SURAT

ગંભીરા બ્રિજની જેમ સુરતના આ બે બ્રિજ ગમે ત્યારે તૂટી જાય તેવો ગ્રામજનોને ભય, નીતિન ગડકરીને ફરિયાદ

નેશનલ હાઇવે ઓફ ઈન્ડિયા દ્વારા સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાનાં હજીરાથી ધુલિયા સુધી સારી રોડ કનેક્ટિવિટી માટે નેશનલ હાઇવે–53 અંદાજે વર્ષ 2013-14 માં શરૂ કરવામાં આવ્યો હતો આ નેશનલ હાઇવે–53 ઉપર NTPC કવાસ નજીક ક્રીભકો કંપની રેલ્વે ઓવરબ્રિજ અને ONGC ઇચ્છાપોર સર્કલ પાસે ઓવરબ્રિજ વર્ષ 2012-13 બનાવવામાં આવ્યા હતા.

  • હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળીના પ્રમુખે નીતિન ગડકરીને પત્ર લખ્યો
  • NTPC કવાસ પાસે ક્રિભકો કંપનીના રેલ્વે ઓવરબ્રિજ અને ONGC ઇચ્છાપોર સર્કલ ઓવરબ્રિજમાં ખુબ જ મોટા ગાબડા પડીને નીચે રોડ ઉપર પડી રહ્યા છે
  • બંને જોખમી બ્રિજ તોડી પાડી ગ્રામજનો માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા માંગણી કરી

આ બંને ઓવરબ્રિજ હજીરા વિસ્તારમાં નેશનલ હાઇવે દ્વારા જાણે ભ્રષ્ટ્રાચારનું પ્રતિક હોય એમ જ્યારથી(2013-14) બનાવવામાં આવ્યા છે ત્યારથી આજદિન સુધીમાં અનેક વખત રીપેર(મરામત) કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યા છે છતાં હાલમાં પણ મેન્ટેનસ કામ ચાલુ છે. જેથી વાહનચાલકો ખુબ જ હેરાન થઈ રહ્યાં છે. આ બંને જોખમી બ્રિજ પર ગંભીરા બ્રિજ જેવી મોટી દુર્ઘટના સર્જાય તેવો ગ્રામજનોને ભય છે.

બીમ અને કોલમમાં સળિયા દેખાવા લાગ્યા
NTPC કવાસ પાસે ક્રીભકો કંપનીના રેલ્વે ઓવરબ્રિજ અને ONGC ઇચ્છાપોર સર્કલ ઓવરબ્રિજમાં ખુબજ મોટા ગાબડા પડીને નીચે રોડ ઉપર પડી રહ્યા છે. આ બંને બ્રિજના મોટાભાગના બીમ અને કોલમમાં સ્ટીલના સળિયા દેખાવા લાગ્યા છે. તેમજ બીમ અને કૉલમ માંથી RCC ક્રોંક્રિટ તૂટીને રોડ ઉપર છૂટું પડી રહ્યું છે જેથી બ્રિજની ઉપર અને નીચેથી અવર–જવર કરનારા વાહનચાલકો ગમે ત્યારે મોટા અકસ્માતનો ભોગ બને એવો ભય છે.

ખરાબ ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરાયાનો આક્ષેપ
આ બંને ઓવરબ્રિજની બંને બાજુના જે સ્લોપ બનાવવામાં આવ્યા છે એ સ્લોપ પણ ખુબજ ખરાબ ગુણવત્તાવાળા મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. જેથી આ બ્રિજના બંને બાજુના સ્લોપ પણ ગમે ત્યારે તૂટી પડે એમ છે.

તાત્કાલિક અસરથી બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરાવવા માંગણી
હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ દિપક પટેલે કેન્દ્રીય રોડ એન્ડ હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીને પત્ર લખીને રજૂઆત કરી છે કે, તાત્કાલિક અસરથી આ બંને બ્રિજનો તમામ પ્રકારનો સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવા અને જરૂર જણાય તો અન્ય ટેકનિકલ ચકાસણી કરી આ બંને બ્રિજના તમામ રિપોર્ટ જાહેર કરવા માંગણી કરી છે. આ સાથે જ આ બ્રિજ દુર્ઘટનાનો ભય રહેલો હોઇ તો તાત્કાલિક ધોરણે આ બ્રિજને જાહેર જનતા માટે બંધ કરી તાત્કાલિક તોડી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી વિનંતી કરી છે.

Most Popular

To Top