નડિયાદ: ડાકોરના રહેણાંક વિસ્તારમાં ઘર બહાર કાઢવામાં આવેલા દબાણ મુદ્દે પાડોશીઓ વચ્ચે થયેલાં ઝઘડામાં દબાણ કરનાર ઈસમે તેના પાડોશમાં રહેતાં વૃધ્ધના હાથમાં બચકું ભરી તેમજ પથ્થર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ડાકોરમાં આવેલ સાચીમાતાની ખડકીમાં રહેતાં હિતેષભાઈ મધુસુદનભાઈ ભટ્ટે પોતાના ઘર બહાર દબાણ કરી, તેની આગળ સ્કુટર મુકતાં હોવાથી ખડકીમાં રહીશોને અવર-જવર કરવામાં તકલીફ પડી રહી હતી. જેથી ખડકીમાં જ રહેતાં ૭૨ વર્ષીય ભરતભાઈ બાપાલાલ ખંભોળજાએ આ મામલે હિતેષભાઈને ઠપકો આપતાં મામલો બિચક્યો હતો. જેમાં ઉશ્કેરાયેલાં હિતેષભાઈએ ગમેતેમ અપશબ્દો બોલી ભરતભાઈ સાથે ઝઘડો કર્યો હતો. તુતુ….મેમે બાદ ઝઘડો ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં હિતેષભાઈએ નજીકમાં પડેલો પથ્થર લઈ આવી ભરતભાઈના કપાળના ભાગે મારી દીધો હતો. તેમજ હાથના ભાગે બચકું ભરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભરતભાઈ બાપાલાલ ખંભોળજાની ફરીયાદને આધારે ડાકોર પોલીસે હિતેષભાઈ મધુસુદનભાઈ ભટ્ટ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડાકોરમાં દબાણ કાઢવા મુદ્દે પાડોશી વચ્ચે તકરાર
By
Posted on