Madhya Gujarat

ઊર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસનો ઉપયોગ કરાશે

આણંદ : આણંદ જિલ્લામાં ઊર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) તથા જૈવિક ખાતરોનું ઉત્પાદન થઇ શકે તે માટે છાણ – આધારિત બાયોગેસ પ્લાન્ટનો પ્રચાર – પ્રસાર કરવા એનડીડીબી દ્વારા સુઝુકી આરએન્ડડી સેન્ટર સાથે એમઓયુ કરવામાં આવ્યાં છે. દેશમાં કાર્બન તટસ્થતા હાંસલ કરવા અને પશુપાલકોની આવક વધારવાના ઉદ્દેશ્યથી નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને જાપાન સ્થિત સુઝુકી મોટર કોર્પોરેશનની ભારતમાં આવેલી સહાયક કંપની સુઝુકી આર એન્ડ ડી સેન્ટર ઇન્ડિયા પ્રા લી.એ એક એમઓયુ કર્યું છે. જેમાં એનડીડીબીના સહકારી મંડળીઓના નેટવર્કની ક્ષમતાનો લાભ ઉઠાવી પરિવહન માટે ઉર્જાના સ્ત્રોત તરીકે કોમ્પ્રેસ્ડ બાયોમીથેન ગેસ (સીબીજી) તથા જૈવિક ખાતરોનું ઉત્પાદન થઇ શકે તે માટે છાણ આધારિત બાયોગેસ પ્લાન્ટનો પ્રચાર – પ્રસાર કરવામાં આવશે.

આ અંગે એનડીડીબીના ચેરમેન મીનેશ શાહ અને એસઆરડીઆઈના ડિરેક્ટર કાઝુતુ કાસાહારાએ સુઝુકી મોટર કોર્પોરેશનના પ્રેસિડેન્ટ ટી. સુઝુકી, સિનિયર એક્ઝિક્યુટીવ ઓફિસર કાઝુનોબુ હોરી અને ડિરેક્ટર કેનિચિરો ટોયોફુકુની હાજરીમાં ગાંધીનગર ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કર્યાં હતાં. આ અંગે એનડીડીબીના ચેરમેન મીનેશ શાહે જણાવ્યું હતું કે, ઊર્જા અને ખાતરના સ્ત્રોત તરીકે ગાયના છાણનો કાર્યક્ષમ તરીકે ઉપયોગ કરવા અને પશુપાલકોની આવક વધારવા નવા બિઝનેસ મોડલની રચના કરી અને આવા મોડલને વિકસાવી એનડીડીબી અને સુઝુકી જેવી બે દિગ્ગજ સંસ્થાઓ એક સાથે આવે તે કાર્બન ન્યુટ્રાલિટીની દિશામાં આગળ વધવા માટે ખૂબ જ જરૂરી છે.

સુઝુકીએ આ ક્ષેત્રમાં એનડીડીબીના પ્રયાસોને બિરદાવ્યાં હતાં તથા આ પહેલમાં સહકાર સાધવા સંમત થવા બદલ તેમણે એનડીડીબીના ચેરમેનનો આભાર પણ માન્યો હતો. તેમણે ભારતમાં પરવડે તેવા અને પર્યાવરણને અનુકુળ આવે તેવા પરિવહનના ઉપાયો પુરા પાડવાની સુઝુકી મોટર કોર્પોરેશનની કટિબદ્ધતાની ફરીથી પુષ્ટી કરી હતી. દેશમાં સુઝુકી મોટર કોર્પોરેશનના 40 વર્ષ પુરા થવાની સ્મૃતિમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ક્લીન એનર્જીના ઉપાયો તથા જૈવિક ખાતરો પુરા પાડવા માટે આ એમઓયુ કરવા બદલ એનડીડીબી અને એસ આરડીઆઈની પ્રસંશા કરી હતી.

Most Popular

To Top