Comments

કોંગ્રેસને આઝાદ વગર ચાલવાનું નથી

27 મી ફેબ્રુઆરી 2021 થી 31 મી જુલાઇ 2021 વચ્ચે ખાસ કરીને કોંગ્રેસના હવે લગભગ નામશેષ થઇ ગયેલા 23 બળવાખોરોના જૂથના નેતા ગુલામનબી આઝાદ વિશે શું બદલાયું છે! ચૂંટણીઓમાં ઉપરાછાપરી પછડાટ ખાવા છતાં કોંગ્રેસનો હજી જયાં થોડો પણ પ્રભાવ છે તે પોતાના વતન રાજય જમ્મુ-કાશ્મીરમાં તેણે આ બંને દિવસોએ મુલાકાત લીધી હતી પણ આ બે મુલાકાત વચ્ચે આ પ્રદેશની ઓળખ સમાન તાવી અને ચીનાબ નદીમાં ઘણાં પાણી વહી ગયાં અને ત્યાં ઘણું પરિવર્તન આવી ગયું.

તા. 27 મી ફેબ્રુઆરીએ ગુલામનબી આઝાદ પોતાના વતન પ્રદેશમાં આવ્યા જયાં તેઓ નેશનલ કોન્ફરંસના વડા અને લોકસભાના સભ્ય ડો. ફારુક અબ્દુલ્લાની જેમ એક ટોચના નેતા છે. તેમની સાથે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હૂડા, કોંગ્રેસના રાજયસભાના નાયબ નેતા આનંદ શર્મા, કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન કપિલ સિબ્બલ, મનિષ તિવારી, રાજ બબ્બર અને વિવેક વગેરે જાણે કોંગ્રેસના મોવડીમંડળને પોતાની તાકાતનો પરચો બતાવવા આવ્યા હતા.

આઝાદને રાજય સભાના સભ્યપદની વધુ એક મુદત આપવાના ઇન્કારની પશ્ચાદભૂમાં તેમની આ મુલાકાત થઇ હતી અને તે વખતે કાનાફૂસી ચાલતી હતી કે ગાંધી પરિવાર માટેની વફાદારી માટે જાણીતા આ નેતા નવો રાજકીય પ્રયોગ કરે પણ ખરા. પણ પછી? 23 બળવાખોરોના જૂથે મોવડીમંડળની દિશામાં પોતાના જહાજનું મોરું ગોઠવી દીધું અને જાણે સંધિ કરવાના હોય તેવું વાતાવરણ પેદા કર્યું તેમ જ ઘણા સભ્યોએ ખભે ‘ગમછો’ નાંખી સોંપેલું કામ કરવા માંડયું. છતાં 23 બળવાખોરોને સાંભળવા માટે આઝાદના ટેકેદારો ઉમટયા ત્યારે આઝાદના પગ કાશ્મીર કોંગ્રેસમાં મજબૂત ધરતી પર હોવાની પ્રતીતિ કરાવતા હતા. પણ આઝાદ પક્ષ છોડી ચાલવા માંડે તો તેમને કેટલા લોકો ટેકો આપે તે એક રસપ્રદ અને હવે અટકળનો પ્રશ્ન છે.

આ પશ્ચાદ્ભૂમાં અને બંધારણની કલમ 370 ની આંશિક અને 35-એ ની નાબૂદીની કેન્દ્ર સરકારની હિકમતમાં રાજયત્વના દરજ્જામાંથી કેન્દ્રશાસિત પ્રદેશના ઉતરતા દરજ્જામાં જમ્મુ કાશ્મીર આવ્યું તે ઘટનાની પૂર્વ સંધ્યાએ આઝાદે પોતાના વતન રાજય અને ખાસ કરીને પસંદ કરાયેલ પ્રદેશ જમ્મુની મુલાકાત લીધી પણ અગાઉ બનતું હતું તેનાથી વિપરીત આઝાદ એકલા આવ્યા હતા અને તેમના ટેકેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું પણ તેઓ આ વખતે મોવડીમંડળને ધૂંધવાઇને સંદેશો આપવા માંગતા હતા.

