વડોદરા : વડોદરા જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2023-24 ના વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ હેઠળ વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં કુલ રૂા.1100 લાખના વિવિધ 536 વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર વિકાસલક્ષી અનુદાનોની મદદથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નાગરિકો માટેની પાયાની સુવિધાઓ જેવી કે,ગંદા વસવાટની નાબૂદી, ગ્રામ રસ્તા, પાણી પુરવઠા, પ્રાથમિક શિક્ષણ,ભૂમિ સંરક્ષણ, પોષણ,વીજળીકરણ,સ્થાનિક વિકાસ અને પ્રાથમિક આરોગ્યના ક્ષેત્રોમાં 15 ટકા વિવેકાધિન ( સામાન્ય અને ખાસ અંગભુત) હેઠળ સૂચિત 536 કામોને અમલીકરણ માટે મંજૂરી આપવાનો વિચાર વિમર્શ કરવામાં બેઠકમાં કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પાસેથી 15 ટકા વિવેકાધિન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.895 લાખ અને ખાસ અંગભુત હેઠળ રૂ.80 લાખ મળીને કુલ રૂ.975 લાખ મળવાપાત્ર છે. તેની સામે કુલ રૂ.975 લાખના અંદાજિત ખર્ચથી 499 કામોનું સૂચિત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ હેઠળ ગ્રામ રસ્તા, ભૂમિ સંરક્ષણ અને સ્થાનિક વિકાસના 11 કામોનું રૂ.25 લાખના ખર્ચે સુચિત આયોજનનો બેઠકમાં મંજુરીલક્ષી વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં જિલ્લાની ચાર નગર પાલિકાઓમાં રૂ.100 લાખના ખર્ચથી નિર્માણ થનાર ૨૬ કામોનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ખાસ પ્લાન) યોજના હેઠળ વર્ષ 2023-24 માં સાવલી અને પાદરા તાલુકામાં રૂ.10 લાખના ખર્ચના પાંચ વિકાસ કામો બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આયોજન હેઠળ મંજૂર થયેલ કામો ગુણવત્તા યુક્ત અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. તેમણે અગાઉના જે કામો શરૂ ન થયા હોય તેવા બાકી કામો સત્વરે શરૂ કરી આગામી ત્રણ માસમાં પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરી હતી.મંત્રી હર્ષ સંઘવીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન તથા એટીવીટી યોજનાના છેલ્લા ચાર વર્ષના કામોની વિસ્તૃત સમીક્ષા કરી બાકી કામોને ઝડપભેર પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતું. મંત્રી હર્ષ સંઘવીએ સાંસદ અનુદાનમાંથી હાથ ધરાયેલા કામોની પણ સમીક્ષા કરી હતી.
જિલ્લા આયોજન અધિકારી એમ.આર. રાઉલે આયોજન મંડળ હેઠળ હાથ ધરાનાર કામોની વિગતો આપી હતી. આ બેઠકમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલા,જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ કેતનભાઈ ઈનામદાર,ચૈતન્યસિંહ ઝાલા,અક્ષય પટેલ , ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શૈલેષ મહેતા,ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા, તાલુકા પંચાયત પ્રમુખો, નગરપાલિકા પ્રમુખ, કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.