Comments

કામરાજ યોજના-૨ વગર કોંગ્રેસનો ઉધ્ધાર નથી

ખૂબ લાંબા ખંચકાટ અને અનિર્ણાયકતા પછી કોંગ્રેસે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવે છે તે બે રાજયો સહિત ત્રણ રાજયોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા. મહાસમિતિ અને પ્રદેશ સ્તરે સૌથી મહત્ત્વની વાત એ છે કે પક્ષના મોવડીમંડળે નવાં લોહીને સ્થાન આપ્યું છે. કોંગ્રેસમાં પેઢીઓનાં પરિવર્તનનો આ પ્રારંભ છે? જૂના જેાગીઓના કિલ્લામાં અનિર્ણાયકતાની અભેદ્ય દીવાલોથી ઘેરાયેલા કોંગ્રેસ પક્ષમાંથી આ જવાબ આવવો સહેલો નથી. પંજાબમાં ઘરડાંખખ્ખ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ સામે પ્રદેશ પ્રમુખ તરીકે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિધ્ધુને મૂકવાનું હિંમતભર્યું પગલું કોંગ્રેસે લાંબી મડાગાંઠ પછી લીધું.

કેપ્ટન અને ક્રિકેટર વચ્ચેની આ સંધિ લાંબી ટકશે? એક વારનો ઓપનિંગ બેટસમેન સિધ્ધુ પક્ષમાં પ્રાણ પૂરવા માટે ફટકાબાજી કરી શકશે? મોટી વાત એ છે કે મોવડીમંડળે ૭૯ વર્ષના કેપ્ટન અમરિંદરસિંહથી અંજાયા વગર આ પગલું ભર્યું છે. પ્રશ્ન એ છે કે કોંગ્રેસમાં નવી પેઢીનો સંચાર કરવા માટે પક્ષ બીજી કામરાજ યોજના અમલમાં મૂકી શકશે? હા પણ તામિલનાડના તે સમયના મુખ્ય પ્રધાન કે. કામરાજની કોંગ્રેસને બેઠી કરવાની યોજનાની વાનર નકલ નહીં હોય. ૧૯૬૩ માં કે. કામરાજ નાદરે દરખાસ્ત મૂકી હતી કે તમામ વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને પોતાના પદ પરથી ખાસ કરીને પ્રધાનપદેથી રાજીનામાં આપી પક્ષને ચેતનવંતો બનાવવા પોતાની શકિત કામે લગાડવી પડશે.

કામરાજ યોજનાનો અમલ થયાને લગભગ છ દાયકા થવા આવ્યા અને ૧૯૬૦ ના દાયકામાં કોંગ્રેસ જે જેામવંતી હતી તેની સરખામણીમાં આજે કંઇ નથી ત્યારે કામરાજ યોજનાનો અમલ કરવાની આજે તાતી જરૂરિયાત છે. પછીથી કોંગ્રેસના પ્રમુખપદે પહોંચેલા કે. કામરાજ નાદરે સતત ત્રણ ચૂંટણીમાં પક્ષનો પરાજય જોયા પછી ચોંકીને બેઠા થઇ પક્ષને બેઠો કરવા તેના વરિષ્ઠ નેતાઓને કામે લગાડયા એ જુદી વાત છે. આજે કોંગ્રેસને કુંભકર્ણની નિદ્રામાંથી જગાડવા અને તકવાદમાંથી બહાર લાવવા કામરાજ યોજના જેવી યોજનાની સખ્ત જરૂર છે. ત્રણ પ્રદેશ પ્રમુખોની ફેરબદલી કાળા વાદળમાં રૂપેરી કોર છે અને તે પ્રક્રિયા આગળ વધારવાની જરૂર છે.

કોંગ્રેસ પાસે સંખ્યાબંધ પ્રધાનો અને મુખ્ય પ્રધાનોને ઘરે બેસાડી પક્ષના કામે લગાડવાનો વૈભવ નથી. અત્યારે પડકાર જુદો છે કારણકે થોડાક મુખ્ય પ્રધાનોને બાદ કરતાં તે તમામ પ્રધાનો નવા લોહીને સ્થાન આપ્યા વગર કે પક્ષની જ સેવામાં જોડાયા વગર પક્ષના સંગઠનમાં મોટો લાડવો જોઇએ છે. તેઓ ઉત્તરદાયી બન્યા વગર સરકારમાં કે પક્ષમાં મોટા ભાઇ થવા માંગે છે. આ વખતે સ્હેજસ્હાજ કે મોટા ફેરફાર સાથે કામરાજ યોજના પક્ષ માટે અનિવાર્ય છે. ૧૯૬૩ અને ૨૦૨૧ માં કોંગ્રેસનાં પરિપ્રેક્ષ્યમાં કેટલુંક નોંધપાત્ર સામ્ય છે.

