‘ગુજરાતમિત્ર’ના એકવીસ માર્ચના અંકમાં પ્રથમ પાના પર આપણા ભારત દેશમાં ભયંકર આર્થિક અસમાનતા પ્રવર્તતી હોવાના આંકડાઓ પ્રસિદ્ધ થયા છે.અહેવાલ મુજબ દેશના એક ટકા લોકો પાસે ચાલીસ ટકા જેટલી સંપત્તિ છે.આ વિગતો ચોંકાવનારી છે.દરમિયાનમાં વિશ્વનાં ધનિકોમાં સ્થાન પામતા અંબાણી પરિવારમાં હાલમાં જ યોજાઈ ગયેલ પ્રિ વેડિંગ પ્રસંગની યાદ આવી ગઈ.વળી,સુરતમાં એક જ પરિવારના બે સગા ભાઈઓએ આર્થિક તંગીને લીધે આત્મહત્યા કરી લીધી હોવાની દુ :ખદ વાત પણ યાદ આવી ગઈ.આ સંદર્ભે એ જ દિવસના એટલે કે એકવીસમી માર્ચના ‘ગુજરાતમિત્ર’માં પ્રસિદ્ધ થયેલ તંત્રીલેખની વિગતો પણ વિચારવા જેવી છે.
આ તંત્રીલેખમાં ભારતમાં ચૂંટણી પાછળ થતા ખર્ચની જે વિગતો રજૂ કરવામાં આવી છે એના પર ચર્ચાઓ યોજવા જેવી છે.એમાં નોંધ્યા મુજબ આ વખતે ચૂંટણી પાછળ ૧.૨૦ લાખ કરોડ (જી, હા ૧.૨૦ લાખ કરોડ ) નો ખર્ચ થવાનો અંદાજ છે.આ ખર્ચ દેશની જી.ડી.પી.ના ૩૦ % જેટલો છે.દેશમાં પ્રવર્તતી આવકની અસમાનતા , આર્થિક તંગીને લીધે લોકો દ્વારા થતી આત્મહત્યાઓ અને ચૂંટણી ખર્ચ.આ બધી વાતોનો સાથે વિચાર કરતા કહી શકાય કે આ દિશામાં નક્કર પગલાં લેવાનો સમય આવી ગયો છે.
નવસારી – ઇન્તેખાબ અનસારી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
લાઈટહાઉસ
કેટલાક આ શબ્દ દીપ એટલે દીવો ઉપરથી થયો એમ માને છે. દીવાદાંડી મોટે ભાગે સમુદ્રમાં જતાં આવતાં વહાણને ચેતવવા માટે સમુદ્રમાં ખડક ઉપર બાંધેલો દીવાવાળો મિનારો. સમુદ્ર કિનારે પાણીની સપાટી નજીક જ્યાં ખડક હોય ત્યાં અવરજવર કરતાં વહાણ તેને અથડાઈ ભાંગી જાય નહીં તે માટે તે ઉપર દીવો રાખવાની ગોઠવણ કરેલી હોય છે અથવા બેટમાં વિશાળ નદીને કાંઠે ય નદીના બેટમાં કાંઠાનો કે ખરાબાનો ખ્યાલ મળે એ માટે ઊભો કરેલો સ્થિર કે ફરતી બત્તીવાળો મિનારો એટલે દીવાદાંડી. વહાણચાલકને દિશાસૂચન પણ મળી રહે છે.
સૂત્ર એટલે થોડા શબ્દ કે અક્ષરોમાં ઘણો અર્થ સમાયેલો હોય એવી રીતે બનાવેલું નાનું વાક્ય. નિયમ, ધારો-ધ્યેય તરીકે સ્વીકારેલું ટૂંકું વાક્ય. વિશાળ અર્થવાળું ટૂંકું હેતુવાળું વાક્ય જે નિયમ વાક્ય પણ કહી શકાય. પ્રાચીન શાસ્ત્રકારોએ રચેલાં મૂળ સંક્ષિપ્ત વાક્ય કે તેનો ગ્રંથ. દીવાદાંડી-સૂત્ર શિક્ષણમાળા બની શકે છે. જીવનમાં સૂત્રને ધ્યેયવાક્ય બનાવી દેવામાં આવે તો આવનારું ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે. આપણી ભારતીય પરંપરામાં, ગુજરાતી સાહિત્યમાં એવાં અગણિત દીવાદાંડી-સૂત્રો મળે છે. સમગ્ર માનવજાતિ માટે મહાન ધર્મગ્રંથ શ્રીમદ્દ ભવદ્ગીતાના પ્રત્યેક અધ્યાયમાં ઉપદેશાત્મક સૂત્રો છે.
જીવનમાં એનું પાલન કરવાથી સફળતાના રસ્તે આગળ વધી શકાય છે. દરેક ધર્મગ્રંથોમાં જીવનમૂલ્યો માટેનાં દીવાદાંડી-સૂત્રો હોય છે. મહાન વ્યક્તિઓએ પણ ધ્યેયવાક્યને આધારે સફળતા મેળવી હોય છે અને અનુભવને આધારે સૂત્રો આપેલ હોય છે. સ્વામી વિવેકાનંદજીનું “ઊઠો, જાગો અને જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો.” આ દીવાદાંડી-સૂત્રના અમલથી કોઈ પણ વ્યક્તિ જીવનમાં સફળતાનો પ્રકાશ મેળવી શકે છે. જરૂર છે ફક્ત અમલીકરણની.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.