Columns

આચરણ એ જ ઉપદેશ ગુજરાતની બે દિવ્ય વિભૂતિઓ

સંતોની કર્મભૂમિ અને દેવોના અવતારો અંશાવત યોગી ભૂમિ ગુજરાત પણ છે અને તેની ધરતી પર અનેક સંત રત્નો-ભકતરાજ-ભકત શિરોમણિ વિભૂતીઓએ અવતાર લઇ સમાજને આત્મ કલ્યાણના માર્ગે પ્રેર્યો છે. આ સપ્તાહમાં યોગાનુયોગ બે દિવ્ય વિભૂતિઓની જયંતી છે. આજે ભકતરાજ, સંત શ્રી જલારામ બાપા અને તે પછી સર્વધર્મ સમન્વયની સમન્વયાત્મક દત્ત વિચારધારાને ગુજરાતમાં વહાવનાર શ્રી રંગાવધૂત સ્વામી મહારાજ – બાપજીની જયંતિ છે. બંને વિભૂતિઓના દેશ-વિદેશમાં લાખ્ખોની સંખ્યામાં ભકતો છે. તેઓ જલાબાપા અને રંગઅવધૂત બાપજીના સમાજ કલ્યાણના માર્ગે પ્રવૃત્ત છે.
બંને વિભૂતિઓ પોત-પોતાની રીતે વિશિષ્ટ હતી.

પરંતુ સામી વ્યકિત પ્રત્યે પ્રેમ-વિભૂતિઓ-સામેની વ્યકિતના રૂપ-રંગ-વેશ-ધર્મ- ઉંમર-ગરીબ-અમીરનો ભેદ જોતાં નથી. તેઓ માત્ર વ્યકિતમાં રહેલા ચૈતન્ય સ્વરૂપ (પુરુષ)ને જ નિહાળે છે. એટલે જ પૂ.જલારામ બાપાએ એક મુસ્લિમ સજજનના મૃતપ્રાય હાલતમાં પીડાતા પુત્રને જીવતદાન આપતાં તે સજજને જલારામ બાપાને ‘જલા સો અલ્લાહ’ કહી બિરદાવ્યા. એટલું જ નહીં પરંતુ અન્નદાનની પ્રવૃત્તિ માટે તે જમાનામાં 40 મણ અનાજ બાપાને ચરણે ધર્યું હતું. આવા તો અનેક પરચાઓ ઇતિહાસના પાને નોંધાયા છે.

તો રંગ અવધૂત બાપજીએ એક મુસલમાન મહિલાને જે લાંબા સમયથી કોઇક વળગાડથી પીડાતી હતી તેને પીડા મુકત કરી હતી. આવા ઉદાહરણો સંતોના ચરિત્રમાં જોવા મળે છે. એટલે જ ખૂબ જ લોકપ્રિય અને ભકિતભાવથી ગવાતી – અવધૂત રચિત દત્ત બાવનીમાં એક પંકિત છે – ‘જાત-પાતની તને ન ચીડ.’ અવધૂતજીએ તો કહ્યું જ છે. ‘હિન્દુ, મુસલમીન, પારસી, ખ્રિસ્તી કહો તો હમ હી હૈ. ન નાત હૈ ના જાત હૈ ના બાત હૈ વહાં હમ હી હૈ. ના દોસ્ત – દુશ્મન કોઇ હમારા, હમ સદા નિ:સંગી હૈ સચ્ચિદાનંદ હમ હી પ્યારે બ્રહ્મ કેવલ હમ હી હૈ. પૂજય શ્રી રંગઅવધૂત બાપજીએ બે સૌથી મહત્વના અને આચરણમાં અવશ્ય મુકવા જેવા બે સૂત્રો આપ્યા.એક ‘પરસ્પર દેવો ભવ:’ – અને ‘શ્વાસે – શ્વાસે દત્ત નામ સ્મરાત્મન:’ – પરસ્પર દેવો ભવ સૂત્ર- ‘વસુધૈવ કુટુંબકમ્‌’ ની ભાવના દૃઢ બનાવવા માટે છે.