૧૯૬૩ માં કોંગ્રેસ ૧૫ વર્ષથી કેન્દ્રમાં સત્તા પર હતી અને તે વખતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની કેન્દ્રની ટોચની નેતાગીરી વયોવૃધ્ધ થવા માંડી હતી તે જ સમયે પક્ષને લોકસભાની ત્રણ પેટા ચૂંટણીમાં પરાજય ખમવો પડયો હતો અને તે પણ વિપક્ષના માંધાતાઓ આચાર્ય કૃપલાણી, રામમનોહર લોહિયા અને મીનુ મસાણીના હાથે સ્વાભાવિક રીતે કોંગ્રેસના તંબુમાં ખળભળાટ મચી ગયો હતો અને કામરાજ નાદરે યોગ્ય રીતે ચિંતા વ્યકત કરી.

૨૦૨૧ સુધીમાં સાત વર્ષમાં કોંગ્રેસે લોકસભા અને રાજયોની વિધાનસભાની ચૂંટણીઓમાં તેના કરતાં મોટી પછડાટ એક પછી એક ખાધી છે પણ કોઇ સળવળાટ પણ નથી. તેને બદલે તમામ સ્તરે જૂથબંધીની યાદવાસ્થળી ચાલે છે! ભરોસાપાત્ર કોંગ્રેસીઓ ડૂબતા જહાજમાંથી ઉંદરડા કૂદકા મારે તેમ જહાજ છોડી બીજે લાભ લેવા દોડવા માંડયા છે.

કામરાજ યોજનાથી કોંગ્રેસને ફરી બળ મળ્યું કે નહીં તે ચર્ચાનો વિષય છે પણ એક વાત ચોકકસ હતી કે તેણે પક્ષને આત્મસંતોષમાંથી બહાર આવવા જોરદાર ગોદો માર્યો હતો. લાલબહાદુર શાસ્ત્રી, બાબુ જગજીવનરામ અને મોરારજી દેસાઇ સહિતના છ કેન્દ્રીય પ્રધાનો તેમ જ ઓરિસ્સાના બીજુ પટનાઇક, કર્ણાટકના એસ.કે. પાટિલ અને તામિલનાડના કામરાજ નાદર સહિતના છ મુખ્ય પ્રધાનોએ રાજીનામાં આપ્યાં હતાં. નામ ગમે તે આપો, સ્વરૂપ ગમે તે આપો, પણ કામરાજ યોજના જેવી યોજના કોંગ્રેસ માટે અનિવાર્ય છે પણ તે પહેલાં તેણે પક્ષના હવે પછીના પ્રમુખ કોણ તે મડાગાંઠ ઉકેલવી જ પડે. અલબત્ત રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે કામગીરી કરવા માંડી છે અને તેમને ફરી પ્રમુખ બનાવવા સિવાય પક્ષ પાસે બીજો કોઇ વિકલ્પ નથી.

આખરે તો સમગ્ર પક્ષ કરતાં રાહુલ ગાંધી જ છેલ્લાં સાત વર્ષથી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર સત્તા પર આવી ત્યારથી ટીકાનું નિશાન બનતા રહ્યા છે અને તેમને શાસક પક્ષ આયોજનપૂર્વક ટીકાનું નિશાન બનાવતો રહ્યો છે અને તેની પાછળનો મકસદ એ છે કે રાહુલ ગાંધીને મોદી માટે પડકાર બનતા રોકવા અને તેમના પર હુમલો કરી ગાંધી પરિવારને નબળું પાડી તે દ્વારા કોંગ્રેસને નબળી બનાવવી. કેન્દ્રમાં અને મોટા ભાગનાં રાજયોમાં કોંગ્રેસની સરકાર ન હોવાથી જૂના જોગીઓને પશ્ચાદ્‌ભૂમાં રાખી પક્ષના હિતમાં તેમની શકિતનો ઉપયોગ કરવા માટે કામરાજ યોજના-૨ ની તાતી જરૂરિયાત છે. પંજાબની સમસ્યા ઉકલી ગઇ, પણ રાજસ્થાન માટે મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને યુવા પ્રતિભા સચીન પાઇલોટ વચ્ચે તનાવ છે તેવી રીતે તનાવ ચાલ્યા કરે છે.

કોંગ્રેસ તો કામરાજ યોજનાને ભૂલી ગઇ પણ કોંગ્રેસના કટ્ટર હરીફ ભારતીય જનતા પક્ષે કામરાજ યોજના અપનાવી છે. કેન્દ્રમાં સત્તા પર આવતાં જ મોદીએ ‘માર્ગદર્શક મંડળ’ની રચના કરી તે બીજું શું હતું? લાલકૃષ્ણ અડવાણી, ડો. મુરલી મનોહર જોશી અને યશવંતસિંહા બિસ્તરા પોટલા બાંધી આ મંડળમાં જોડાઇ ગયા અને હજી ત્યાં જ છે. કેન્દ્રીય પ્રધાનમંડળની તાજેતરની પુનર્રચના પણ કામરાજ યોજના પ્રેરિત લાગે છે. જૂના ચહેરાઓને પડતા મૂકી નવા ચહેરાઓને સ્થાન આપ્યું. ભારતીય જનતા પક્ષમાં સંગઠનની પુનર્રચના થાય ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ થશે. કોંગ્રેસ ૨૦૨૧ માં કામરાજ યોજના સમજશે?          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top