સુરત: મનપાના પદાધિકારીઓ, મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને શુક્રવારે લિંબાયત ઝોનની સંકલન મીટિંગ મળી હતી. જેમાં મુખ્યત્વે ગેરકાયદે જમીન પર કબજો કરી લેતા ભૂમાફિયાઓ અંગે ઘણા કોર્પોરેટરોએ રજૂઆત કરી હતી. ઉપરાંત દબાણ, અશાંતધારા અંગે પણ રજૂઆતો થઈ હતી. લિંબાયત ઝોનમાં ડુંભાલમાં ટી.પી. 33 ડુંભાલમાં જલારામનગર સોસાયટીના કોમન પ્લોટમાં ભૂમાફિયા દ્વારા જમીન પર કબજો કરી લેવાયો છે. તેમજ ત્યાં દુકાનો ચલાવવામાં આવે છે. જેથી સોસાયટીવાસીઓને ગાડીની અવરજવરમાં ઘણી તકલીફ થતાં અહીં રસ્તો કરી આપવા રજૂઆત કરાઈ હતી. જેમાં મનપા કમિશનરે રોડ બનાવી આપવાની ખાતરી પણ આપી હતી. તેમજ પરવટ-ગોડાદરામાં ટી.પી.61માં મનપાનો રિઝર્વેશન પ્લોટ છે. જ્યાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે બાયો ડીઝલ પંપ ચલાવવામાં આવી રહ્યો છે. જે અંગે પણ રજૂઆત થઈ હતી.
ભાઠેના રોડ પર ઊભા કરી દેવામાં આવેલાં દબાણોને પણ વહેલી તકે દૂર કરવા સંદર્ભે કોર્પોરેટરોએ કમિશનર અને મેયરનું ધ્યાન દોર્યું હતું. આ જ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે ધાર્મિક સ્થાનો ઊભાં કરી દેવાયાં છે. આ ધાર્મિક સ્થાનોને પણ દૂર કરવા સંદર્ભે રજૂઆત કરાઈ હતી. વધુમાં ચોમાસાને ધ્યાને રાખી ગોડાદરા-લિંબાયત વિસ્તાર માટે માથાનો દુખાવો સાબિત થઈ રહેલી ખાડીઓમાં ડ્રેજિંગ અને સફાઈ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. જો કે, હાલ ખાડીઓમાં ડ્રેજિંગની કામગીરી શરૂ થઈ ચૂકી છે અને વહેલી તકે ડ્રેજિંગ મશીન અને ફોકલેન મશીનો ફાળવી ખાડી સફાઈ હાથ ધરવા પણ રજૂઆત થઈ હતી. આ સિવાય લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલી તમામ ડ્રેનેજને પણ પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે આગામી 31 મી સુધીમાં સફાઈ હાથ ધરાય તેવી સ્થાનિક કોર્પોરેટરો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રીન ડિઝાઇને ખાડીના ડ્રોઈંગનું કામ 4 વર્ષથી ટલ્લે ચઢાવ્યું છે
સંકલનમાં શાસક પક્ષના નેતાએ વિવિધ કામોની ડ્રોઈંગ બનાવતી એજન્સી ગ્રીન ડિઝાઈનના બીજા વિકલ્પ શોધવા માટે રજૂઆત કરી હતી. આ એજન્સી દ્વારા 2017માં ખાડીના ડ્રોઈંગની કામગીરી આજદિન સુધી પૂરી કરવામાં આવી નથી. જેથી બીજી એજન્સી પણ હોય તો કામ જલદી થઈ શકે તેમ છે.
લિંબાયત સ્મશાનભૂમિ પાસે બનાવેલા નવા રસ્તા પર દબાણ હટાવવા માંગ
લિંબાયત સ્મશાનભૂમિ પાસે મનપા દ્વારા હાલમાં નવો રોડ બનાવવામાં આવ્યો છે. જે જૂનો રોડ હતો તે ખૂબ લાંબો પડતો હતો. જેથી ખાડી કિનારે એપ્રોચ મળ્યા બાદ નવો રોડ બનાવતાં અંતર ઘટી ગયું છે. પરંતુ નવા રસ્તા પર અસામાજિક તત્ત્વો દ્વારા દબાણ થતું હોય, આ દબાણ દૂર કરવા રજૂઆત થઈ હતી. જેમાં હવે મનપા કમિશનરે અહીં દીવાલ બનાવી આ દબાણ દૂર કરવાની ખાતરી આપી હતી.
પરવટ ગામના હળપતિવાસના 60 પરિવારનાં નામ આકારણીમાં જ નથી
પરવટ ગામમાં હળપતિવાસમાં 60 પરિવાર એવા છે કે જેમનાં નામ આકારણીમાં છે જ નહીં. તેઓ ખાડીના દબાણમાં રહેતા હોય તેમને પૂર વખતે વારંવાર શિફ્ટિંગ કરવું પડે છે. જેથી તેમનાં નામ નથી ચઢાવાયાં. જેથી આ અંગે રજૂઆતના જવાબમાં મનપા કમિશનરે સરવે કરી તેમને કશેક શિફ્ટ કરાશે તેમ જણાવ્યું હતું.