તેમણે અમર આદેશમાં કહ્યું છે:
‘એક બીજા તરફ દેવદૃષ્ટિથી જોતા શીખો,
દાનવ દૃષ્ટિથી નહીં,
દરેક વ્યકિતમાં રહેલા દેવત્વને દૈવી અંશને પિછાનો. એક બીજાનું મંગલ ઇચ્છી જગતમાં માંગલ્ય વરસાવો. વિચારવાણી, વર્તનમાં એકતા આચરો.
એક બીજાને આશીર્વાદ આપો, અભિશાપ નહીં.
ભલુ ઇચ્છો – ભુડું નહીં, રૂડુ કરો – ફડું નહીં.
એક બીજાના પોષક બનો – શોષક નહીં.
તારક બનો- મારક નહીં.
ઉપકારક બનો, અપકારક નહીં, બોલો થોડું – કરો વધારે.
માથું ઠંડુ રાખો, ગરમી હાથ-પગમાં પ્રકટાવો.
પ્રત્યેક પ્રતિ સહિષ્ણુતા કેળવો, વિદ્વિષતા નહીં.
બોલો તો સત્ય બોલો – અસત્ય નહીં.
કરો તો સત્કર્મ કરો, દુષ્કર્મ નહીં.
બોલો તો સર્વ કલ્યાણ બોલો – માત્ર સ્વ કલ્યાણ નહીં.
જુઓ તો પોતાના દોષ જુઓ, ગાઓ તો બીજાના ગુણ ગાઓ.
ખાઓ તો સ્વકષ્ટાર્જીત ખાઓ.
મુખમાં અવિનાશી ભગવાન નામ. હાથે સર્વ મંગલ કામ.
ને હૈયે હનુમાન રત. અડગ હામ રાખી ધપ્યે જાવ. ધપ્યે જાવ.
વિજય તમારો છે – વિજય તમારો છે….
પરસ્પર દેવો ભવનું સૂત્ર – આજના માહોલમાં પણ એટલું જ યથાર્થ છે.
તો – પૂ.જલારામ બાપાનો ભાવ પણ એ જ છે – ‘રામ નામ મેં લીન હૈ – દેખત સબ મેં રામ
તાકે પદ વંદન કરું જય-જય જય રઘુવીર.
પૂ.અવધૂતજીના શ્વાસેશ્વાસે દત્ત નામ સ્મરાત્મન.
ભાવ એ જ છે કે, તમે કોઇ પણ કામ કરતા હોવ પરંતુ ભગવાનનું નામ – દત્ત નામનું સ્મરણ સતત રહેવું જોઇએ. જે રીતે માતા નાના બાળકને રસોડામાં મુકી પોતાનું કામ કરતી હોય. છતાં તેનું ધ્યાન બાળક તરફ પણ રહે જ છે એ રીતે સંસારિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવા છતાં મનમાંથી ઇશ્વર નામ ભૂલાવું ન જોઇએ.

પૂ. જલારામ બાપાએ અન્નક્ષેત્ર ચાલુ કરવાની પ્રેરણા થઇ, સંત વેષે દત્ત ભગવાન તરફથી ઝોળી – ઝંડો – આશિષ મળ્યા અને આજે પણ તેમની કર્મભૂમિ – લાલાભૂમિમાં વર્ષોથી અન્નદાન – ભંડારો ચાલે છે વર્ષ 2000 થી તો વીરપુરમાં દાન – ભેટ વગેરે લેવાનાં સદંતર બંધ છે. દુનિયામાં આ એક અનોખું ઉદાહરણ છે. વીરપુરથી પ્રેરણા લઇ આજે પણ ઘણાં મંદિરોમાં અન્નક્ષેત્ર – ભંડારા ચાલે છે. જલાબાપાને શરૂઆતમાં થોડી મુશ્કેલી નડી હતી પરંતુ તેમણે જગાવેલી અન્નદાન-ભંડારાની જયોત દેશ – દુનિયામાં સૂર્યની જેમ ઝળહળી રહી છે. પૂ.રંગ બાપજીએ વિપુલ પ્રમાણમાં સાહિત્યનું સર્જન કર્યું છે. જે ભકતોને આ ભવ અને પરભવ પાર કરવાનું ભાથું પૂરું પાડે છે. આપણી બંને દિવ્ય વિભૂતિઓ મંદિરો – દેશ-વિદેશોમાં પણ છે જયાં તેઓ અન્નદાન – માનવ સેવા કલ્યાણની પ્રવૃત્તિઓ દ્વારા ઉમદા ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

Most Popular

To Top