ઓલપાડ: ઓલપાડ (Olpad) તાલુકામાંથી પસાર થતી સેનાખાડીમાં (Sena Bay) ઓલપાડ ખાતે ખોદકામ કરી માટી ઉલેચવાની થતી કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મનસ્વી રીતે આડેધડ ખાડીમાં તેની આજુબાજુની સરકારી જમીનમાં પણ માટી ખોદી ઉલેચવામાં આવી રહી છે. તથા સેનાખાડીના પાળાઓને પણ નુકશાન કરવામાં આવી રહ્યું છે તેવા આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે જ માટીનું ગેરકાયદે ખોદકામ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયક દ્વારા કરાઈ છે. આ સંદર્ભે દર્શન નાયકે ગાંધીનગર સ્થિત તકેદારી આયોગના કમિશનર સંગીતા સિંગને ફરિયાદ કરી છે.
- ઓલપાડ તાલુકામાંથી પસાર થતી સેનાખાડીમાં થઇ રહેલ ખોડકામ બાબતે તપાસ કરી નિયમો વિરુદ્ધ કામગીરી કરનાર અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા માંગણી કરાઈ
દર્શન નાયકે ફરિયાદ કરતા કહ્યું છે કે, કોઈ સરકારી જમીન, પટ, નદી, ખાડી , તળાવ કે અન્ય સરકાર હસ્તકની સંપત્તિ સંબંધી કામગીરી કરવામાં આવે છે ત્યારે સ્થળ ઉપર સરકારી અધિકારી કે કોઈ પણ જવાબદાર વ્યક્તિ ની હાજરી આવશ્યક હોય છે. પરંતુ સેના ખાડી ખાતે કરવામાં આવી રહેલા ખોદકામ વખતે કોઈ અધિકારી જોવા મળતા નથી. આ સમગ્ર કામગીરી શંકાસ્પદ રીતે થઈ રહી છે. આ સાથે દર્શન નાયકે કેટલાંક પ્રશ્નો ઉઠાવી તે અંગે તપાસની માંગણી કરી છે.
પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીએ આ સવાલો ઉઠાવ્યા
- સદર માટી ખોડવાની કામગરી માટે વહીવટીતંત્રમાંથી કોઈ મંજૂરી લેવામાં આવી છે કે કેમ ?
- કોઈ અધિકારીના નિગરાની હેઠળ ખોડકામની કામગીરી કરવાની છે કે કેમ?
- ખાડી ખોદકામ માટે કોઇ ચોક્કસ નીતિનિયમો કે ખોદકામ નું માપ નક્કી કરવામાં આવ્યું છે કે કેમ?
- આખી ખાડીનું દરિયાનાં મુખ સુધી ખોદકામ કરવામાં આવનાર છે કે કેમે?
- ભૂસ્તર વિભાગમાંથી મંજૂરી લેવામાં આવી છે કે કેમ?
- રોયલ્ટી નિયમો મુજબ ભરવામાં આવી રહી છે કે નહીં?
- ડ્રેનેજ વિભાગ વિભાગની કોઈ મંજૂરી લેવામાં આવી છે કે કેમ?
સેનાખાડીના પાણીના વહેણનો સરવે કરવા માંગ
સેનાખાડીમાં લગભગ દર વર્ષે કોઈ ને કોઈ ઈસમો દ્વારા કોઈને કોઈ બહાને ખોદકામ કરી માટી ઉલેચવામાં આવે છે અને અમુક ચોક્કસ વિસ્તારમાં જ ખોદકામ કરવામાં આવે છે. પરતું સેનાખાડીની પાણીના વહન શક્તિમાં કોઈ તફાવત જોવા મળ્યો નથી. દર વર્ષે ચોમાસામાં પાણીનો નિકાલ ન થવાને કારણે પાણીનાં ભરાવો થવાનો પ્રશ્ન તો ઉપસ્થિત થઇ જ રહ્યો છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
ખરેખર જો સેનાખાડીમાં પાણીના સંગ્રહ શક્તિ અને વહન શક્તિમાં વધારો કરવો હોય તો સેનાખાડીનો દરિયાનાં મુખ સુધી સર્વે કરાવી તેની બંને બાજુ ઉપર માપણી કરાવી સેનાખાડી ઉપર બંને બાજુ કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવા જોઈએ તથા એક ચોક્કસ પ્લાનીંગ કરી સમગ્ર સેના ખાડીનું દરિયાના મુખ સુધી બંને બાંજુ જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ખોદકામ કરવું જોઈએ તથા આ ખોદકામની કામગીરી ટેન્ડર પ્રક્રિયાથી કરાવવી જોઈએ કે જેથી સરકાર ને રોયલ્ટી ની આવક પણ થાય અને કોઈ પણ ગેરકાયદેસર અને નિયમોવિરુદ્ધની કામગીરી ઉપર અંકુશ લગાવી શકાય.