કોવિડ-19 સામેના રસીકરણ અભિયાનમાં ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારતે કોરોના વેક્સિનના રસીકરણનો સો કરોડનો પડાવ પાર કરી લીધો છે. ખાસ કરીને દેશવાસીઓને અભિનંદન આપવાનુ કારણ એ છે કે જ્યારે આપણે વર્ષ 2020 ની સ્થિતિ ને યાદ કરીએ તો, માનવજાત સો વર્ષ પછી આ પ્રકારની મહામારીનો સામનો કરતી હતી. કોઈને વાયરસ વિશે વધારે જાણકારી નહોતી. આપણે આ અજાણ્યા અને અદ્રશ્ય શત્રુનો સામનો કર્યો હતો. છતાં પણ આ પરિસ્થિતિમાં આપણો દેશ મજબૂત બનીને બહાર આવ્યો છે. જ્યારે ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઈ, ત્યારે ઘણા લોકોએ ભારતીયોની ક્ષમતા વિશે શંકા સેવી હતી. કેટલાક લોકોનું કહેવું હતું કે, ભારતને રસીકરણ અભિયાન પૂરૂ કરતાં ત્રણ થી ચાર વર્ષ લાગશે. ઘણા તો એવું પણ કહેતા હતા કે લોકોને સ્વદેશી રસી લેવા પર ભરોસો નથી અને આગળ નહીં આવે. પણ આપણા દેશવાસીઓએ પુરવાર કર્યું કે જો તેવો વિશ્વસનીય ભાગીદાર બને તો કોઇ પણ પરીણામ હાંસલ કરી શકે છે અને ફક્ત નવ મહિનાના ગાળામાં મેળવેલી આ સિદ્ધિ ખરેખર ભારતીય વિજ્ઞાન અને દેશવાસીઓની સામૂહિક ભાવનાની જીત છે. આ સાથે જ દુનિયાને પુરવાર કર્યું કે, સરકાર સાથે જનભાગીદારી લોકશાહીની સૌથી મોટી તાકાત છે અને લોકશાહી અસરકારક રીતે કામ કરી શકે છે, એવું લખનારનું માનવું છે.
સુરત – સૃષ્ટિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.