ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે એક નવું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. પરિપત્રરૂપી આ ફરમાનને પગલે સરકારી નોકરી કરતાં ભ્રષ્ટ્ર કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારના સરક્યુલર અનુસાર પ્રત્યેક કર્મચારીએ તેમની સ્થાયી, અસ્થાયી મિલકતોની વિગત જાહેર કરવી પડશે.
ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય અનુસાર ચોથા વર્ગના કર્મચારીઓ સિવાય તમામ વર્ગના સરકારી કર્મચારીઓએ હવે પોતાની સંપત્તિની તમામ વિગતો જાહેર કરવી પડશે. આ માટેનું એક ફોર્મેટ પણ સરકારે જાહેર કર્યું છે.
ગુજરાત સરકારમાં 5 લાખથી વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો તા. 15 જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે. વિગતો નહીં આપનારા સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે એવી ચીમકી પરિપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.
ગુજરાત સરકારના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ભ્રષ્ટ્રાચારનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં ભ્રષ્ટ્રાચારી અધિકારીઓની પોલ ખુલ્લી પડી હતી. રાજકોટ મનપાના અધિકારી સાગઠિયા પાસેથી કરોડો રૂપિયા અને મિલકતો મળી આવી છે. તેથી હવે રાજ્ય સરકાર ભ્રષ્ટ્રાચારીઓ સામે કડક હાથે કામ લેવાના મુડમાં છે.
ભ્રષ્ટ્રાચારની ફરિયાદોના પગલે રાજ્ય સરકારે ચોથા વર્ગ સિવાયના તમામ કર્મચારીઓ માટે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ફરજિયાત કર્યા છે. કર્મચારીએ પોતાની પર્સનલ ઈન્કમ ઉપરાંત જીવનસાથીની આવક તથા પરિવારના અન્ય સભ્યોની વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત પોતાને તથા પરિવારના સભ્યોને વારસામાં મળેલી સંપત્તિની વિગતો પણ આપવી પડશે.
કઈ વિગતો આપવી પડશે?
સરકારી કર્મચારીઓએ પોતાની સ્થાયી-અસ્થાયી સંપત્તિ, રોકડ, બેન્ક ખાતા, એફડી, સોના-ચાંદીના દાગીના, ખેતીની જમીન, રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ સહિતની તમામ વિગતો જાહેર કરવી પડશે. સરકારના સામાન્ય વહીવટી વિભાગ (જીએડી)ના એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાનીની સહીથી બહાર પડાયેલા પરિપત્રમાં સરકારના ઉચ્ચ અધિકારીઓથી માંડીને કલાર્ક સુધીના તમામ કર્મચારીઓએ આ વિગતો આપવી પડશે. 15 જુલાઈ સુધીમાં પ્રોપર્ટી રિટર્ન ભરવું પડશે.