વડોદરા: ગુરુવારના રોજ સ્થાયી સમિતિની બેઠક મળે તે પહેલા બુધવારના રોજ પાલિકા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિવાદ છંછેડવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિના ફાઈલ જોવા મળતા ગયેલા વિપક્ષના નગરસેવકોને ફાઈલ નહિ બતાવાતા તેઓએ સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસ બહાર જ ધરણા યોજ્યા હતા. ગુરુવારના રોજ સ્થાયી સમિતિની બેઠક યોજવામાં આવશે. સ્થાયી સમિતિની બેઠકમાં કયા કામો ફાઈલ ઉપર લેવામાં આવ્યા છે તે જોવા માટે બુધવારે સાંજે વિપક્ષના નેતા અમી રાવત, બ્લુ સૂર્વે અને જહાં ભરવાડ સ્થાયી સમિતિના સભાખંડ ખાતે પહોંચ્યા હતા.
જો કે ત્યાં તેઓને ફાઈલ બતાવવામાં ન આવતા તેઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અગાઉ એવી સિસ્ટમ બનાવવામાં આવી હતી કે દરેક સભ્ય ફાઈલ જોઈ શકે પરંતુ ત્યાર બાદ જેઓએ ફાઈલ જોવા હોય તે સભાખંડ ખાતે આવીને જોઈ શકે તેવો નિર્ણય કરાયો હતો પરંતુ આ વખતે તો ફાઈલ બતાવવાના જ નહિ તેવી સૂચના આપવામાં આવતા કોંગ્રેસના નગરસેવકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના નગરસેવકો દ્વારા આ અંગે સભા સેક્રેટરીને પણ પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓએ પણ ચેરમેનની સૂચના હોવાનું જણાવ્યું હતું. જેના પગલે કોંગ્રેસના નગરસેવકો સભાખંડની બહાર જ ધરણા ઉપર બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
માસ્ટર ફાઈલ સ્થાયીના સભ્ય સિવાય કોઈને બતાવતા નથી
માસ્ટર ફાઈલ માત્ર સ્થાયી સમિતિના સભ્યોને જ બતાવવામાં આવે છે આ ફાઈલ કોન્ફિડેન્સિયલ હોય છે જેથી તમામને બતાવવામાં આવતી નથી.અમે નિયમ મુજબ જ કર્યું છે.– ડો.શિતલ મિસ્ત્રી, ચેરમેન
ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરાય છે
અગાઉ તમામ નગરસેવકો એજન્ડા જોઈ શકતા હતા. ત્યાર બાદ ડો. હિતેન્દ્ર પટેલ જયારે ચેરમેન બન્યા ત્યારે તેઓએ એવો નિયમ બનાવ્યો કે જે કોઈએ એજન્ડા જોવા હોય તેઓએ સભાખંડ ખાતે આવીને જોવાના રહેશે. અમે એવાત પણ માન્ય રાખી અને સભાખંડ ખાતે આવીને એજન્ડા જોતા હતા પરંતુ આજે તો અમને એજન્ડા જ નહિ બતાવવાના એવી વાત કરવામાં આવી રહી છે જે અમારો હક છીનવાઈ રહ્યો છે. શાસકો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આ કૃત્ય કરી રહ્યા હોવાની અમારી લાગણી છે. – અમી રાવત, વિપક્ષના નેતા, મનપા