આણંદ : આણંદ શહેરના વિકાસ સાથે બાંધકામ ઉદ્યોગ પણ વધ્યો છે. શહેરના વ્યવસ્થિત વિકાસ થાય તે માટે આણંદ, વિદ્યાનગર, કરમસદ અર્બન ડેવલપમેન્ટ ઓથીરીટી (અવકૂડા)ની રચના કરવામાં આવી છે. પરંતુ આ ઓથોરીટી નિર્દોષ પ્રજા માટે હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ભાસી રહ્યું છે. બિલ્ડરો દ્વારા નિયમો નેમે મુકી બાંધકામ કરવામાં આવે છે. સાથોસાથ હવે ફાયર સેફ્ટી કે બીયુ પરમીશનની રાહ જોયા વગર કોમ્પ્લેક્સ જે તે વેપારીને આપી દેવા માંડ્યાં છે. જેના કારણે આગામી સમયમાં કોઇ અકસ્માત થાય તો જવાબદારી કોની ? તે પ્રશ્ન ઉભો થશે.
આણંદમાં છેલ્લા કેટલાક સમયથી અવકૂડો દ્વારા ઘરે ઘરે ફરી બીયુ પરમીશન, બિનખેતી સહિતની મંજુરી તપાસવામાં આવે છે. આ અંગે અનેક મિલકત ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે. જોકે, ખાટલે મોટી ખોડ એ છે કે આ કાર્યવાહીમાં ફક્ત નિર્દોષ લોકો જ દંડાય છે. ફાયર સેફ્ટી, બીયુ પરમીશન સહિતની જવાબદારી જે તે બિલ્ડરની હોય છે. પરંતુ તેઓ આ જવાબદારીમાંથી છટકી જાય છે અને મિલકત ખરીદનાર પર જવાબદારી ઢોળી છે.
આણંદ શહેરના વિદ્યાનગર રોડ સહિત અનેક માર્ગો પર કોમર્શીયલ કોમ્પ્લેક્સનું બાંધકામ થઇ રહ્યું છે. તેઓ મંજુરી પ્રમાણે બાંધકામ કરે છે કે કેમ ? તે અલગ તપાસનો વિષય છે. પરંતુ આ કોમ્પ્લેક્સ બનાવતા બિલ્ડરો હવે ફાયર સેફ્ટી કે બીયુ પરમીશન વગર જ અધૂરા બાંધકામ હોવા છતાં વેપારી એકમો શરૂ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં નવરાત્રી, દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે, આ સમયે દુકાનો પર ભીડ જામશે. જો કોઇ અકસ્માત કે દૂર્ઘટના સર્જાય તો કોની જવાબદારી રહેશે ? આશ્ચર્યજનક બાબત એ છે કે, ફાયર સેફ્ટી કે બીયુ પરમીશન વગર પણ વીજ કનેકશન કેવી રીતે આપી દેવામાં આવે છે. તે પણ તપાસનો વિષય છે. કોમ્પ્લેક્સમાં દુકાનો ઉપરાંત ઓફિસો પણ ધમધમી રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, અધુરા કોમ્પ્લેક્સમાં ધમધમતી ઓફિસો પાસેથી અધિકારીઓ પણ પસાર થાય છે. આમ છતાં તેઓ નોટીસ આપવાની કે સીલ મારવાની કોઇ કાર્યવાહી કરતાં નથી. જેના કારણે ખુદ લોકોમાં પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઇ રહી છે.