નવસારી : નવસારીની (Navsari) પરિણીતાને પતિ, સસરા, સાસુ, કાકા સસરાએ શારીરિક-માનસિક ત્રાસ (domestic violence) આપી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી (Threat) આપતા મામલો નવસારી મહિલા પોલીસ (Police) મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારી શાંતાદેવી રોડ પર સરકારી આવાસમાં નાનીબેન ભીમાભાઇ સંગ્રામના લગ્ન ગત 2009 માં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વંડા ગામે રહેતા કાળુભાઈ છગનભાઈ પરમાર સાથે થયા હતા. લગ્નના 5 મહિના બાદ સાસુ વાલીબેન નાની-નાની બાબતોમાં નાનીબેન સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી ‘તું તારા ધણી સાથે અલગથી રહેવા ક્યાંક જતી રહે, મારૂ ઘર ખાલી કરી દે’ તેમ કહી દબાણ કરતા હતા. પરંતુ તેમના પતિ કાળુભાઈમાં લગ્ન જીવન માણી શકે તેવી શક્તિ અને શારીરિક રીતે સજ્જ ન હતા. જોકે નાનીબેન તેમનું લગ્ન જીવન બચાવવા માટે સાસરીમાં રહેતા હતા. ત્યારબાદ પણ સાસરિયાઓ નાનીબેનને નાની-નાની બાબતોમાં મ્હેણાં-ટોણા મારી હેરાન-પરેશાન કરી અપશબ્દો બોલી માર મારતા હતા. એકવાર નાનીબેનની જેઠાણીના દીકરાની દીકરી ચૂલામાં મકાઇ સેકતી હતી. ત્યારે તેણી પગમાં દાઝી ગઈ હતી.
જે બાબતે પણ પણ નાનીબેન ઉપર આક્ષેપો કરી તેણી સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી માર મારતા નાનીબેન તેમના પિયરમાં આવી ગઈ હતી. આ ઘટના અંગે નાનીબેને નવસારી મહિલા પોલીસ મથકે પતિ કાળુભાઈ, સસરા છગનભાઈ, સાસુ વાલીબેન, કાકા સસરા કરશનભાઈ પરમાર અને કાકા સસરા નરસિંહભાઈ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. ડી.એન. ચૌધરીએ હાથ ધરી છે.
છુટા-છેડા થઇ જતા ટેન્શનમાં રહેતા બારતાડના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
વાંસદા : વાંસદાના ઉનાઈ ગામ નજીક બારતાડ ગામના ઝાડી ફળિયામાં આવેલી સ્મશાન ભૂમિમાં ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે રહેતા ૨૮ વર્ષીય યુવકે ઝેરી દવા પી જતા જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે રહેતા ઉરેશભાઈ ચૌધરીએ આપેલી ફરિયાદ મુજબ તેમનો પુત્ર સાવંત ઉરેશભાઇ ચૌધરી જે તા ૦૪ /૦૪/૨૨ ના રોજ પોતાના ઘરેથી પોતાની મો.સા લઈ ક્યાંક જતો રહ્યો હતો. બાદમાં ઉનાઈના બારતાડ ઝાડી ફળિયામાં આવેલી સ્મશાન ભૂમિમાં ઝેરી દવા પી જતા મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
પિતાએ જણાવ્યુ હતુ કે તેમના છોકરા સાવંતના લગ્ન સોનગઢ તાલુકાના કરનાડા ગામે રહેતા દિનેશભાઈની છોકરી નેહા સાથે થયા હતા અને લગ્ન થયા બાદ ૮ માસમાં છુટા-છેડા થઇ ગયા હતા. જેથી પુત્ર કાયમી ટેન્શનમાં રહેતો હોય જે ટેન્શનના કારણે ઝેરી દવા પી જઈ મોતને વ્હાલ કર્યું હોવાનું વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.