લાગે છે કે તેમની આ મુલાકાત પાછળ બે હેતુ હતા. 1. કાશ્મીરના દરજ્જાના ફેરફારની બીજી વર્ષગાંઠે પોતાના વતનમાં હાજર રહેવું અને 2. વિધાનસભાની ચૂંટણી વહેલી આવવાની કાનાફૂસી વચ્ચે પોતાના સાથીઓ કેટલા પાણીમાં છે અને લોકોનો મિજાજ કેવો છે તેનો કયાસ કાઢવો. જુલાઇની 31 મી ની મુલાકાત વખતે આઝાદ સૌમ્ય મિજાજમાં હતા અને તેમણે આવતાં પહેલાં કાશ્મીરમાં કોંગ્રેસનો હવાલો સંભાળતા હરીફ જૂથને સંભળાવવા કહયું હતું કે હું તમામને મળીશ અને ચૂંટણી પહેલાં સુમેળભર્યું વાતાવરણ સર્જીશ.

તેમની આ વાત તેમના ટેકેદારો ઉપરાંત અન્ય ઘણાને સારી અસર કરી ગઇ. આ મુલાકાત વિધાનસભાની તમામ 37 બેઠક માટેના પક્ષના સંભવિત ઉમેદવારોની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળને મળવાની દ્રષ્ટિએ ગોઠવાઇ હતી ત્યારે એ સ્પષ્ટ હતું કે તેમની નજર હજી જાહેર થવાની બાકી છે તે ચૂંટણીઓ પર મંડાઇ હતી. કોંગ્રેસ માટે આઝાદ મત આકર્ષી શકે તેવા એક માત્ર કાશ્મીરી નેતા છે એને પગલે કેટલાક બળવાખોરો પણ તેમને મળવા આવ્યા હતા. કોંગ્રેસ તેમનો કઇ રીતે ઉપયોગ કરશે તે સ્પષ્ટ નથી પણ આઝાદ આ મુલાકાતથી એવું કહેવા માંગતા હતા કે મારા વગર અહીં પક્ષને ચાલવાનું નથી.

આ વાત સાચી પણ છે, આઝાદને તેમની આગેવાની હેઠળના બળવાખોરોએ અવિશ્વાસનું વાતાવરણ સર્જયા પછી કાશ્મીર કોંગ્રેસમાં તેનો કોઇ ભાવ નહીં પૂછતું હોવાનું લાગ્યું હતું અને પરિણામે જૂથવાદ વકર્યો હતો. જમ્મુ-કાશ્મીર ભલે અત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ હોય પણ તેની વિધાનસભાની ભવિષ્યની ચૂંટણી આઝાદ અને કોંગ્રેસ માટે ખૂબ મહત્ત્વની છે. આઝાદ સારી કામગીરી કરશે તો કોંગ્રેસમાં નવો પ્રાણ ફૂંકાશે અને મુખ્ય પ્રધાનપદે ફરી બેસવા પણ મળે, નહીં તો રાજયસભાની ઉમેદવારી માટે પણ તેમનો માર્ગ નવરચિત વિધાનસભા જ ખુલ્લો કરશે.

અત્યારે પરિસ્થિતિ એવી છે કે આઝાદ જ કોંગ્રેસને અન્ય પક્ષો સાથે ચૂંટણી સમજૂતી કરવા સજ્જ કરી શકશે. બાકી કોંગ્રેસ પક્ષ પાસે ખાસ કરીને જમ્મુમાં એવો બીજો કયો ચહેરો છે જેની સામે મતદારો જુએ પણ ખરા? આઝાદે મોવડીમંડળ સાથે સમાધાન કરી દીધું અને મોવડીમંડળે તેમને કોરોના મહામારીમાં રાહત સામગ્રીના વિતરણ માટેની સમિતિનું અધ્યક્ષપદ આપી પીઠ થાબડી લાગે છે. પણ હવે જોવાનું કે જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસમાં એને કેટલું બોલવા દેવામાં આવે છે. આઝાદની તરફેણમાં એક જ પરિબળ સૌથી મોટું છે. કોંગ્રેસને તેમના વગર ચાલુવાનું નથી.          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top