૂપે આગળ વધી રહી છે. આદિવાસી વોટબેંકને (Votebank) પોતાની તરફ આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા આવતીકાલે દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીનું આયોજન કરાયું છે. આ રેલીને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સંબોધન કરશે.
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર આવતીકાલે ૧૦મી મેના રોજ દાહોદ ખાતે યોજાનારી આદિવાસી સત્યાગ્રહ રેલીની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ રેલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી ઉપસ્થિત રહી સંમેલનને સંબોધન કરશે, અને રેલીનો પ્રારંભ થશે.
પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ કહ્યું હતું કે, તા.૧૦મી મેના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો સાથે બપોરે 2 કલાકે બેઠક કરશે. તેમજ આદિવાસી વિસ્તારના તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે અને સ્થાનિક પરિસ્થિતિ વિશે વાર્તાલાપ કરશે.
‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયમાં વધુ મજબૂતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મૂકશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે. આદિવાસી સમાજનાં ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે એ માટે કોંગ્રેસ પક્ષ અંબાજીથી ઉમરગામ સુધીની તમામ આદિવાસી વિસ્તારોમાં ૧૦,૦૦૦થી વધુ ચોપાલ કરીને આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરશે.